કોબી અને દૂધી માટે બિહારમાં એક વૃદ્ધની હત્યાનો આક્ષેપ
બિહારના મોતીહારીમાં એક હત્યાની ઘટના ઘટી છે. અહીં પડોશીઓ પર હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ હત્યા આમ તો એક કોબી અને દૂધી માટે થઈ હતી, પરંતુ વાસ્તવમાં આ હત્યા પાછળ જમીનનો ખટરાગ જવાબદાર હોવાનું પરિવારજનોનું કહેવાનું છે.
મળતી માહિતી અનુસાર મોતિહારીમાં ચોરીની આશંકાથી એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ હત્યાનો આરોપ ગામડાના ગુંડાઓ પર લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે તેની અને તેના પડોશીઓ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. તેઓએ બહાનું બનાવીને તેના પર કોબી ચોરીનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદ મળતા જ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
વાસ્તવમાં આ ઘટના મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના દુલમા પંચાયતના બારાપાકડ ગામમાં બની હતી. અહીંના રહેવાસી રઘુનાથ પ્રસાદ મંગળવારે સવારે શૌચક્રિયા કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પાડોશીઓએ તેના હાથમાં એક કોબી અને એક દૂધી જોઈ હતી. આ બન્ને શાકભાજી અમારા ખેતરમાંથી ચોર્યા છે તેવા આક્ષેપ સાથે પડોશીઓ અને અમુક ગુંડાઓ તેમના પર તૂટી પડ્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આ મારપીટમાં રઘુનાથનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના પરિવારજનોએ માહિતી આપી છે કે કોબી ચોરીના આરોપમાં રઘુનાથ પ્રસાદને માર મારવામાં આવ્યો છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, પરિવારના સભ્યો તરફથી કોઈ સત્તવારફરિયાદ થઈ નથી. તે થતાં જ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.