મિત્રોને મદદ કરતા પહેલા વિચારી લેજોઃ વેરાવળના આ યુવાનને જીવ ખોવાનો આવ્યો વારો
જરૂર પડ્યે કામ ન આવે તો મિત્ર કેવો તે વાત સાચી, પણ આ ભાવ બન્ને બાજુ હોવો જોઈએ. ખરે સમયે એક મિત્ર મદદ કરે અને તે બાદ તે મદદને લીધે તકલીફમાં આવેલા મિત્રને નોધારો મૂકી છે અને તેને ત્યાં સુધી પજવે કે મિત્રએ જીવ ગુમાવવાનો વારો આવે, તો સમજી લેવું કે તમે ખોટા માણસની મિત્રતા કરી છે. આવું જ કંઈક વેરાવળના પિયૂષ નામના યુવાન સાથે બન્યું અને તેણે આત્મહત્યા કરી લીધી.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા પિયૂષ નામના યુવાને તેના બે મિત્ર નરેન્દ્ર અને ભાવેશ મુરબીયાને રૂ. 92 લાખ જેવી મોટી રકમ ધંધો કરવા ઉછીની આપી હતી. આ વાત 2016-2017ની છે. પૈસા આપ્યા બાદ બન્ને મિત્રો પરત કરવાનું નામ લઈ રહ્યા ન હતા. આને લીધે પિયૂષ ભીંસ અનુભવતો હતો. તે બાદ તેનો પરિચય રાજકોટના રમેશ નામના વ્યક્તિ સાથે થયો. આ રમેશે તેને રૂપિયા પરત લાવવાની ખાતરી આપી અને પોતાના તરફ ખેંચી રૂ. 52 લાખ ઉછીના લીધા. આમ થયા બાદ તેના 1.44 કરોડ રૂપિયા જતા રહ્યા અને તે આર્થિક અને માનસિક સંકળામણ અનુભવવા માંડ્યો. તે બાદ તેણે કુટુંબીઓ પાસેથી લેવાનો વારો આવ્યો. તેણે બારેક લાખ ઉછીના લીધા અને તેનું ખોટું વ્યાજ વસૂલવા તેને રંજાડવામાં આવતા તે નાસીપાસ થઈ ગયો અને અંતે તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તેની પત્નીની ફરિયાદ તેમ જ તેની સ્યૂસાઈડ નોટના આધારે પોલીસે નરેન્દ્ર અને ભાવેશને પકડી લીધા છે જ્યારે અન્ય બેની શોધ ચાલી રહી છે.
પિયૂષે ત્રણ ભૂલ કરી. એક તો મિત્રોને રૂ. 92 લાખ જેવી રકમ ઉછીની આપી, બીજું એક અનુભવ થયો હોવા છતાં ફરી રૂ. 52 લાખ જેટલી રકમ ઉછીની આપી અને સૌથી મોટી ભૂલ કે તેણે જીવનનો અંત લાવી દીધો. તેણે પરિવારજનો અને પોલીસની મદદ લઈ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવાની જગ્યાએ હિંમત હારી આત્મહત્યા કરી અને પરિવારને રડતો મૂકી ગયો. આથી મિત્રતામાં કે સંબંધોમાં અંધ બનવું નહીં અને એકવાર બની ગયા તો પિરિસ્થિતિનો સામનો કરવો, ખોટું પગલું ભરવું નહીં, તે સૌ કોઈએ સમજવાની વાત છે.