‘મૈં અટલ હૂં’ -અટલ બિહારી વાજપેયીના જીવનને પડદા પર લાવશે આ બોલિવુડ અભિનેતા
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવનકથા એક ફિલ્મના રૂપમાં દર્શકો સામે આવી રહી છે. આ બાયોપિકમાં અટલજીનું પાત્ર ભજવ્યું છે, જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીએ. 19 જાન્યુઆરીના રોજ આ બાયોપિક સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અભિનેતાએ એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અટલજી જેવા ભારત રત્ન વિજેતા તેમજ દેશના વડા પ્રધાન રહી ચુકેલા વ્યક્તિના જીવનકવનને પોતાની અભિનયશૈલીમાં લાવવું એ ઘણો મોટો પડકાર હતો. મારા મનમાં અસમંજસ હતી કે શું હું તે કરી શકીશ. આ ફિલ્મનું દિગ્દર્શન ધુરંધર નિર્દેશક રવિ જાધવ દ્વારા કરવામાં આવ્યું છે. “સોનાનું હૃદય, લોખંડનું શરીર..” આ કેપશન સાથે પંકજ ત્રિપાઠીએ ફિલ્મની કેટલીક ઝલક તેમના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
આ ફિલ્મ અટલજી પરના એક પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયી: પોલિટીક્સ એન્ડ પેરાડોક્સ’ પર આધારિત છે. બોલીવુડના ધરખમ પ્રોડક્શન હાઉસ ભણસાલી સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ બની રહી છે. પંકજ ત્રિપાઠીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં જ અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’ અને ‘સ્ત્રી 2’માં જોવા મળશે. થોડા સમય પહેલા પંકજ ત્રિપાઠીએ ‘મિમી’માં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.