ટોપ ન્યૂઝનેશનલ

ઈડીને ફટકારઃ મદ્રાસ હાઈકોર્ટે પાંચ અધિકારીને મોકલેલા સમન્સ પર મૂક્યો સ્ટે

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે આજે ગેરકાયદે રેતી ખનનથી થતી કથિત મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમિલનાડુના પાંચ જિલ્લા કલેક્ટરને જારી કરાયેલા સમન્સ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે સમન્સ પર ત્રણ અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે, પરંતુ ડીએમકેની વિનંતી મુજબ EDની તપાસ પર રોક લગાવી નથી. કલેક્ટર્સ અને રાજ્ય સરકારે ત્રણ અઠવાડિયામાં EDના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

જસ્ટિસ એસએસ સુંદર અને જસ્ટિસ સુંદર મોહનની બનેલી મદ્રાસ હાઈકોર્ટની બે જજની બેન્ચે ગઈકાલે અરિયાલુર, વેલ્લોર, તંજાવુર, કરુર અને તિરૂચિલ્લાપલીના કલેક્ટર્સ વતી રાજ્યના જાહેર વિભાગના સચિવ કે નન્થાકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો.

તેમની અરજીમાં નન્થાકુમારે દલીલ કરી હતી કે EDએ તપાસની આડમાં જિલ્લા કલેક્ટરને સમન્સ જારી કરવાની વ્યાપક અને મનસ્વી પ્રથા શરૂ કરી છે.

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ED પાસે આવી નિરંકુશ સત્તાઓ નથી અને તેણે કલેક્ટરને સમન્સ પાઠવવું એ સંઘવાદની ભાવના વિરુદ્ધ છે. કેન્દ્રીય એજન્સીએ માત્ર રાજ્ય સરકાર દ્વારા વિગતો માંગવી જોઈએ અને કોઈપણ તપાસ તેની સંમતિથી થવી જોઈએ.

IIT નિષ્ણાતના સર્વેક્ષણને ટાંકીને, EDએ દાવો કર્યો હતો કે તમિલનાડુમાં 4,500 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર રેતી ખનન થયું હતું અને આક્ષેપ કર્યો હતો કે આ આવકનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે કલેક્ટરને બોલાવવાની સત્તા છે. જો કે, ગઈકાલે ન્યાયાધીશોએ કહ્યું હતું કે એજન્સી પાસે મર્યાદિત સત્તા છે.

શાસક ડીએમકેએ ભાજપ પર વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે અને ED કેસોમાં દોષિત ઠરવાનો દર લગભગ શૂન્ય છે.

આ વચગાળાનો આદેશ છે, તેને વિપક્ષની મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે. જો કે, આ મુદ્દો લાંબી કાનૂની લડાઈમાં ફેરવાઈ શકે છે, જેને ED કાનૂની રીતે પડકારી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button