ટોપ ન્યૂઝનેશનલવેપાર અને વાણિજ્ય

વૈશ્વિક સોનું છ મહિનાની ટોચે પહોંચતા સ્થાનિકમાં રૂ. ૪૫૮નો ચમકારો, ચાંદી રૂ. ૧૯૪૭ ઝળકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરે તેવી શક્યતા પ્રબળ બનતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાના ભાવમાં સતત બીજા સત્રમાં સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ છ મહિનાની ઊંચી સપાટી સુધી પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ઉછાળો આવ્યો હતો.


ગઈકાલે સ્થાનિક બજાર ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહી હોવાથી તેજી વેગીલી રહી હતી. આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬થી ૪૫૮ની તેજી આવી હતી. જોકે આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

આમ રૂપિયામાં સુધારો થતાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ઉછાળો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૯૪૭ના ચમકારા સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટીની લગોલગ પહોંચ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વિશ્વ
બજારમાં ચાંદીમાં તેજી આવ્યા બાદ આજે લંડન ખાતે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૪૭ વધીને રૂ. ૭૪,૯૯૩ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬ વધીને રૂ. ૬૧,૬૪૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૫૮ વધીને રૂ. ૬૧,૮૯૫ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે તથા વહેલા મોડા વ્યાજદરમાં કપાતની શરૂઆત થાય તેવા આશાવાદ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ગત ૧૬મી મે પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.


વધુમાં આજે પણ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૧૫.૩૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૦૧૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૪.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરનાં અમેરિકાના જાહેર થયેલા આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો રોકાણકારોમાં આશાવાદ છે. તેમ છતાં હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા પર સ્થિર થઈ હોવાથી થોડાઘણાં અંશે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…