INDvsAUS T20: આજે ત્રીજી મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઇ શકે છે….
ભારતીય ક્રિકેટ ટીમે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સિરીઝમાં પ્રથમ 2 મેચ જીતીને 2-0થી લીડ મેળવી છે. આજે સિરીઝની ત્રીજી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય T-20 મેચોમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયન ટીમને હંફાવી દીધી હતી. આજે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝ જીતવા મેદાને ઉતરશે.
કેપ્ટન સૂર્યકુમાર આજે પણ વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરશે, પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થવાની શકયતા નહીંવત છે. માત્ર એક જ જગ્યા છે જ્યાં ટીમ મેનેજમેન્ટ ફેરફારો વિશે વિચારી શકે છે અને તે છે અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં લાવવાનો. જો કે, અક્ષર પટેલે બીજી ટી20માં પોતાની બોલિંગથી પોતાની પ્રતિભા દેખાડી હતી અને 25 રનમાં એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરંતુ જો ટીમ મેનેજમેન્ટ સુંદરને તક આપવા માંગે છે, તો આ એકમાત્ર જગ્યા છે જ્યાં ફેરફાર થઈ શકે છે.
આ સિવાય આ સમયે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે. ભારતના ટોપ 3 બેટ્સમેનોએ બીજી T-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જયસ્વાલે 53 રન, ગાયકવાડે 58 રન અને ઇશાન કિશને 52 રન બનાવ્યા હતા. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારતના ટોચના 3 બેટ્સમેનોએ T-20 ઇન્ટરનેશનલમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. એટલે કે ભારતીય બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.
ઓલરાઉન્ડર તરીકે અક્ષર કે સુંદરને આજની મેચમાં તક મળશે. તે જ સમયે, રવિ બિશ્નોઈ સ્પિનર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. ફાસ્ટ બોલર તરીકે પ્રખ્યાત કૃષ્ણા, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર ટીમમાં હશે. એટલે કે અવેશ ખાનને આજે પણ બેંચ પર બેસવું પડી શકે છે.
રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ