પ્રાચિન જ્ઞાન… આધુનિક વિજ્ઞાન
કાઉસગ્ગમ્ દ્વારા કર્મ બંધનથી મુક્તિ મેળવો!
હેલ્થ વેલ્થ – રાજેશ શાહ
કાઉસગ્ગમ્ દ્વારા આપણા ‘હેતુ’ ઓ શુદ્ધ બને છે, આપણી સ્વભાવિક શક્તિઓ જાગરૂક થાય છે અને આપણા અસ્તિત્વને સાચી દિશા આપી શકાય છે. આ વિજ્ઞાન ને માહિતી અને એની સાધના કોઈ પણ સિદ્ધ પુરુષ પાસેથી મેળવી શકાય છે.
પ્રત્યેક મનુષ્યની સામે જો કોઈ જટિલ પ્રશ્ર્ન હોય તો તે છે પોતાના સુખ-દુ:ખના કારણને જાણવું. એનાથી પણ વધારે મુઝવણ હોય તો તે છે પોતાના અસ્તિત્ત્વને સમજવું.
મનુષ્ય બાહ્ય જગતને સમજવાની કોશિષ કરવામાં પોતાને જ સમજી શકતો નથી. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, અહીં આવી તે શું કરવાનું છે? જેવા મૂળભૂત પ્રશ્ર્નોના જવાબ જેને મળે તે ખરેખર ભાગ્યશાળી કેહવાય. આવા ગંભીર અર્થ વાળા વિષયો પર પ્રકાશ પાડવા માટે જ આપણા ધર્મ ગ્રંથોની રચના થઈ છે.
જીવનની ફિલસૂફી અને આધ્યાત્મિક વિજ્ઞાન ને પંડિતાઈનો વિષય નહીં પણ જીવન ઉપયોગી વિષય બનાવવું હોય તો આપણા રોજિંદા જીવનમાં સુખ-દુ:ખના કારણને જાણવું, સમજવું અને કેમ જીતવું, એ દિશામાં આગળ વધવું પડશે. ખરેખર સુખ-દુ:ખ તો આપણા સમગ્ર જીવનનો રસ છે અને આપણા અસ્તિત્ત્વનો પરમ ધ્યેય છે. આપણાં શાસ્ત્રોમાં આ વિષયને સંબોધન કરનાર એક અનોખું વિજ્ઞાન છે-કર્મ વિજ્ઞાન!
ભારતીય સંસ્કૃતિના લગભગ બધા જ ધર્મોમાં ‘કર્મ’નો ઉલ્લેખ જોવા મળે છે. કર્મ જ આપણા સુખ-દુખનું કારણ છે અને આપણી ગતિને દિશા આપનાર ઊર્જા છે એ વાત પર ખૂબ જ ધ્યાન આપવાનો નિર્દેશ છે.
ખરેખર તો કર્મ વિજ્ઞાન જ સમગ્ર આધ્યાત્મિક વિજ્ઞાનનું કેન્દ્રબિન્દુ છે અને ધર્મ પુરુષાર્થનો હેતુ-સિદ્ધિ ઘટક છે! પણ આ મહાન વિષયને આપણે વામન બનાવી દીધો છે. સાધારણ સમજ અનુસાર કાયા, મન, વાણીની પ્રવૃત્તિ એ કર્મ-બીજ છે અને જેવા બીજ વાવીએ તેવું પામીએ એ કર્મની લીલા છે- આવી અલ્પતામાં જાણે આપણું સમગ્ર આયખું ખોઈ નાખ્યું…
કર્મ અને કર્મ-બંધન:
“જેવાં બીજ વાવશો, તેવાં પરિણામ પામશો! એ સાધારણ વ્યાખ્યા નથી. આ ફિલસૂફી પાછળ ગહન અર્થ છુપાયેલા છે. એમ કહી શકાય કે આ વાક્યમાં સમગ્ર જીવનનો સાર છે. તમારા સુખ-દુખ, તમારી સિદ્ધિઓ, મકાન, ધન, વૈભવ વિ. સર્વે તમારા જ વાવેલા બીજનાં પરિણામ છે. આ સનાતન સત્ય છે. આ જ કર્મની લીલા કહેવાય છે.
કર્મ વિજ્ઞાનને સમજતા પહેલા, જીવના મૂળ ગુણોને સમજવાની કોશિષ કરીએ. સર્વે જીવોમાં દિવ્ય ચેતના (Divine Consciousness) દિવ્ય આનંદ અનુભૂતિ (Divine Bliss), હેતૂ-ઈચ્છા (Divine Will), દિવ્ય જ્ઞાન (Divine Knowledge) અને દિવ્ય ક્રિયા (Divine power to act and manifestation)… જેવી પાંચ મૂળભૂત શક્તિઓ હોય છે આ શક્તિઓના આધારે જીવ પોતાના અસ્તિત્ત્વને આકાર આપે છે અને જીવનને દિશા આપે છે. આ પાંચ શક્તિઓનો વિશેષ ભેદ કરીએ તો દિવ્ય ચેતના અને દિવ્ય અનુભૂતિ બન્ને “આત્મભાવ છે અને બીજી ત્રણ શક્તિઓ “કર્મ-ભાવ છે! “કર્મ એ હેતુ-ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાની સામૂહિક શક્તિ છે.
એક મહત્ત્વનો મુદ્દો સમજવાની જરૂર છે- ‘જીવ શુદ્ધ કર્મ કે અશુદ્ધ કર્મ કરી શકે છે અને એનાં પરિણામ ભોગવી શકે છે પણ ક્યારે પણ કર્મ-શક્તિનો નાશ કરી શકે નહીં.’
આધ્યાત્મિક વિજ્ઞાન એક વધુ ખુલાસો કરે છે. કર્મ પ્રકિયાની શરૂઆત હેતૂ-ઈચ્છા (Intention)થી થાય છે. જીવના અસીમ આતમમાં એક ‘હેતુ-ઈચ્છા’ રૂપી કંપન પેદા થાય છે, તેને ‘જ્ઞાન’થી આકાર આપવામાં આવે છે અને અંતે ‘ક્રિયા’ દ્વારા તેને પરિણામ સ્વરૂપે જોવા મળે છે.
કર્મના બીજ હેતુ-ઈચ્છામાં રહેલ છે અને મોટા ભાગે તે જીવની જાણ બાહાર અદૃશ્ય બનીને રહે છે. માટે જ મોટા ભાગની ઈચ્છાઓ આપણા અદૃશ્ય મનમાંથી ઉત્પન્ન થતી હોવાથી આપણા નિયંત્રણ બાહાર હોય છે! અને ચોંકાવનારી વાત તો એ છે કે આપણા હેતુ-ઈચ્છાઓ સુષુપ્ત રીતે નિર્માણ પામાતી હોય છે… આપણી જાણ બાહાર.
જ્યારે કર્મ-ભાવ અશુદ્ધ હોય છે, ત્યારે વિકૃત્ત ઈચ્છાઓ, મિથ્યા જ્ઞાન અને હિંસક ક્રિયાઓ દ્વારા કર્મ-બંધનમાં આપણે ફસાઈ જઈએ છીએ.
કાઉસગ્ગમ્ વિજ્ઞાન:
‘કાઉસગ્ગમ્’ એક દિવ્ય પુરુષાર્થ છે જે જીવને કર્મ-બંધનથી મુક્ત કરી શકે છે. આ વિજ્ઞાન દ્વારા મન-વચન-કાયાની અશુદ્ધ પ્રવૃત્તિઓને આપણે અટકાવી શકીએ છીએ અને સુખ-દુ:ખની વેદનાથી મુક્ત થઈ શકીએ છીએ.
કાઉસગ્ગમ્ દ્વારા આપણા ‘હેતુ’ ઓ શુદ્ધ બને છે, આપણી સ્વભાવિક શક્તિઓ જાગરૂક થાય છે અને આપણા અસ્તિત્વને સાચી દિશા આપી શકાય છે. આ વિજ્ઞાન ને માહિતી અને એની સાધના કોઈ પણ સિદ્ધ પુરુષ પાસેથી મેળવી શકાય છે.
કાઉસગ્ગમ્નો મુખ્ય ઉપયોગ એટલે આપણી જાગરૂકતા અને દિવ્ય બુદ્ધિનો વિકાસ-જે આપણા અનાદીકાળના કર્મ બંધનને તોડી પાડતા દિવ્ય અસ્ત્રનું કાર્ય બજવે છે.
અશુદ્ધ કર્મોથી મુક્તિ:
અશુદ્ધ કર્મોથી મુક્તિ એટલે સુખ-દુ:ખ પર વિજય પ્રાપ્તિ. સુખ-દુ:ખ એ અભિપ્રાય માત્ર છે- એક વ્યક્તિ દુ:ખથી દુ:ખી થાય ત્યારે બીજો વ્યક્તિ દુ:ખના કારણને જાણી એનાથી ‘પર’ કેમ થવું એ વિચારે.
સુખ-દુ:ખના કર્મોને દૂર કરવા બે પ્રચલિત માર્ગો સ્વીકારવામાં આવે છે. એક માર્ગ પ્રભુ-ભક્તિ અને પરમ શક્તિ પર શ્રદ્ધાનો માર્ગ છે, જ્યારે બીજો માર્ગ સ્વશક્તિ અને આત્મિક ગુણ વિકાસને કેન્દ્રમાં રાખે છે. કાઉસગ્ગમ્ બીજો માર્ગ છે.
અશુદ્ધ કર્મ મુક્તિ માટે આ મનોવૃત્તિની કેળવણી લાભકારી હોય છે
(૧) પ્રત્યેક સંજોગમાં, પ્રત્યેક અનુભવમાં ‘જ્ઞાન’ મેળવવો:
આધ્યાત્મિક જીવનની એક વિશેષતા છે કે કોઈ પણ સંજોગ ખરાબ નથી. તે સંજોગ આપણ પ્રગતિ માટે નિર્માણ થયેલ છે.
(૨) કારણને સુધારો:
પ્રત્યેક કાર્ય પાછળ ચોક્કસ કારણ હોય છે. કાઉસગ્ગમ્ દ્વારા કારણને સમજી શકાય છે અને સુધારી શકાય છે.
(૩) શુભ કર્મોનાં બીજ વાવો:
શુભ-અશુભ કર્મોના ભેદ જાણી સમજણપૂર્વક અને નિર્સ્વાથપણે શુભ કર્મોનું ઉપાર્જન કરો.
(૪) કાઉસગ્ગમ્ દ્વારા અશુભ વૃત્તિઓની નિર્જરા કરો.
આપણા સુખ-દુ:ખનાં કારણ આપણે કરેલ કર્મો છે. કર્મ શક્તિના ગુલામ નહીં, સ્વામી બનીએ એવી અભ્યર્થના