તાજગીથી ભરપૂર રસદાર ક્ધિનૂ ફળનો સ્વાદ ચાખવા જેવો છે હો!
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
શિયાળો હોય કે ઊનાળો ભારતીયો વિવિધ ફળોનો આનંદ માણવાનું પસંદ કરતાં હોય છે. ફળની વિવિધતાની સાથે ફળોનો ઉપયોગ આહારમાં કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે. ફળ તથા શાકભાજીનો આહારમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાથી શરીરને પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ઍન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી ગણાય છે. શિયાળો શરૂ થાય તેની સાથે બજારમાં નારંગીની આવક શરૂ થઈ જાય છે. નારંગીની આવક બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રસ્તા ઉપર રેકડી હોય કે ફળની દુકાન નારંગી જ નારંગી જોવા મળે છે. ક્યારેક લીલી છમ તો ક્યારેક પીળી કે આછી લીલી-પીળી, ક્યારેક નાની તો ક્યારેક મોટી પીળા રંગની હોય છે. નારંગી સંતરા તરીકે પણ ઓળખાય છે. સંતરા તથા ક્ધિનૂ બંનેમાં થોડી ખટાશ જોવા મળે છે. તેથી જ તેને સાઈટ્રસ ફળ તરીકે ઓળખવામાં આવે છે. બંને ફળની ઓળખ કઈ રીતે કરી શકાય તે જોઈ લઈએ. સંતરાની છાલ પાતળી તથા વજનમાં હળવી હોય છે. ક્ધિનૂની છાલ જાડી તથા વજનમાં ભારે હોય છે. ક્ધિનૂની ઉપરની છાલ મુલાયમ તથા ચીકાશ પડતી જોવા મળે છે. તો સંતરાની ઉપરની છાલ થોડી ખરબચડી જોવા મળે છે. સંતરાની સરખામણીમાં ક્ધિનૂની કિંમત ઓછી જોવા મળે છે. ક્ધિનૂ સ્વાદમાં મીઠાશ પડતાં હોય છે. ભારત તથા પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં ક્ધિનૂનો પાક વધુ થતો જોવા મળે છે. ભારતમાં ક્ધિનૂનો પાક પંજાબ, હિમાચલ, જમ્મૂ કાશ્મીર વગેરે રાજ્યોમાં વધુ થાય છે. સંતરાનો પાક મહારાષ્ટ્ર, હિમાચલ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા ઉત્તર પ્રદેશમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ક્ધિનૂમાં સંતરાની સરખામણીમાં ૩ ગણી વધુ માત્રામાં વિટામિન સી, મિનરલ્સ સમાયેલું હોય છે. જેને કારણે દાંતનો દુખાવો ત્વરિત ઓછો થવા લાગે છે. તેમાં સમાયેલાં પોષક તત્ત્વો કૅન્સરના ખતરાથી બચાવમાં મદદ કરે છે. ક્ધિનૂનો આહારમાં સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વિવિધ રોગથી રક્ષણ મળી રહે છે. ‘પંજાબમાં ક્ધિનૂ ફળને ફળના રાજા તરીકે ઓળખવામાં આવે છે.’ આ ફળ બે પ્રકારના જોવા મળે છે. કિંગ (સાઈટ્રસ નોબિલિસ) તથા વિલો લીફ (સાઈટ્રસ ઍક્સ ડેલિસિયોસા).
પોષક તત્ત્વની વાત કરીએ તો વિટામિન સી, વિટામિન એ, કૉપર, સોડિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, તેમ જ પ્રોટીનનું પ્રમાણ ભરપૂર સમાયેલું જોવા મળે છે. ૧૦૦ ગ્રામ ક્ધિનૂમાં ૨૦૦ મિલીગ્રામ પોટેશિયમ, ૫૦ મિલીગ્રામ કૅલરી, ૨ ગ્રામ ફાઈબર, ૧ ગ્રામ પ્રોટીન, ૧૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટની માત્રા સમાયેલી જોવા મળે છે. કૅલરીનું પ્રમાણ ઓછું હોવાને કારણે વજન નિયંત્રણમાં રાખવા માંગતી વ્યક્તિ માટે ઉપયોગી ફળ ગણાય છે. ઠંડીની મોસમમાં ક્ધિનૂ ખાવાના ફાયદા જાણી લઈએ :
પાચનતંત્ર મજબૂત બને છે : પાચન સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તેમણે ક્ધિનૂ ફળનો ઉપયોગ શિયાળામાં ખાસ કરવો જોઈએ. તેનું મુખ્ય કારણ તેમાં ફાઈબરનું પ્રમાણ સમાયેલું છે. જેને કારણે કબજિયાત, પેટમાં ચૂક આવવી, પેટ ફૂલી જવું જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાની આવશ્યક્તા અનુસાર અઠવાડિયામાં ૪-૫ વખત વિવિધ ફળની સાથે ક્ધિનૂ ફળનું સેવન કરવું જોઈએ. જેને કારણે લાંબા સમયની કબજિયાતની તકલીફમાં રાહત મેળવી શકાય છે.
વજન નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
અન્ય ખોરાક લેતાં પહેલાં ક્ધિનૂનો રસ કે તેના ફળને રેસા કાઢીને ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે. પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થાય છે.
ક્ધિનૂમાં ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું છે. વળી ફાઈબરયુક્ત ભોજન લેવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં લાભકારક
ઠંડીમાં કૉલેસ્ટ્રોલ વધી જતું જોવા મળે છે. ક્ધિનૂનું સેવન કરવાથી લોહીમાંથી ખરાબ કૉલેસ્ટ્રોલનો પ્રભાવ ઓછો કરવામાં મદદ મળે છે. જો ખરાબ કૉલેસ્ટ્રોલ વધી જાય તો વ્યક્તિને હૃદય સંબંધિત તકલીફ વધી જતી હોય છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ક્ધિનૂનું સેવન ગુણકારી ગણાય છે.
શરીરને શક્તિ પ્રદાન કરવામાં ગુણકારી
અનેક વખત એવું બને છે કે થોડું કામ કર્યા બાદ વ્યક્તિને શરીરમાં નબળાઈ લાગવા લાગે છે. આવા સંજોગોમાં જો ક્ધિનૂનો રસ પીવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વ્યક્તિ રસ પીધા બાદ તાજગીનો અનુભવ કરવા લાગે છે. તેનું મુખ્ય કારણ છે ક્ધિનૂમાં સમાયેલું ગ્લુકોઝ, ફ્રૂક્ટોઝ, સુક્રોઝ તથા કાર્બોહાઈડ્રેટ સમાયેલું જોવા મળે છે. જે શરીરની નબળાઈ દૂર કરીને ત્વરિત વ્યક્તિમાં એનર્જીનો સંચાર કરે છે.
એસિડીટી કે છાતીમાં બળતરાની તકલીફમાં ગુણકારી
વારંવાર તળેલું-તીખું ભોજન કરવાથી એસિડીટીની તકલીફ વધી જતી જોવા મળે છે. તીખું -તળેલું મસાલેદાર કે તળેલું ભોજન લીધા બાદ ક્ધિનૂનો રસ પી લેવાથી છાતીમાં થતી બળતારને રોકવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે ક્ધિનૂમાં મિનરલ્સ સમાયેલાં હોય છે જે એસિડીટીની સમસ્યાથી બચાવમાં મદદ કરે છે.
કૅન્સરના ખતરાથી બચાવે છે
ક્ધિનૂના સેવનથી કૅન્સરના રોગથી બચવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો જોવા મળે છે. તેવું એક સંશોધન બાદ જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવે છે કે ક્ધિનૂનું સેવન કરવાથી શરીરમાં વિષેલા પદાર્થો ઘટવા લાગે છે. ટોક્સિક એલિમેન્ટ બહાર નીકળવા લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી
ક્ધિનૂ ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ક્ધિનૂમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં સમાયેલું હોય છે. જેને કારણે શરીરને બૅક્ટેરિયા તથા વાઈરસથી સુરક્ષા મળે છે. વારંવાર બિમાર પડી જવાની સમસ્યાથી બચી શકાય છે.
ક્ધિનૂ-આદું માર્માલૅડ
સામગ્રી : ૪ નંગ ક્ધિનૂ, ક્ન્નિૂ ફળનો માવો જો ૪૦૦ ગ્રામ હોય તેનાથી અડધી ખાંડ આશરે ૨૦૦ ગ્રામ, ૨ નંગ સંતરાની ચીર બી તથા રેસાં કાઢેલી, ૧ લીંબૂનો રસ, ૧ ગ્લાસ પાણી જરૂર પ્રમાણે વાપરવું. ક્ધિનૂની છાલ પાતળી કાપેલી, ૫૦ ગ્રામ આદુંનો રસ.
બનાવવાની રીત: ક્ધિનૂના ફળને બરાબર સાફ કરી લેવાં. ૨ ફળનો રસ કાઢી લેવો. ૨ ફળનો માવો તૈયાર કરવો. છાલની અંદર દેખાતાં સફેદ રેસા કાઢી લેવાં. ફળની છાલમાંથી સફેદ રેસા કાઢીને છાલના નાના ટૂકડાં કરી લેવાં. બી કાઢી લેવાં.
હવે નૉન સ્ટીક પૅનમાં ક્ધિનૂનો રસ, માવો સંતરાની ચીર તથા ઝીણી સમારેલી છાલ ઉકાળવા મૂકવી. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું. પાણી બળવા આવે અને માવો ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં માવાથી અડધી ખાંડ ઉમેરવી. ખાંડ બળી જાય એટલે તેમાં આદુનો રસ, તથા લીંબૂનો રસ ભેળવી દેવો બે મિનિટ હલાવીને ગેસની આંચ બંધ કરી દેવી. ઠંડું પડે ત્યારબાદ કાચની બરણીમાં ભરી લેવું. માર્માલેડ જામ જેવો જ ઘટ્ટ તૈયાર થશે. સ્વાદમાં છાલનો ઉપયોગ ર્ક્યો હોવાથી ખટ્ટ-મધુરો લાગશે.