વી.પી.એ દેશને જ્ઞાતિવાદી રાજકારણના અંધારિયા કૂવામાં ધકેલ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ ક્યારે શું કરી નાંખે ને કોની પાલખી ઉંચકીને ફરવા માંડે એ કહેવાય નહીં. ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓને અચાનક કલ્પના પણ ના કરી હોય એવા નેતાઓ પર હેત ઉભરાઈ જતું હોય છે. અત્યારે એવું જ થયું છે ને ભાજપ વિરોધી ઈન્ડિયા મોરચાના બે પક્ષો ડીએમકે અને સમાજવાદી પાર્ટી વિશ્ર્વનાથ પ્રતાપસિંહને મહાન બનાવવા નીકળી પડ્યા છે.
વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ૧૯૮૯થી ૧૯૯૦ દરમિયાન લગભગ દોઢ વર્ષ માટે ભારતના વડા પ્રધાન હતા. વી.પી. સિંહ તરીકે જાણીતા વિશ્ર્વનાથ પ્રતાપસિંહે દેશના વિકાસમાં કશું નોંધપાત્ર યોગદાન તો આપ્યું નહીં જ પણ ઉલટાનું અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતની જોગવાઈ કરીને જ્ઞાતિવાદ આધારિત હલકી કક્ષાનું રાજકારણ રમવાનો ને દેશને જ્ઞાતિના આધારે વિભાજીત કરવાનો તખ્તો તૈયાર કરતા ગયા.
વી.પી. સિંહે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી તેથી રવિવારે તેમની નિધનને ૧૫ વર્ષ પૂરાં થયાં. વી.પી. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હોવાથી સરકારી રાહે તેમને શ્રધ્ધાંજલિઓ અપાઈ પણ દેશના બીજા ભાગોમાં તેમને બહુ વધારે યાદ ના કરાયા ત્યારે તમિલનાડુમાં મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનની સરકારે ચેન્નાઈમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરાવીને ભારે તામઝામ કરાવી દીધી.
રસપ્રદ વાત એ છે કે, સ્ટાલિને આ પ્રતિમાના અનાવરણ પ્રસંગે સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવને બોલાવ્યા. વી.પી. સિંહના રસ્તે ચાલીને નીતિશકુમારથી માંડીને તેજસ્વી યાદવ સુધીના ઘણા નેતા સત્તાની સીડી ચડી ગયા. દેશમાં પ્રાદેશિક પક્ષોનો આખો ફાલ વી.પી. સિંહની મંડલ પંચની નીતિના કારણે આવી ગયેલો ને અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ તેમાંથી એક હતા. આ કારણે સ્ટાલિન તેમને નોંતરે તેમાં કશું ખોટું નહોતું પણ માત્ર તેમને જ નોંતર્યા એ મહત્ત્વનું છે.
કૉંગ્રેસ સહિતના પક્ષોએ ભેગા થઈને ભાજપ વિરોધી પક્ષોનો મોરચો ઈન્ડિયા બનાવ્યો છે પણ અખિલેશને કૉંગ્રેસ સાથે સોરતું નથી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને સપા વચ્ચે ખટપટના સમાચાર તાજા છે તેથી સપા અને કૉંગ્રેસ સાથે રહેશે એ મુદ્દે અવઢવ છે. સ્ટાલિન કૉંગ્રેસના સાથી છે છતાં તેમણે કૉંગ્રેસ સામે બાંયો ચડાવનારા અખિલેશને નોંતર્યા તેના કારણે સ્ટાલિન બીજી કોઈ ફિરાકમાં છે કે શું એવી વાતો ચાલી રહી છે.
જો કે સ્ટાલિન અને અખિલેશ જે કંઈ કરશે એ વાજતુંગાજતું સામે આવવાનું જ છે તેથી એ વખતે તેની વાત કરી લઈશું પણ અત્યારે તો વી.પી. સિંહની વાત કરી લઈએ. સ્ટાલિન અને અખિલેશ વી.પી.ને મોટા નેતા સ્થાપિત કરવા નીકળ્યા છે પણ વી.પી. એવા મોટા નેતા નહોતા, બલ્કે તેમણે લોકોમાં જે અપેક્ષા ઊભી કરેલી તેને સંતોષવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયેલા નેતા હતા. વી.પી.એ પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા દેશને જ્ઞાતિવાદી રાજકારણના એવા કૂવામાં ધકેલી દીધો કે જેમાંથી આ દેશ કદી બહાર નહીં આવી શકે.
વિશ્ર્વનાથ પ્રતાપસિંહ એક સમયે કૉંગ્રેસમાં હતા ને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. ડાકુઓને નાથવામાં નિષ્ફળતાને પગલે રાજીનામું ધરી દઈને તેમણે પોતાની ઈમાનદાર નેતાની ઈમેજ બનાવેલી. ઈન્દિરાની હત્યાની સહાનુભૂતિના મોજા પર લડાયેલી ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કૉંગ્રેસને ૫૪૫માંથી ૪૧૪ બેઠકો જીતાડીને બીજા બધા રાજકીય પક્ષોનાં ડોઘલાં ડૂલ કરી નાખ્યાં પછી વી. પી. સિંહ રાજીવ ગાંધી સરકારમાં નાણાં પ્રધાન બન્યા હતા.
વી.પી. સિંહે ધીરુભાઈ અંબાણી સામે મોરચો માંડેલો તેમાં રાજીવે તેમને નાણાં પ્રધાન પદેથી હટાવ્યા ત્યારે જ બંને વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયેલો પણ ચાલાક વી.પી. મોકાની રાહ જોઈને બેસી રહેલા. ૧૯૮૬માં બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું એ સાથે જ વી.પી.ને એ મોકો મળી ગયો.
ભારતીય લશ્કર માટે તોપોની ખરીદીમાં રાજીવ ગાંધીના મળતિયાઓએ કટકી ખાધી છે એ ધડાકાએ ભારતીયોને સ્તબ્ધ કરી દીધા હતા હતા. બોફોર્સ કૌભાંડના પગલે વિશ્ર્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધીનું પ્રધાનમંડળ છોડીને ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો અને દેશભરમાં નીકળી પડ્યા. વિશ્ર્વનાથ પ્રતાપસિંહમાં એ વખતે લોકોને દેશની ભ્રષ્ટ શાસન પદ્ધતિને બદલી નાંખનારો મસિહા દેખાતો હતો. ઈન્દિરા ગાંધી સામે ૧૯૭૪મા મેદાને પડેલા જયપ્રકાશ નારાયણની સ્ટાઈલમાં તેમણે ભ્રષ્ટાચાર સામે એલાને જંગ કરતાં તેમની સરખામણી જયપ્રકાશ નારાયણ સાથે થવા માંડી હતી.
વી.પી.એ દેશભરમાં કૉંગ્રેસ વિરોધી એક લહેર ઊભી કરી દીધી હતી ને તેના કારણે વિપક્ષો એક થયા. ભ્રષ્ટાચાર સામે જંગ ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હતો ને વી,પી. ૧૦૦ દિવસમાં બોફોર્સના કટકીબાજોને જેલભેગા કરવાની વાતો કરતા હતા તેથી લોકો તેમના પર વારી ગયેલા. વી.પી.એ ભ્રષ્ટાચારને સાફ કરવાની વાતો કરી સત્તા કબજે કરી પણ કશું કરી ના શક્યા.
વી.પી.એ સત્તા ટકાવવા જ્ઞાતિવાદી રાજકારણનું મંડલ કાર્ડ ખેલ્યું. વી.પી.એ સાત ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ ઓબીસી માટે ૨૭ ટકા અનામતની જાહેરાત કરી તેના પગલે સવર્ણોમાં આક્રોશ ભડકી ઉઠ્યો. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા ને આખા દેશમાં મંડલ વિરોધી આંદોલન શરૂ થયું. દિલ્હી યુનિવર્સિટીના રાજીવ ગોસ્વામીએ મંડલ પંચની ભલામણોના અમલ સામે આત્મવિલોપનનો રસ્તો અપનાવીને જીવ આપી દીધો પછી તો આત્મવિલોપન કરીને જીવ આપવાની હોડ જ શરૂ થઈ ગઈ હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જાહેરમાં સળગી મર્યા ને આંદોલન એટલું ઉગ્ર બન્યું કે વી.પી. સરકારે ઓબીસી અનામતની જાહેરાત મોકૂફ રાખવી પડી.
વી.પી.ના મંડલ કાર્ડ સામે કમંડલ કાર્ડ ખેલીને લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરૂ કરી તેમાં મંડલવાદીઓ અને કમંડલવાદીઓની લડાઈ જામી. વી.પી.એ ભાજપને પતાવવા મંડલનો દાવ ખેલેલો પણ એ પોતે પતી ગયા. તેમની સરકાર ઘરભેગી થઈ ગઈ. કૉંગ્રેસે ચંદ્રશેખરનો ઉપયોગ વી.પી.ને ઘરભેગા કરવા કર્યો ને પછી તેમને પણ ઘરભેગા કરી દીધા.
વિશ્ર્વનાથ પ્રતાપસિંહ પાસે આ દેશને બદલવાની તક હતી પણ વી.પી. કશું ના કરી શક્યા. ઉલટાનું મુલાયમસિંહ યાદવ, નીતીશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓને મોટા કરીને તેમણે દેશને જ્ઞાતિવાદમાં વધારે વહેંચી દીધો.
આવા વિશ્ર્વનાથ પ્રતાપસિંહને સ્ટાલિન અને અખિલેશ જેવા નેતા મહાન સ્થાપિત કરવા મથી રહ્યા છે ત્યારે એ લોકો ફાવે તો દેશનું શું થાય એ વિચારી જોજો.