એકનાથ શિંદેની સરકાર વિધાનસભામાં બહુમતીનો ટેકો ધરાવે છે: નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર સ્થિર છે અને તેમની પાસે વિધાનસભામાં બહુમતીનો ટેકો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેનાના બંને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશન પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય લેવામાં આવશે.
સિંધુદુર્ગમાં એક કાર્યક્રમમાં આવેલા નાર્વેકરે શિવસેનાના ઠાકરે જૂથના નેતા સંજય રાઉતના રાજ્ય સરકારની સ્થિરતા અંગે કરેલા નિવેદનની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે શિવસેના-ભાજપ-એનસીપી (અજિત પવાર જૂથ)ની સરકાર પાસે મેજિક નંબર છે.
નાર્વેકરે કહ્યું હતું કે સરકાર ત્યારે તૂટી પડે છે, જ્યારે તે વિધાનસભામાં સંખ્યાબળ સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય છે, બહાર સામાન્ય લોકોમાં કરવામાં આવતી ટિપ્પણીથી નહીં. રાજ્ય સરકાર પાસે મેજિક નંબર (145 વિધાનસભ્યોનો ટેકો) છે. લોકોએ આવી ટિપ્પણી કરવી જોઈએ નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સમયમર્યાદામાં સુનાવણી પૂરી કરીને ચુકાદો આપવાની મારી યોજના છે. હું ધ્યાન રાખું છું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને નુકસાન ન પહોંચે. શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અંગે નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય લઈશ.
અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 31 ડિસેમ્બર સુધીમાં શિવસેનાની અપાત્રતા પિટિશન પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
વિધાનસભાના સ્પીકર નક્કી કરશે કે પક્ષાંતર બંધીના કાયદાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. ઠાકરેએ કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં. જો ઉલ્લંઘન થયું હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હું રાજ્યની જનતાને ખાતરી આપું છું કે હું કોઈ ખોટો નિર્ણય લઈશ નહીં, એમ તેમણે કહ્યું હતું.