કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના તાકીદે પંચનામા કરવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં રવિવારે બપોર પછી કરાં સાથે કમોસમી વરસાદ થયો હતો. આને કારણે દ્રાક્ષના પાક સહિત કાંદા, શેરડી, ટમેટા, ફળની વાડીઓ, પાંદડાવાળી ભાજીઓ વગેરેને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના પંચનામા બે દિવસમાં પૂરા કરવાનો નિર્દેશ રાજ્યના સાર્વજનિક બાંધકામ (સાર્વજનિક ઉપક્રમ) ખાતાના પ્રધાન તેમ જ નાશિકના પાલક પ્રધાન દાદાજી ભૂસેએ સોમવારે આપ્યો હતો.
નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના કસબે સુકેણે ખાતે પાલક પ્રધાન દાદાજી ભૂસે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ખેતરોમાં પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોને આશ્ર્વાસન આપ્યું હતું અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલા પાકનું પંચનામું આગામી બે દિવસમાં પૂરા કરવા અને જેમણે પાકવીમા કઢાવ્યા હોય તેવા ખેડૂતોની પાકવીમા માટે એજન્સી સમક્ષ નોંધણી પૂર્ણ કરાવવી. કોઈપણ મદદથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવું.