આપણું ગુજરાત

વરસાદ વેરી બન્યો તો સુરતની આ સોસાયટીના રહેવાસીઓએ લંબાવ્યો મદદનો હાથ અને

ગુજરાતભરમાં ગઈકાલનું વાતાવરણ ભયાનક હતું અને ચોમાસા કરતા પણ વધારે વરવી હાલત લોકોની થઈ હતી. દિવસભર અંધારું છવાયેલું રહ્યું અને વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું અને જીવ પણ ગયા. આ બધા વચ્ચે એક મોટી ઉપાધી એ લોકો માટે ઊભી થઈ જેમના દીકરા કે દીકરીના લગ્ન લેવાયા હતા.

હજારો લગ્ન સમારંભો ખોરવાયા અને પરિવારજનોની મહેનત, તૈયારી, જોશ અને પૈસા પર પાણી ફરી વળ્યું. એક પરિવારના એક લગ્ન હોય અને મર્યાદિત મહેમાનો હોય તો પણ શું કરવું શું નહીં તેવી સમસ્યા સર્જાઈ હતી ત્યારે તમે વિચારો કે જે સંસ્થાઓએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તે આયોજકોની અને પરિવારજનોની શું હાલત થઈ હશે તે સમજી શકાય. આવા જ એક સમૂહલગ્ન સુરતમાં યોજાયા હતા.

જેમાં 13 જોડા પ્રભુતામાં પગલાં માંડવાના હતા. સંસ્થાએ સારી તૈયારી કરી અને હતી અને ફાર્મ હાઉસમાં આ જોડાને ધામધૂમથી પરણાવવાનું આયોજન હતું. જોકે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ થોડું ખરાબ થયું હતું, પણ વધારે સમસ્યા નહીં થાય તેવું સમજી લગ્નો લેવાયા હતા. આમ પણ બીજો કોઈ ઉપાય હતો નહીં. જોકે થોડા સમયમાં તો જોરદાર વરસાદ અને પવન ફૂંકાયો અને આયોજકો ભીંસમાં આવ્યા અને શું કરવું તે તેમને સમજાતું ન હતું.

વરછા રોડ પર બેનલી આ ઘટનામાં ફાર્મહાઉસની બાજુમાં એક એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટના રહેવાસીઓ રજાને દિવસે ઘરે હતા અને તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે લગ્નનું આયોજન એપાર્ટમેન્ટમાં કરવા કહ્યું. તમામે ફટાફટ ગાડીઓ બહાર કાઢી અને પાર્કિગમાં બનતી સુવિધા કરી આપી અને લગ્નવિધિઓ સંપન્ન કરાવી. આયોજકો અને વરવધુએ સોસાયટીનો આભાર માન્યો.


એ વાત ખરી કે કુદરતના કહેર સામે કોઈનું ચાલતું નથી, પરંતુ એક માણસ જો બીજા માણસનો હાથ પકડે તો સમસ્યાનો હલ નીકળી જતો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button