ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન જિંદગી: વર્ટિકલ ડ્રિલિંગ શરૂ, આગામી 48 કલાક મહત્વનાં

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારને બચાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ શરૂ થઈ ગયું છે. જો ત્યાં કોઈ અવરોધો ઊભો ન થયો તો બચાવ કાર્યકર્તાઓ આગામી બે દિવસમાં કામદારો સુધી પહોંચી શકે છે. દરમિયાન હૈદરાબાદથી મંગાવેલા પ્લાઝ્મા અને લેસર કટર વડે 800 મીમીની પાઈપમાં ફસાયેલા ઓગર મશીનની બ્લેડને કાપવામાં આવી રહી છે. પાઇપમાંથી મશીનનો કાટમાળ હટાવ્યા બાદ મેન્યુઅલ ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.

નેશનલ હાઈ-વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 24 મીટર વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. કુલ 86 મીટર ખોદકામ કરવું પડશે. ટનલના ઉપરના અને અન્ય છેડેથી કામ ઝડપી બનાવવા વધુ ટીમો બોલાવવામાં આવી છે. આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીથી ONGCની એક ટીમ આવી પહોંચી છે.


ભારતીય સેનાના એન્જિનિયરિંગ કોર્પ્સનું એક જૂથ મદ્રાસ સેપર્સનું એક એકમ રવિવારે રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરવા સિલ્ક્યારા પહોંચ્યું હતું, જેમાં 30 સૈનિકો છે. આ લશ્કરી જવાનો, નાગરિકો સાથે, હાથ, હથોડી અને છીણી વડે ટનલની અંદરનો કાટમાળ ખોદશે. ત્યાર બાદ તેની અંદર બનેલા પ્લેટફોર્મ પરથી પાઇપને આગળ ધકેલવામાં આવશે. એરફોર્સ પણ મદદમાં લાગેલી છે. વાયુસેનાએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન તરફથી ઘણા મહત્વપૂર્ણ ઉપકરણો મોકલ્યા છે.


દરમિયાન ટનલમાં ફસાયેલા 41 મજૂર સુધી પહોંચવાની ફરી આશા છે. રવિવારથી ચાર માર્ગો દ્વારા મજૂરો સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાઇપમાં ફસાયેલા ઓગર મશીનની બ્લેડને હૈદરાબાદના લેસર કટર અને ચંદીગઢના પ્લાઝમા કટરથી કાપવામાં આવી રહી છે. સારી વાત એ છે કે સુરંગમાં કામદારો પાસે ગઈકાલે પહેલીવાર BSNLની ઘંટડી વાગી હતી. છ ઇંચની પાઇપ દ્વારા તેની લાઇન આપવાની સાથે BSNLએ લેન્ડલાઇન ફોન પણ આપ્યો છે.


રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સે કહ્યું હતું કે ટનલ તૂટવી એ એક અસામાન્ય ઘટના છે. આની તપાસ થવી જોઈએ, જે વિસ્તાર ધરાશાયી થયો તે અગાઉ ક્યારેય ધરાશાયી થયો નહોતો. નોડલ ઓફિસરે કહ્યું હતું કે આજે હાથથી ખોદકામ શરૂ કરવાની યોજના છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો વરસાદ પડે તો બચાવ કામગીરીમાં અડચણ આવી શકે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker