ઓટીટી ફિલ્મો અને સિરીઝો પર સેન્સરશિપ, નવા પ્રસારણ બિલનો ડ્રાફ્ટ તૈયાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા પ્રસારણ સેવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે મુજબ હવે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ, નેટફિલકસ જેવા ઓટીટી પ્લેટફોર્મ સેન્સરશિપ હેઠળ આવશે.
ઓટીટી પ્લેટફોર્મ, સેટેલાઇટ કેબલ ટીવી, ડીટીએચ, આઇપીટીવી ડિજિટલ સમાચાર અને કરન્ટ અફેર્સ માટે પણ નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. નવા નિયમ લાગુ થયા બાદ પ્લેટફોર્મને બ્રોડકાસ્ટિંગ નેટવર્ક ઓપરેટર્સ કહેવાશે. જો કોઈ ઓપરેટર અથવા બ્રોડકાસ્ટર નિયમોનું પાલન ન કરે, તો સરકાર તે પ્લેટફોર્મ પર નિયંત્રણો અને પ્રતિબંધો લાદી શકે છે, જેમાં ફેરફાર કરવા, સામગ્રીને કાઢી નાખવા અથવા અમુક કલાકો સુધી પ્રસારણને બંધ રાખવાનો સમાવેશ થાય છે. યુ ટયૂબ જેવા પ્લેટફોર્મ પર સમાચાર અથવા વર્તમાન બાબતો પર પોતાની ચેનલ ધરાવતા સ્વતંત્ર પત્રકારો અને બ્લોગર્સને પણ આ બિલમાં આવરી લેવામાં આવશે. જોકે, પ્રોફેશનલ-બિઝનેસ અખબારો અને તેમના ઓનલાઈન વર્ઝનને દાયરાની બહાર રાખવામાં આવ્યા છે
નવા નિયમો અનુસાર ઓટીટી ચેનલોને સરકારમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમણે તેમના સબસ્ક્રાઇબર બેઝનો પણ ઉુલ્લેખ કરવાનો રહેશે. ઓટીટી પ્લેટફોર્મ માટે કડક કાયદા લાગુ થવાથી તેમની કિંમતો વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગ્રાહકો માટે સબસ્ક્રિપ્શન ફી મોંઘી થઈ શકે છે.
સરકારના નવા પ્રસારણ બિલનો ડ્રાફ્ટ તૈયાર છે. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ પર નવ ડિસેમ્બર સુધી સૂચનો અને વાંધાઓ માંગ્યા છે. ઓટીટી માટે થ્રી લેયર સેલ્ફ રેગ્યુલેશન સિસ્ટમ, તેના કદ અને કામગીરીની વિગતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
ઓટીટી વગેરે પર પ્રસારિત થતી સામગ્રી પર નજર રાખવા માટે બ્રોડકાસ્ટિંગ એડ્વાઇઝરી કાઉન્સિલ (બીએસી)ની રચના કરવામાં આવશે. કોડના ઉુલ્લંઘનના કિસ્સામાં તે કેન્દ્રને ભલામણો મોકલશે, જેમાં ૨૫ વર્ષનો મીડિયા અનુભવ ધરાવનાર વ્યક્તિ અધ્યક્ષ રહેશે અને સભ્ય તરીકે પાંચ સરકારી અને પાંચ બિનસરકારી ઉચ્ચ નાગરિકો હશે. જો કોડનું ઉુલ્લંઘન કરવામાં આવે છે, તો ઓટીટી પ્લેટફોર્મ પર કામચલાઉ સસ્પેન્શન, સભ્યપદમાંથી દૂર, સલાહ, ચેતવણી, નિંદા અથવા પાંચ લાખ રૂપિયાનો દંડ. સુધીની સંભવિત સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.