આમચી મુંબઈ

એક પક્ષની જેમ ચૂંટણી લડવાનો ફડણવીસનો નિર્ધાર, પણ લોકસભા બેઠકોની ફાળવણીને મુદ્દે રસ્સીખેંચ ચાલુ હોવાની અટકળો

મુંબઇ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી એનસીપી ભાજપના મહાગઠબંધનમાં હમ સબ એક હૈ જેવી વાતો થાય છે, પણ રાજકીય વર્તુળોમાં ત્રણેય વચ્ચે બધું સમુસૂતરું ન હોવાની ચર્ચાઓ ચાલતી રહે છે. દરમિયાનમાં શિવસેના (શિંદે જૂથ), ભાજપ અને એનસીપી (અજિત પવાર જૂથ) વચ્ચે ૨૦૨૪માં લોકસભા બેઠકોની ફાળવણીને મુદ્દે રસ્સીખેંચ ચાલુ હોવાની વાતો વહેતી થઇ છે, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન સામે આવ્યું છે કે લોકસભા ચૂંટણી માટે મહાયુતિની બેઠક ફાળવણી લગભગ નક્કી થઈ ગઈ છે. ભાજપ ૨૬ બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) ૨૨ બેઠક પર ચૂંટણી લડશે, એમ દેવેન્દ્ર ફડણવીસે એક અંગ્રેજ અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠક છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૫ સીટો અને શિવસેના ૨૩ સીટો પર ચૂંટણી લડી હતી. તેમાં ભાજપને ૨૩ અને શિવસેનાને ૧૮ બેઠક મળી હતી.
શિંદેની આગેવાની વાળી સરકાર સારું કામ કરી રહી છે, હું લોકસભા ચૂંટણી લડવાનો નથી અને નાગપુરની પરંપરાગત બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવીશ, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા મતવિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમને વિજેતા ઉમેદવારો વિશે માહિતી મળી છે. ચૂંટાયેલા સાંસદોને ફરીથી નોમિનેટ કરવાની પરંપરા છે, પરંતુ એ માત્ર પરંપરા છે અંતિમ નિર્ણય નથી. અંતિમ નિર્ણય લેતા પહેલા વિવિધ સ્તરે ચર્ચા કરવામાં આવશે, એમ પણ દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું. નાગપુરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર પૂરું થયા પછી લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ થશે. સત્ર સમાપ્તિ પછી, ભાજપ, શિવસેના અને એનસીપીના પદાધિકારીઓની મતવિસ્તાર મુજબ બેઠક યોજવાનું આયોજન કરવામાં આવશે. જો કોઈ જગ્યાએ બીજેપીનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો શિવસેના અને એનસીપીના કાર્યકરો તેમના ઉમેદવાર હોય તેમ પ્રચાર કરશે. આ જ નિયમ શિવસેના અને એનસીપીના ઉમેદવારોને લાગુ પડશે, એમ કહીને ફડણવીસે આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ૪૦ થી ૪૨ બેઠક જીતશે. દેશની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button