આમચી મુંબઈ

રિમઝિમ રવિવાર મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ

વિવિધ ઘટનામાં ચારનાં મોત, બે દિવસ વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વહેલી સવારે અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ સાંજના સાત વાગ્યા બાદ અનેક વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો રાજ્યમાં અનેક જિલ્લામાં રવિવારે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં કમોસમી વરસાદે ચારનો ભોગ લીધો હતો. આગામી બે દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે, જેમાં ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનું ધીમા પગલે આગમન થયું હતું, તેમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર, નાશિક સહિત રાજ્યના અનેક જિલ્લામાં રવિવારે વીજળીના
ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો હોવાન કારણે મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠાં પડી રહ્યાં છે.

રવિવાર વહેલી સવારના મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી ગયાં હતાં અને ત્યારબાદ દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. જોકે સાંજ બાદ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં કોલાબામાં ૯.૨ મિ.મિ. અને સાંતાક્રુઝમાં ૫.૨ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. તો મુંબઈમાં વહેલી સવારના પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં અંધેરીમાં ૧૫ મિ.મિ., માલવણી અને કાંદીવલીમાં ૧૩મિ.મિ. , બોરીવલીમાં ૧૨મિ.મિ., બાંદ્રામાં ૧૦ મિ.મિ. જેટલો વરસાદ પડ્યો હતો. તો સાંજના છ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં માલવણીમાં ૧૪ મિ.મિ., ચિંચોલીમાં ૧૦મિ.મિ., દહીંસરમાં આઠ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ રહ્યો હતો. જોકે રાજ્યમાં નાશિક, ધુળે સહિતના વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ રહ્યો હતો. તો નાશિક જિલ્લાના અમુક તાલુકામાં કરા પણ પડ્યા હતા. રાજ્યમાં વીજળી પડવાથી બેનાં તો અન્ય દુર્ઘટનામાં બે એમ કુલ ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં નાશિકના નિફાડ તાલુકાના પિંપળસામાં ૬૫ વર્ષના ખેડૂત સુભાષ મત્સાગરનો વરસાદને કારણેે તો બાગલાણ તાલુકાના ભાટંબાનમીમાં વીજળી પડવાથી ૩૫ વર્ષના ખેડૂત સુરેશ ઠાકરેનું મૃત્યુ થયું હતું.

કાંદા, દ્રાક્ષના પાકને નુકસાન
નાશિકમાં રવિવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. તો નાશિક જિલ્લાના અમુક વિસ્તારમાં કરા પડ્યા હતા. ચાંદવડ, નિફાડ અને મનમાડ પટ્ટામાં કરા પડવાથી કાંદા અને દ્રાક્ષના પાકને નુકસાન થવાની શક્યતા છે. નાશિક શહેરમાં વરસાદ તો જિલ્લાના નિફાડ, સિન્નર તાલુકામાં જોરદાર પવન ફૂંકાવાની સાથે જ કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદથી જોકે રવી પાકને ફાયદો થશે, પરંતુ ખરીફ પાકને નુકસાન થવાનું છે. તેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

હવાની ગુણવત્તામાં સુધારો

મુંબઈમાં સવારના પડેલા કમોસમી વરસાદને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તામા સુધારો જણાયો હતો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (સફર)ના જણાવ્યા મુજબ મુંબઈમાં સાંજના સરેરાશ એર ક્વોલિટીનો ઈન્ડેક્સ ૯૪ નોંધાયો હતો. કોલાબામાં ૧૧૨, બોરીવલીમાં ૮૦, અંધેરીમાં ૭૭, મઝગાંવમાં ૬૫, ભાંડુપમાં ૬૦, વરલી અને મલાડમાં ૫૯ નોંધાયો હતો. દિવાળી દરમિયાન મુંબઈમાં હવાની ગુણવત્તા એકદમ કથળી ગઈ હતી, તેમાં પાછું મોટાપ્રમાણમાં ફટાકડા ફૂટયા હતા, તેને કારણે હવાની ગુણવત્તા હજી નબળી પડી ગઈ હતી.

આ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
હવામાન ખાતાએ રવિવારે ઉત્તર મહારાષ્ટ્રના નાશિક ધુળે, જળગાંવ, ઔરંગાબાદ અને નંદુરબાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, તે મુજબ વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ રહ્યો હતો. સોમવાર અને મંગળવાર માટે રાજ્યમાં મોટાભાગના જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી વગેરે માટે ગ્રીન એલર્ટ એટલે કે હળવો વરસાદ પડવાની શક્યતા છે. રવિવારે દિવસ દરમિયાન ઉત્તર કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદ રહ્યો અને સોમવારે પણ વીજળીના ગડગડાત સાથે વરસાદની શક્યતા છે. વિદર્ભમાં અકોલા અને બુલઢાણામાં પણ સોમવારે અને મંગળવારે વીજળીના ગડગડાત સહિત માવઠાની અસર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button