ધર્મતેજ

મહાનતમ અને અભૂતપૂર્વ આત્મા: આદ્ય શંકરાચાર્ય

ગુરુ વિશેષ -હેતલ શાહ

ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને એ ઋણ શંકરાચાર્યે માતાના અંતકાળ સુધી સ્વીકાર્યું. શંકરે નાની વયમાં જ સકલ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાની ઇચ્છા હતી કે તેઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, પણ તેમનું વલણ જૂદું હતું. તેમણે સંન્યાસ ગ્રહણ કરવાની રજા માગી પણ માતા દુ:ખી થયાં. કહેવાય છે કે એક દિવસ શંકર નદીએ નાહવા ગયા હતા ત્યાં મગરે એમનો પગ પકડ્યો. તેમની ચીસ સાંભળી માતા દોડી આવ્યાં. શંકરે તેમને કહ્યું કે તમે મને સંન્યાસ લેવાની રજા આપો તો જ આ મગર મને છોડે. માતાએ તેમ કરવા સ્વીકાર્યું અને મગરે શંકરનો પગ છોડ્યો. આ કથાનું તાત્પર્ય એવું જણાય છે કે સંસારરૂપી નદીમાં મોહરૂપી મગર માણસને પકડે છે અને એના મૂખમાંથી છૂટવાનો ઉપાય સંન્યાસ સિવાય બીજો નથી. અથવા માતાએ માનતા માની હોય કે મગર પગ છોડશે તો દીકરાને સંન્યાસી બનાવીશ. આ રીતે સંન્યાસ ગ્રહણ કરવાની રજા મળી, પણ જતાં જતાં માતાને વચન આપ્યું કે ‘તું જ્યારે સંભારશે, ત્યારે તારી સમક્ષ આવીને ઊભો રહીશ.’

શંકરાચાર્યે નર્મદા નદીના કિનારે ગોવિંદપાદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા લીધી અને વેદાંત સાથે યોગનું પણ જ્ઞાન મેળવ્યું. એમ કહેવાય છે કે તેઓ પ્રયાગ ગયા, જ્યાં કુમારિલ ભટ્ટે અગ્નિ પ્રગટાવીને પોતાનો દેહ હોમ્યો હતો અને અર્ધા બળી ગયા હતા. શંકરે તેમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. કુમારિલ ભટ્ટે તેમને પોતાના શિષ્ય મંડનમિશ્રને મળીને તેની સાથે વિવાદ કરીને તેના ઉપર વિજય મેળવવા કહ્યું. શંકરને એવી એંધાણી મળી કે જ્યાં ઘરને બારણે મેના-પોપટ વેદનું ઉચ્ચારણ કરતાં હોય તે ઘર મંડનમિશ્રનું. શંકર ત્યાં પહોંચ્યા અને તેમની સાથે મીમાંસા અને વેદાંતના સિદ્ધાંત સંબંધી વાદ થયો, જેમાં મંડનમિશ્રનાં પત્ની સરસ્વતી કે ભારતી મધ્યસ્થી થયાં અને એમ નક્કી થયું કે મંડન હારે તો તેઓ સંન્યાસી થાય. સરસ્વતીએ શંકરાચાર્યના જયની ઘોષણા કરી અને મંડન સંન્યાસી બન્યા. ત્યારપછી શંકરાચાર્યે આખા હિન્દુસ્તાનમાં પ્રવાસ ખેડી ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એના પ્રચાર અને રક્ષણ માટે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા તથા પોતાના મુખ્ય શિષ્યોને મઠાધીશ બનાવ્યા. આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં, પશ્ર્ચિમમાં દ્વારકામાં, ઉત્તરમાં બદરીનાથમાં અને પૂર્વમાં પૂરીમાં સ્થાપ્યા. એક પરંપરાગત માન્યતા એવી છે કે પાંચમો મઠ કાંચીમાં સ્થાપ્યો. તેમના દશનામી સંપ્રદાયના સંન્યાસીઓ આ દસમાંથી એક નામથી ઓળખાય છે – ગિરિ, પૂરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, પાર્વત, સાગર. અનુભૂતિની કક્ષા અનુસાર તેઓ બ્રહ્મચારી, દંડી, પરિવ્રાજક અને પરમહંસ કહેવાય છે.

આ બધા સમય દરમિયાન શંકર તેમની માતાને ભૂલ્યા નહોતા અને સ્નેહાળ પુત્ર માતાના અવસાન સમયે તેમની પાસે પહોંચી ગયો. સગાંવહાલાં આ પ્રસંગે સંન્યાસીને હાજર થયેલો જોઈ મૃતદેહ બાળવા પણ ન આવ્યાં, તેથી શંકરાચાર્યે સંન્યાસીને ક્રિયાનો નિષેધ હોવા છતાં, વિના સંકોચે સઘળી ઉત્તરક્રિયા કરી અને શાસ્ત્રના વિધિ-નિષેધ કરતાં નિ:સ્વાર્થ સ્નેહ અધિક છે એ મહાન સત્ય જગતને દેખાડ્યું.

શંકરાચાર્યનો સમય સામાન્ય રીતે ઈ.સ. ૭૮૮-૮૨૦ મનાય છે, પણ હવે ઘણા વિદ્વાનો તેમને સાતમી સદીના અંતભાગના કે આઠમી સદીના આરંભકાળના માને છે.
શંકરાચાર્યે ૩૨ વર્ષના અલ્પ જીવનકાળમાં ઘણું કામ કર્યું અને પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર) પર ભાષ્યો લખ્યાં તેમ જ બીજા ગ્રંથો પણ લખ્યા. પદ્મપાદાચાર્ય, સુરેશ્ર્વરાચાર્ય, હસ્તામલક, તોટક તેમના મુખ્ય શિષ્યો હતા.

આદ્ય શંકરાચાર્યના નામે ઘણા ગ્રંથો અને સ્તોત્રો ચઢી ગયાં છે; પણ નીચેના ગ્રંથો તેમના જ છે એમ સંદેહ વિના કહી શકાય : ‘બ્રહ્મસૂત્રભાષ્ય’, ‘બૃહદારણ્યકોપનિષદ્ભાષ્ય’, ‘તૈત્તિરીયોપ-નિષદ્ભાષ્ય’, ‘છાન્દોગ્યોપનિષદ્ભાષ્ય’, ‘ઐતરેયોપનિષદ્ભાષ્ય’, ‘ઈશોપનિષદ્ભાષ્ય’, ‘કઠોપનિષદ્ભાષ્ય’, ‘કેનોપનિષદ્ભાષ્ય’, ‘કેનોપનિષદ્વાક્યભાષ્ય’, ‘મુંડકોપનિષદ્ભાષ્ય’, ‘પ્રશ્નોપનિષદ્ભાષ્ય’, ‘ભગવદ્ગીતાભાષ્ય’, ‘માંડૂક્યોપનિષદ્ભાષ્ય’, ‘ગૌડપાદ-કારિકાભાષ્ય’, ‘ઉપદેશસાહસ્રી’.

જો કે આ ગ્રંથો આદ્ય શંકરાચાર્યના છે કે કેમ તે વિશે ઘણા વિદ્વાનોને શંકા છે : ‘દક્ષિણામૂર્તિસ્તોત્ર’, ‘પંચીકરણ’, ‘અપરોક્ષાનુભૂતિ’, ‘આત્મબોધ’, ‘શતશ્લોકી’, ‘આત્મજ્ઞાનોપદેશ’, ‘આત્માનાત્મવિવેક તત્ત્વબોધ’, ‘દશશ્લોકી’, ‘વાક્યવૃત્તિ’, ‘વિવેકચૂડામણિ’, ‘સર્વવેદાન્ત-સિદ્ધાન્તસંગ્રહ’, ‘અદ્વૈતપંચરત્ન’ (‘અથવા આત્મપંચક’), ‘વાક્યસુધા’ (‘અથવા ગ્શ્યવિવેક’), ‘ઉપદેશપંચક’, ‘માયાપંચક’, ‘લઘુવાક્યવૃત્તિ’, ‘શ્વેતાશ્વેતરોપનિષદ્ભાષ્ય’, ‘નૃસિંહોત્તરતાપનીયોપ-નિષદ્ભાષ્ય’, ‘કૌષીતક્યુંપનિષદ્ભાષ્ય’.

શાંકરમતની સાહિત્યિક પરંપરા : શંકરાચાર્યના અનુયાયી આચાર્યો અને ચિંતકોનું વિશાળ સાહિત્ય છે જેમાંના કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે: પદ્મ પાદાચાર્યકૃત પંચપાદિકા (‘ચતુ:સૂત્રી’ પર્યન્તનો ભાગ ઉપલબ્ધ છે.), જેના પર પ્રકાશાત્મા (ઈ.સ. ૧૨૦૦)નું વિવરણ છે. વિવરણ પર ‘અખંડાનંદનું તત્વદીપન’ છે. (ઈ.સ. ૧૩૫૦) અને વિવરણના પ્રમેયનો સંગ્રહ વિદ્યારણ્યે (ઈ.સ. ૧૩૫૦) ‘વિવરણપ્રમેયસંગ્રહ’માં કર્યો છે. અમલાનંદે (૧૨૪૭-૧૨૬૦) ‘પંચપાદિકાદર્પણ’ લખ્યું છે.

‘સુરેશ્ર્વરાચાર્યે નૈષ્કર્મ્યસિદ્ધિ’ ગ્રંથમાં જ્ઞાન વડે જ મોક્ષ છે એમ પ્રતિપાદિત કર્યું છે. તેમનો વિશાલકાય ગ્રંથ ‘બૃહદારણ્યકોપનિષદ્’ ભાષ્યવાર્તિક ખૂબ જાણીતો અને ઉપયોગી છે. તેમણે ‘તૈત્તિરીયોપનિષદ્ભાષ્યવાર્તિક’ પણ લખ્યું છે અને બંને વાર્તિકો પર આનંદગિરિ (ઈ.સ. ૧૩૦૦)ની ટીકાઓ છે.

‘બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય’ પર સૌપ્રથમ પૂરી ટીકા વાચસ્પતિમિશ્ર(ઈ.સ. ૮૪૧)ની ‘ભામતી’ છે, જેના પર અમલાનંદરચિત (૧૩મી સદી) ‘કલ્પતરુ’ છે અને તેના પર અપ્પય્યદીક્ષિત રચિત પરિમલ’ (૧૫૨૦-૧૫૯૩) છે. ‘બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય’ પર અનુભૂતિ-સ્વરૂપાચાર્ય રચિત ‘પ્રકટાર્થ’ (બારમીતેરમી સદી), ‘આનંદગિરિ રચિત ન્યાયનિર્ણય’ તથા ગોવિન્દાનન્દ રચિત ‘રત્નપ્રભા’ (૧૬૦૦) ઉચ્ચ કક્ષાની ટીકાઓ છે.

નોંધ લેવા જેવા બીજા ગ્રંથો છે : ‘સર્વજ્ઞાત્મમુનિકૃત સંક્ષેપશારીરક’ (૧૦૫૦), ‘વિમુક્તાત્મન્ની ઇષ્ટસિદ્ધિ’ (૯૦૦ કે તે પછી), શ્રી હર્ષકૃત ‘ખંડનખંડખાદ્ય’ (૧૧૮૭); જેના પર ચિત્સુખાચાર્ય (૧૨૦૦), અનુભૂતિ-સ્વરૂપાચાર્ય (૧૩મી સદીની શરૂઆત), વિદ્યાસાગર (૧૪૦૦), શંકરમિશ્ર (૧૬૦૦) વગેરેની ટીકાઓ છે. ચિત્સુખાચાર્યની ‘તત્વદીપિકા’, ઉપનિષદોનાં શાંકરભાષ્યો પર તથા સુરેશ્ર્વરનાં વાર્તિકો પર આનંદગિરિની (તેરમી સદી) ટીકાઓ તેમ જ તર્કસંગ્રહ ગ્રંથ છે. આનંદગિરિએ, સંન્યાસી થયા તે પહેલાં ‘જનાર્દન’ નામથી તત્વાલોક’ ગ્રંથ લખ્યો છે, જેમાં પોતાના ગુરુ અનુભૂતિ-સ્વરૂપને નમસ્કાર કર્યા છે. વિદ્યારણ્યે (૧૨૯૬-૧૩૮૬) ભારતીતીર્થ સાથે પંચદશી’ લખી છે. વિદ્યારણ્યના ‘વિવરણપ્રમેયસંગ્રહ’, ‘સર્વદર્શનસંગ્રહ’ તથા વાર્તિકસારસંગ્રહ’ જાણીતા છે. મધુસૂદન સરસ્વતી(૧૫૦૦)ની ‘અદ્વૈતસિદ્ધિ’ તથા ‘સિદ્ધાન્તબિંદુ’ અને બીજા ગ્રંથો; સદાનંદ કાશ્મીરક (૧૫૪૭) રચિત ‘અદ્વૈતબ્રહ્મસિદ્ધિ’, અપ્પય્ય દીક્ષિત (૧૫૨૦-૧૫૯૩)- રચિત ‘સિદ્ધાંતલેશસંગ્રહ’, ધર્મરાજાધ્વરીન્દ્ર રચિત વેદાન્ત ‘પરિભાષા’ (૧૫૫૦), સદાનંદ (૧૬૦૦) રચિત વેદાન્તસાર’, પ્રકાશાનંદ રચિત (૧૬૫૦) વેદાન્તસિદ્ધાંત ‘મુક્તાવલિ’.

મંડનમિશ્ર રચિત ‘બ્રહ્મસિદ્ધિ’નો જુદો ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક માને છે કે સુરેશ્ર્વર અને મંડન એક જ છે, જ્યારે બીજા માને છે કે મંડન શંકરના સમકાલીન અથવા વૃદ્ધ સમકાલીન હતા, સ્વતંત્ર વિચારક હતા જેમનો વાચસ્પતિમિશ્ર ઉપર ઘણો પ્રભાવ હતો, કારણ કે એ પણ મંડનની જેમ જીવને અવિદ્યાનો આશ્રય માને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button