‘પાકના કબજા હેઠળનું કાશ્મીર ટૂંક સમયમાં ભારતનો હિસ્સો બનશે’: હરદીપ પુરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં ટીવી શો આપકી અદાલતમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે રજત શર્માના સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ભારત સાથે જોડાણ અંગે ખૂબ જ આશાવાદી મંતવ્ય ધરાવે છે. તાજેતરમા ંજ ટેલિવિઝન પર પ્રસારિત થતા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખસ્તા થઇ ગઇ છે કે ટૂંક સમયમાં પાક કબજા હેઠળના કાશ્મીર સહિત એના કેટલાક ભાગો ભારતમાં જોડાઇ જશે.
લગભગ 39 વર્ષથી રાજદ્વારી રહી ચૂકેલા હરદીપ પુરીએ કહ્યું હતું કે, ‘છેલ્લા નવ વર્ષમાં ભારત-પાકિસ્તાનના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે ભારતને પાકિસ્તાન સાથે ટેગ કરવામાં આવતું નથી. પીએમ મોદીના કારણે આ શક્ય બન્યું છે. નરેન્દ્ર મોદીની ત્રણ ખાસિયતો છે, પહેલી એ છે કે તેઓ જે પણ વચન આપે છે તે પૂરા કરે છે. બીજું, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તેમનું સ્વપ્ન સાકાર થશે. ત્રીજું, સંપૂર્ણપણે વિભાજિત વિશ્વમાં, નરેન્દ્ર મોદી દરેકને એક કરવાની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટમાં આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.
કેનેડામાં રહેતા અલગતાવાદીઓ દ્વારા ખાલિસ્તાનની માંગ પર હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, ‘તેમને કેનેડામાં ખાલિસ્તાન બનાવવા દો, કારણ કે મોટા ભાગના ખાલિસ્તાનીઓ ત્યાં રહે છે. હું તેને કુકુલેન્ડ માનું છું. અમારા 10મા ગુરુ ગોવિંદ સિંહે ખાલસાની રચના કરી. આજે શીખો ભારતની વસ્તીના બે ટકા કરતા પણ ઓછા છે, તેમ છતાં પંજાબ કૃષિ, પરિવહન, દવા, કાયદો અને અન્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. …ભારત ઝડપથી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ઉભરી રહ્યું છે, ખૂબ જ ટૂંક સમયમાં આપણે જોઈશું કે અમેરિકા અને કેનેડામાં રહેતા ભારતીયો પણ સારી આર્થિક તકોને કારણે દેશમાં પરત ફરી રહ્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લાંબા સમયથી અલગતાવાદીઓને સમર્થન આપી રહ્યા છે. અલગતાવાદી ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુને મારવાની ભારતીય એજન્સીઓની યોજનાને યુએસ દ્વારા નિષ્ફળ બનાવવા સંબંધિત એક પ્રશ્ન પર, હરદીપ પુરીએ જણાવ્યું હતું કે વિદેશની ધરતી પર આતંકવાદીઓને ખતમ કરવાની ભારતની નીતિ નથી.