ડેટિંગ એપ પર બે જુઠાણાએ એકનો ભોગ લીધોને બીજા ત્રણ થયા જેલભેગી
સોશિયલ મીડિયા પર ડેટિંગ એપ બે અલગ અલગ પ્રાંત, રાજ્ય કે દેશમાં રહેતા લોકોને ભેગા કરે છે. પસંદગીનું ફલક મોટું કરે છે. ઘણા કપલ આ એપ પર મળ્યા હોય અને જીવનભરના સાથી બન્યા હોય તેવા ઉદાહરણો છે, પરંતુ જ્યારે નિયત જ ખોટી હોય ત્યારે કંઈ સાચું થતું નથી. જયપુરમાં બનેલા આ કેસમાં તો એક નહીં પણ બે ખોટી નિયતવાળા મળ્યા ને વિનાશ સર્જાયો. ક્રાઈમ સ્ટોરીને ટક્કર આપે તેવી આ રિયલ ક્રાઈમ સ્ટોરીએ સોનૈ હોશ ઉડાવી દીધા.
દુષ્યંત શર્મા (28)ની દુનિયા ચરમસીમાએ પહોંચી જ્યારે તે ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર પર પ્રિયા સેઠને મળ્યો. બંનેના રસ સમાન હતા. એપ પર ત્રણ મહિના સુધી વાત કર્યા બાદ બંનેએ રૂબરૂ મળવાનું નક્કી કર્યું. એક 27 વર્ષની છોકરીએ તેને તેના ભાડાના ઘરમાં બોલાવ્યો. દુષ્યંત તરત જ આ પ્રસ્તાવ માટે સંમત થઈ ગયો.
પરંતુ આ સંબંધ, જે ફેબ્રુઆરી 2018 માં શરૂ થયો હતો, તે બે જૂઠાણાં પર બાંધવામાં આવ્યો હતો અને તેનો વિનાશ થવાનો હતો. પરિણીત દુષ્યંત ટિન્ડર પર વિવાન કોહલીના નકલી નામથી દિલ્હીના એક ધનિક બિઝનેસમેન તરીકે ઉભો હતો. બીજી તરફ પ્રિયાએ દુષ્યંતનું અપહરણ કરીને તેની પાસેથી પૈસા પડાવવાના હેતુથી જ વાતચીત શરૂ કરી હતી.
વિવાન કોહલી નામના એક 28 વર્ષીય યુવકે ટિંડર પર પ્રિયા સેઠ નામની એક યુવતીનો સંપર્ક કર્યો અને પ્રિયાનો રિસ્પોન્સ મળ્યો ત્યારે તે ફૂલ્યો ન સમાયો. બન્નેએ થોડા સમય ચેટિંગ બાદ પ્રિયાના રૂમમાં મળવાનું નક્કી કર્યું. હવે વાત જાણે એમ હતી કે વિવાન વાસ્તવમાં દુષ્યંત શર્મા નામનો 28 વર્ષીય પરિણિત યુવક હતો અને બિઝનેસમેન બની પ્રિયાને વિવાનના નામથી પટાવતો હતો જ્યારે સામે પક્ષે પ્રિયાને વિવાન કે દુષ્યંત કોઈના રસ ન હતો પણ તેના પૈસામાં રસ હતો આથી વિવાનને ઘરે બોલાવી તેનું અપહરણ કર્યાનો કૉલ તેના પરિવારજનોને કરી પૈસા ખંખેરવા આ ખેલ મિત્રો સાથે મળી ખેલ્યો હતો.
વિવાન ઘરે તો આવ્યો પણ પાછળથી તેને સમજાયું કે ‘દિલ્હીનો બિઝનેસમેન’ એટલો અમીર નથી જેટલો તેણે વિચાર્યો હતો. તેણે ખંડણી માટે કોલ કરીને મોટી રકમ માંગી હતી. જ્યારે દુષ્યંતના પરિવારજનો 10 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ ગયા, ત્યારે આરોપીઓએ તેમના પર છરી વડે હુમલો કર્યો. તેઓએ તેના પર ઘણી વખત હુમલો કર્યો અને તેનું મોઢું ઓશીકાથી દબાવીને તેની હત્યા કરી.
એક મીડિયા સાથે વાત કરતા દુષ્યંતના પિતાએ કહ્યું કે મારા પુત્રના ફોન પરથી કોલ આવ્યો હતો. તે કહેતો હતો, પાપા આ લોકો મને મારી નાખશે, કૃપા કરીને તેમને 10 લાખ રૂપિયા આપો અને મને બચાવો. તે આટલું બોલે ત્યાં જ પ્રિયાએ ફોન છીનવી દસ લાખની માગણી કરી. દુષ્યંતના પિતાએ પોતે આટલી રકમ આપી શકે તેમ નથી, તેમ જણાવ્યું ને થોડો સમય માગ્યો.
પ્રિયાએ દુષ્યંતનું ડેબિટ કાર્ડ લઈ લીધું હતું અને તેનો પિન આપવા દબાણ કર્યું હતું. પિતાએ 3 લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ તેણે 20,000 રૂપિયા ઉપાડવા માટે કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે તે બાદ શું બન્યું તે ખબર નહી્ં પણ ત્રણેય આરોપીઓએ દુષ્યંતની હત્યા કરી નાખી. તેનો મૃતદેહ 4 મે 2018ના રોજ જયપુરની બહારના એક ગામમાં સૂટકેસમાંથી મળી આવ્યો હતો.
આ ગુનો કબૂલતા પ્રિયાએ કહ્યું કે દુષ્યંતે પોતાની જાતને ખૂબ અમીર દેખાડ્યો હતો. હું દિક્ષાંત નામના એક યુવાન સાથે રિલેશનશિપમાં હતી અને તેણે રૂ. 21 લાખની લૉન લીધી હતી જે ચૂકવવા મેં આ આખો કારસો ઘડ્યો હતો. જોકે તો પછી ત્રણ લાખ આવ્યા ત્યારે હત્યા કેમ કરી તેમ પૂછવામાં આવતા તેણે જણાવ્યું કે અમને ખબર પડી ગઈ કે અમારો પ્લાન સફળ નહીં થાય અને અમે પકડાઈ જઈશું. આથી પૈસા આવે તે પહેલા જ અમે તેને મારી નાખ્યો હતો. તેને પહેલા ઓશીકાથી દબાવવાની કોશિશ કરી અને પછી તેના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.
જયપુરની એક કોર્ટે શનિવારે દુષ્યંત શર્માની હત્યા કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આથી બન્નેને સજા તો મળી છે, પણ બન્નેના પરિવારે પોતાના ભવિષ્યનો સહારો પણ ગુમાવ્યો છે.