બંધારણ દિવસ પર સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે નાગરિકોને કહ્યું કે….
નવી દિલ્હી: બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણ માટે ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે બંધારણ દિવસની ઉજવણી પર રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે દરેક નાગરિક માટે ન્યાયતંત્રના દરવાજા હંમેશા ખુલ્લા છે. કોર્ટમાં આવવાથી કોઈએ ડરવું જોઈએ નહીં.
લોકોની કોર્ટ પર આસ્થા છે અને કોર્ટ અમારા માટે ધર્મસ્થાન છે. કોર્ટમાં આવનાર દરેક કેસ બંધારણના શાસનનું ઉદાહરણ છે. બંધારણ અન્ય વિવાદોની સાથે રાજકીય વિવાદોને ઉકેલવાનો પણ અધિકાર આપે છે. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા એ વાતનું પ્રતીક છે કે બંધારણ ન્યાય માટે કોર્ટ સુધી પહોંચવાનો અધિકાર આપે છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે લોકો સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી માટે પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે છે. ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ એટલો છે કે ઈન્ટરનેટના યુગમાં પણ તેઓ સુપ્રીમ કોર્ટને ન્યાયની વિનંતી કરતા પત્રો લખી રહ્યા છે અને સંતોષ માની રહ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે રાષ્ટ્રપતિએ જેલોમાં વધુ ભીડ પર ચિંતા વ્યક્ત કરી હતી.
આ અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે જેલ અને ટ્રાયલ કોર્ટમાં આદેશો વહેલામાં વહેલી તકે પહોંચાડવાની વ્યવસ્થા ઝડપી બનાવી છે. આ સિવાય વર્ષો જૂના જેલના નિયમોને સુધારવા માટે પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાતં તેમણે કહ્યું કે જેમ બંધારણ અમને રાજકીય મતભેદો ઉકેલવા માટે પરવાનગી આપે છે, તેમ અદાલત અમને વિવાદો ઉકેલવા માટે પરવાનગી આપે છે. CJI DY ચંદ્રચુડે ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે આપણે પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, તો પછી આપણે બંધારણ દિવસ કેમ નથી ઉજવતા? ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે એ વાતનું સન્માન કરીએ છીએ કે બંધારણ અસ્તિત્વમાં છે અને તે પ્રમાણે કામ થાય છે, જેના કારણે આ દેશ ચાલી રહ્યો છીએ.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા કેટલાક ચૂકાદા વિશે લોકોને જાણ નથી હોતી આથી આ તમામ ચૂકાદાઓનું પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે તેની પ્રથમ બેઠકથી અત્યાર સુધીમાં 36,068 ચુકાદાઓ અંગ્રેજીમાં આપ્યા છે.