અમદાવાદને વરસાદે ધમરોળ્યું, ગુજરાતના દોઢસો તાલુકામાં મેઘરાજાની હાજરી
ભર ઉનાળે વરસ્યા બાદ હવે ચોમાસું ભરશિયાળે પણ આવ્યું છે. ગુજરાતમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ હતો, પરંતુ આજે સવારે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગાજવીજ અને વીજળીના ચમકારાએ કેલેન્ડરના પાના ફેરવી ફરી જુલાઈ-ઓગસ્ટનો મહિનો પાછો આવ્યો હોય તેવો અનુભવ કરાવ્યો છે.
અમદાવાદમાં પણ સવારે નવેક વાગ્યાથી વરસાદી છાંટા અને તે બાદ અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બીજી રાજકોટ સાથે આજે લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણે અચાનક પલટો લીધો હતો. રાજકોટની આસપાસના અમુક વિસ્તારમાં બરફના કરા પણ પડ્યા હતા અને રોડ પર લોકો ગાડી ઊભી રાખી અને એ બરફની મજા પણ માણી રહ્યા હતા. રાજકોટની બાજુમાં વાંકાનેર ખાતે કારખાનાઓ તથા મકાનોમાં નુકસાન થયું હતું. છાપરાઓ ઉડ્યા હતા ત્યારે રાજકોટ ખાતે આવેલ ઇન્ટરનેશનલ ખંડેરી સ્ટેડિયમ ખાતે વાવાઝોડાએ સારું એવું નુકસાન કર્યું હતું. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદના ઝાપટા પડ્યા હતા ખેતી વિષયક પાકને મોટું નુકસાન થાય તેવી ભીતી સર્જાઈ છે.
સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે. અહીં સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં 46 મી.મી એટલે કે લગભગ બે ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. તાલાળા, વંથલી, પાટણ, વેરાવળ, માંગરોળ, લોધિકા, અમરેલી, ધારી, ભાવનગર, જૂનાગઢ શહેર, સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
વરસાદને લીધે સામાન્ય જનજીવનને થોડી ઓછી અસર થઈ હતી કારણ કે રવિવારની રજાને લીધે લોકો ઘરમાં હતા, પરંતુ ખેતીને બારે નુકસાન થવાની શક્યતાઓ છે. અમુક પાકને બાદ કરતા મોટા ભાગના પાકને ઓછે વત્તે અંશે નુકસાન પહોંચશે, તેમ ખેડૂતો જણાવે છે. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી હોવાથી હજુ આવતીકાલે પણ આવો માહોલ સર્જાય તેવી શક્યતા છે.
દરમિયાન ભારે પવન ફૂંકાતો હોય માછીમારોને દરિયામાં ન જવાનું સુચવવામાં આવ્યું છે. હજુ સુધી અણધારી વરસાદી આફતને લઈ કોઈ જાનહાનિના કેસ નોંધાયા નથી જોકે થોડા સમય માટે વાતાવરણ ભયાનક થયું હતું તેમ જ આકાશ કાળુ ડિંબાગ થતા સવારે પણ રાત જેવો અનુભવન થયો હતો.