હૉટેલને આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાં: ૨૨ વર્ષે આરોપી ઝડપાયો
એક મિત્રએ કરેલા ફોન કૉલને કારણે પોલીસ આરોપી સુધી પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં હોટેલને ચારે બાજુથી આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાંની ૨૨ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને પુણેથી પકડી પાડ્યો હતો. આરોપી પોતાની ઓળખ બદલીને પારિવારિક જીવન ગુજારી રહ્યો હતો, પરંતુ એક મિત્રએ કરેલા ફોન કૉલે તેને લૉકઅપભેગો કરાવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૨ના સિનિયર ઈન્સ્પેક્ટર સુધીર દળવીની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ યશવંત બાબુરાવ શિંદે તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને કુરાર પોલીસના તાબામાં સોંપાયો હતો. આ કેસમાં અગાઉ શિંદેના ત્રણ સાથી મોહિદ્દીન ચાંદપાશા શેખ, નાગનાથ મોહનરાવ તેલંગે અને વ્યંકટ બાબુરાવ પાચાવાડની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિંદે ફરિયાદી ઝોહરાબી રહેમાનની પુત્રીને એકતરફી પ્રેમ કરતો હતો. આ વાતની જાણ થતાં ઝોહરાબી અને તેના પતિ અબ્દુલ રહેમાને શિંદેની મારપીટ પણ કરી હતી. દરમિયાન દંપતીએ તેમની પુત્રીનાં લગ્ન બીજા યુવક સાથે નક્કી કર્યાં હોવાની જાણ થતાં આરોપી ગિન્નાયો હતો.
રહેમાન દંપતી કાંદિવલી પૂર્વના ક્રાંતિનગરમાં ગુડલક હોટેલ ધરાવતું હતું. રાતે દંપતી આ હોટેલમાં જ સૂઈ જતું હતું, જ્યારે તેમની પુત્રી હોટેલની પાછળ આવેલી ચાલીમાંના ઘરમાં સૂતી હતી. બાવીસ વર્ષ અગાઉ ૧૨ ઑગસ્ટ, ૨૦૦૧ની મધરાતે બે વાગ્યાની આસપાસ આરોપી તેના સાથીઓ સાથે દંપતીની હોટેલ પાસે પહોંચ્યો હતો. હોટેલની ચારે બાજુ પેટ્રોલ રેડી આગ ચાંપવામાં આવી હતી.
સિનિયર ઈન્સ્પેક્ટર દળવીએ જણાવ્યું હતું કે તે સમયે દંપતી આગમાં ૮૦ ટકા દાઝી ગયું હતું. સારવાર માટે તેમને બોરીવલીની ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં ઝોહરાબીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જોકે બાદમાં સારવાર દરમિયાન દંપતીએ છેલ્લા શ્ર્વાસ લીધા હતા. આ પ્રકરણે કુરાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ત્રણ સાથી પકડાઈ જતાં શિંદે ફરાર થઈ ગયો હતો. પોતાના લાતુર જવાને બદલે તે પુણેના કોંડવા, ખુર્દ ખાતે રહેતો હતો. તે પોતાનાં કોઈ સગાંસંબંધીના સંપર્કમાં નહોતો. શિંદેએ પુણેની જ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં અને તેને બે સંતાન પણ છે. ક્રાઈમ બ્રાન્ચ બાવીસ વર્ષથી આરોપીને શોધી રહી હતી. તાજેતરમાં પોલીસના રડારમાં આવેલા શિંદેના એક મિત્ર પર નજર રાખવામાં આવી રહી હતી. આ મિત્રએ શિંદેને ફોન કરતાં પોલીસને તેના રહેઠાણની જાણ થઈ હતી. પુણે પહોંચેલી પોલીસની ટીમે આખરે શિંદેને તાબામાં લીધો હતો.