ઉત્સવ

માણસ નિશ્ર્ચય કરી લે તો તમામ અવરોધોપાર કરીને પણ કશુંક અનોખું કરી શકે છે

માણસના વિચારોની મર્યાદા જ તેના માટે સૌથી મોટા અવરોધ સમી સાબિત થતી હોય છે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ હું ગુજરાત ગયો હતો ત્યારે એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તેણે કહ્યું કે “તમે થોડા સમય અગાઉ તમારી કોલમમાં લખ્યું હતું કે માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે. જેની પાસે પૈસા ન હોય કે તે વ્યક્તિ સાધન સંપન્ન ન હોય તો પણ ઘણું કરી શકે છે, પણ વાસ્તવિક જીવનમાં એવું શક્ય બનતું નથી હોતું.

એ પછી તેણે હૈયાવરાળ ઠાલવી કે “હું નાનકડા ગામડામાં રહું છું અને મારા ભાગમાં માત્ર ચાર વીઘા જમીન આવી છે. મારે કશુંક મોટું કામ કરવું છે, પણ આટલી અમથી જમીનમાં હું શું કરી શકું? હું મોટો ખેડૂત હોત તો મારી પાસે પૈસા હોત. હું બીજું ય કંઈક કરી શકત. આટલી થોડી જમીનમાં તો હું ખેતી પણ શું કરું? હવે જમીનના ભાવ પણ એટલા વધી ગયા છે કે જમીન લેવાની તો કલ્પનાય હું ન કરી શકું.

તેની વાત સાંભળીને મને નોઈડાના એક નિવૃત્ત એન્જિનિયર રમેશ ગેરા યાદ આવી ગયા. તેમનો એક વીડિયો મેં યુ ટ્યુબ પર જોયો હતો. એ પછી મને રસ પડ્યો એટલે તેમના વિશે ઇન્ટરનેટ પર વધુ માહિતી શોધી હતી. મેં તે યુવાનને તેમના વિશે કહ્યું.

રમેશ ગેરા એન્જિનિયર તરીકે નિવૃત થયા એ પછી તેમણે માત્ર સો ફૂટમાં ખેતી શરૂ કરી અને હવે તેઓ સો ફૂટમાં ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે!
હા, તમે સાચું જ વાંચ્યું છે. ગેરા માત્ર સો ફૂટમાં ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ગેરા છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી નોઈડામાં રહે છે.

હરિયાણાના હિસાર જિલ્લાના વતની ગેરાનો દીકરો વિદેશમાં રહે છે અને દીકરી મુંબઈમાં રહે છે. ૨૦૧૭માં ગેરા નિવૃત થયા તે જ વર્ષે તેમની પત્નીનું ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું.

વિચાર કરજો, એક માણસ નિવૃત થાય છે. તેનો દીકરો વિદેશમાં છે, દીકરી મુંબઈ રહે છે અને એ જ સમયમાં તેની પત્નીનું મૃત્યુ થઈ
જાય છે.

એ સ્થિતિમાં ગેરાએ વિચાર્યું કે કશીક અલગ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેઓ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા એ દરમિયાન એક વખત તેમને દક્ષિણ કોરિયા જવાની તક મળી હતી. ત્યાં તેમને મલ્ટી લેવલ અને માટી વિનાની ખેતી જોવાનો મોકો મળ્યો હતો. એ વખતે તેમના મનમાં વિચાર આવ્યો હતો કે ભવિષ્યમાં હું આ પ્રકારની ખેતી કરીશ. નિવૃત્ત થયા પછી તેમણે વિચાર્યું કે કેસરની ખેતી કરવી જોઈએ. તેમણે અભ્યાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે ભારતમાં કેસરની ડિમાન્ડ દર વર્ષે ૬૦ મેટ્રિક ટનની છે. એની સામે આપણા દેશમાં માત્ર કાશ્મીરમાં જ કેસરનું ઉત્પાદન થાય છે અને ત્યાં માત્ર ૨૧ મેટ્રિક ટન કેસરની ખેતી થાય છે. એટલે કે દર વર્ષે ૪૦ મેટ્રિક ટન કેસર ઘટે છે. એટલું કેસર ભારત ઈરાનથી આયાત કરે છે. અને ઈરાનથી આયાત થતું કેસર ખૂબ મોંઘું પડે છે.

ગેરાએ નક્કી કર્યું કે હું કેસરની મલ્ટીલેવલ, ઇનડોર ખેતી કરીશ. એ પછી તેમણે દસ બાય દસના રૂમમાં અનેક લેયરમાં કેસરની ખેતીની શરૂઆત કરી. તેમણે કાશ્મીરથી કેસરનાં બીજ મગાવ્યાં અને હાઈડ્રોપોનિક્સ ટેકનિકના આધારે કેસરનું ઉત્પાદન શરૂ કર્યું. તેમણે એ ખેતીની શરૂઆત કરી ત્યારે તેમને કૂલ ચાર લાખ રૂપિયાનો જ ખર્ચ આવ્યો હતો. એટલે કે તેમણે ગુજરાતનાં ઘણાં ગામડાઓમાં એક વીઘા જેટલી જમીન ખરીદીએ એથી પણ ઓછો કુલ ખર્ચ કર્યો હતો. ગુજરાતનાં ઘણાં ગામડાઓમાં તો (વિસ્તાર પ્રમાણે) એક વીઘા જમીનનો ભાવ ૧૦ લાખ, ૧૫ લાખ, ૨૦ લાખ, ૨૫ લાખ કે ૫૦ લાખ રૂપિયા સુધીનો પણ હોઈ શકે છે.

ગેરાએ બંધ રૂમમાં નીચા તાપમાન સાથે અને લાઈટની મદદથી કૃત્રિમ તાપમાન જાળવવાનું શરૂ કર્યું. એટલે કે ગ્રીન હાઉસ બનાવીને એ રૂમમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન અને હ્યુમીડિટી ૮૫ ટકા રાખવાનું શરૂ કર્યું.

તેઓ જે કેસરનું ઉત્પાદન કરે છે એ કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન કરતી ખૂબ જાણીતી બ્રાન્ડ જેટલી જ ગુણવત્તા ધરાવે છે. ગેરા દર મહિનાના પહેલા અને ચોથા રવિવારે ઓનલાઈન ટ્રેનીંગ બેચ ચલાવે છે. જેમાં દેશ-વિદેશના માણસો જોડાય છે. તેમની ઓનલાઈન ટ્રેનીંગ બેચમાં જોડાવા માટે ઘણા બધા લોકો રાહ જોતા હોય છે.

રમેશ ગેરા કેસરનું ઉત્પાદન કરીને હોલસેલ માર્કેટમાં આશરે અઢી લાખ રૂપિયે કિલો કેસર વેચે છે (છૂટક કેસર તો સાડા ત્રણ લાખ રૂપિયા કિલો વેચાતું હોય છે).

ગેરાએ સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં તેઓ સેંકડો લોકોને કેસરની ખેતી કરવા માટે તાલીમ આપી ચૂક્યા છે. એક વખત તેમને કેસરની ખેતી માટે શરૂઆતમાં ચાર લાખ રૂપિયાનો ખર્ચો થયો, પરંતુ એ પછી તેમને વીજળીના બિલ સિવાય બીજો કોઈ માસિક ખર્ચ આવતો નથી. માત્ર ચાર મહિના તેઓ એ સિસ્ટમની સ્વિચ રાખે છે અને એ સમય દરમિયાન તેમને ચારથી પાંચ હજાર રૂપિયાનું વીજળીનું બીલ આવે છે. એ પછી તેઓ સિસ્ટમની સ્વિચ ઓફ કરી દે છે.

રમેશ ગેરા એ વાતનો પુરાવો છે કે કોઈ માણસ નિશ્ર્ચય કરી લે કે કશુંક નવું કરવું છે તો તે તમામ અવરોધો પાર કરીને પણ કશુંક અનોખું કરી શકે છે. નવો વિચાર કરવા માટે પૈસાની જરૂર નથી પડતી હોતી. વિચાર કરવામાં પૈસા નથી લાગતા નથી. એ વિચારને અમલ કરવામાં પૈસા લાગી શકે છે. અને એ વિચારનો અમલ કરવા માટે પૈસા ન હોય તો પણ મક્કમ મનના માણસો આગળ વધવા માટે કોઈ ને કોઈ રસ્તાઓ શોધી શકતા હોય છે. અને એટલે જ ઝૂંપડપટ્ટીમાં કે ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ગરીબીમાં જન્મેલી ઘણી વ્યક્તિઓ સફળતા મેળવીને જે તે ક્ષેત્રમાં ટોચ પર પહોંચતી હોય છે.

ગેરા વિષે માહિતી આપ્યા પછી પેલા યુવાન વાચકમિત્રને મેં કહ્યું કે ચાર વીઘા જમીન વેચીને ઘણું નવું થઈ શકે.

માણસના વિચારોની મર્યાદા જ તેના માટે સૌથી મોટા અવરોધ સમી સાબિત થતી હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત