ઉત્સવ

દ્વીપક્ષીય સપ્રમાણતા અનેસાત્મ્ય-કુદરત સાથે તાદાત્મ્ય!

કેનવાસ -અભિમન્યુ મોદી

બાયલેટરલ સિમેટ્રી! મેડિકલ સાયન્સનો આ શબ્દ ગમતો શબ્દ છે. તમે ડૉકટર પાસે જાઓ અને ફરિયાદ કરો કે મને છાતીમાં સોજો હોય એવું લાગે છે કે એક તરફ દુ:ખાવો થાય છે, તો ડૉકટર એકઝામીનેશન કરતી વખતે છાતીની બંને તરફ ચેક કરશે. એવું નહીં કે જે તરફ તમને દુખાવો છે એ જ તરફ. જો બાયલેટરલ સિમેટ્રિકલ હોય તો તમને જે તે અંગમાં રોગ કે પેથોલોજી હોવાની સંભાવના ઓછી છે. એટલે કે સ્વાસ્થ્ય જળવાય.

સંબંધોમાં જો આ બાયલેટરલ સિમેટ્રી જળવાય તો પ્રશ્ર્નો ઓછાં ઊભા થાય. ઝગડાઓ ઓછાં થાય અને પ્રેમ વધ્યા કરે. સંબંધનું સ્વાસ્થ્ય જળવાય!
બાયલેટરલ સિમેટ્રી એ બધાંએ સમજીને અપનાવવા જેવો સરસ કોન્સેપ્ટ છે. ટૂંકમાં કહીએ તો એક તરફ જે છૂટ એક વ્યક્તિને હોય એ જ છૂટ બીજી વ્યક્તિને પણ હોવી જોઈએ. એ છૂટ લેવી ન લેવી એ જે તે વ્યક્તિની પસંદની વાત છે. (ઇટ્સ ધેર ચોઇસ!) પણ સ્વતંત્રતા તો હોવી જ જોઈએ. ફોર એકઝામ્પલ કપલમાં પુરુષને સ્મોકિંગ જાનથી પણ વહાલું હોય તો એ પોતાનાં પાર્ટનરને પણ અટકાવી ન શકે, પણ પછી પેલીને પોતાનો જીવ વહાલો હોય એટલે એ કરે ન કરે એ એની પસંદગી કે કમ્ફર્ટનો વિષય છે.

ઘણાં લોકો લગ્ન કરતા પહેલાં જ કહી દે, કે મારે ઘણાં રિલેશનશિપ્સ હતા, બહુ એક્સપ્લોર કર્યું આપણે તો, પણ હવે મેરેજ તો એવી વ્યક્તિ સાથે જ કરવા છે જેનું કોઈ રિલેશનશિપ ન રહ્યું હોય! આવું કેવું? અમે ઘૂંટી ઘૂંટીને પાટી ચીતરી મારી પણ પાર્ટનર તો કોરી પાટી લાવીશું!

રિલેશનશિપમાં પણ કપલ્સ વચ્ચે અમુક બાબતે એવું હોય. હું તારો ફોન ચેક કરીશ પણ મારો તને ચેક નહીં કરવા દઉં! વાહ! એક વ્યક્તિના બધા જ પાસવર્ડ્સ બીજાને ખબર હોય પણ બીજી વ્યક્તિ પોતે જાણે બૅંકના મેનેજર હોય એટલી બધી સિક્યોરિટી રાખે. હું મારી સેલરી મને મનફાવે એમ યુઝ કરું, પણ તારે તો પહેલી તારીખે આવીને હાથમાં સેલરી મૂકી જ દેવાની. એવું ના હોય. રૂલ સેટ કરો તો બંને તરફ લાગુ થઈ શકે એવી રીતે કરો. શરૂઆતમાં અમુક બાબતોમાં અઘરું પડે પણ આવું થવું તો જોઈએ જ.

પ્લેઝરનું પણ આવું જ છે. સામેવાળું વ્યક્તિ માત્ર તમને ખુશ કરવા માટે નથી. એની ખુશીનું, એના સુખનું મહત્ત્વ પણ તમને ખબર હોવી જોઈએ ને! બસ આપણી ૧૦ મિનિટ પૂરી એટલે સુઈ જવાનું કે આપણી ફેંટસીઝ પૂરી થઈ એટલે હૈશા એવું તો ન હોય ને! આપણને કંઇક અદ્ભુત લાગે છે એ કદાચ પાર્ટનરને ગંદું પણ લાગતું હોય અને એનાથી ઊલટું પણ હોય શકે પણ એવા સમયે ચર્ચા કરીને પણ બાયલેટરલ સિમેટ્રી મેઇન્ટેઈન કરવી પડે. અભ્યાસ દરમિયાન વિજ્ઞાનના સાહેબ દ્વારા સ્કીપ કરી દેવામાં આવેલા ચેપ્ટર્સના કારણે એનટોમી, બાયોલોજીકલ નિડ્સ કે ચેન્જીસ વિશે આપણું જ્ઞાન કદાચ ઓછું હોય તો એ પણ મેળવવું પડે. હવે તો ઈન્ટરનેટ પણ છે, પણ બાયલેટરલ સિમેટ્રી તો અહીં પણ મેઇન્ટેઈન થવી જરૂરી છે.

આવી ઘણી બાબતો છે અને એમાં માત્ર સ્ત્રી કે પુરુષની વાત નથી. બંનેની વાત છે, સમ-બંધની વાત છે! જો સાથે મળીને નક્કી કર્યું કે સાંજે આઠ વાગ્યે સાથે બેસીને જમવાનું એટલે જમવાનું. પછી તારે ગમે એટલી ઈમ્પોર્ટન્ટ મીટિંગ હોય કે મારે મુવી જોવા જવાનું હોય. બંધન હોય તો પણ બંનેને સમાન હોય.
બાયલેટરલ સિમેટ્રી મેઇન્ટેઈન ન થાય તો એક વ્યક્તિ હંમેશાં પોતાનું ૧૦૦% આપ્યા કરે અને બીજી વ્યક્તિ બહુ ટૂંકા સમયમાં એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડે. એકના ભાગે ઢસરડા આવે ને બીજાને એનો અહેસાસ પણ ન હોય! આ ૨૧ મી સદી છે. હવે એવું ન ચાલે. જવાબદારી સમજીને કે મચ્યોરિટી બતાવીને કોઈ સ્વતંત્રતા ભોગવે ન ભોગવે એ અંગત બાબત છે પણ સ્વતંત્રતા હોવી તો જોઈએ જ. જેટલું આપશો એટલું સામે મળશે. નો ફિલ્ટર્સ પ્લીઝ!

સાત્મ્ય અને તાદાત્મ્ય સંસાર, પ્રકૃતિના નિયમ છે. સાત્મ્ય નામનો કોન્સેપ્ટ આયુર્વેદમાં છે એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા કે સમૂહ દ્વારા અમુક પ્રકારનું ભોજન વારંવાર લેવામાં આવે
દરરોજ લેવામાં તો એ સાત્મ્ય થઈ જાય છે. જેમ કે શહેરીજનો માટે ભલે બાજરીનો રોટલો ભારે હોય પણ વર્ષોથી એ ખાતા ગામડાનાં લોકો માટે એ સાત્મ્ય થઈ ગયો છે.
મોર્ડન મેડિકલ સાયન્સમાં એક કોન્સેપ્ટ છે હોમિઓસ્ટેસિસ. એટલે કે જ્યારે શરીરની નોર્મલ ફિઝિયોલોજીની વિરુદ્ધ જઈને કોઈ કામ થાય છે અથવા તમે કરો છો ત્યારે તમે તમારું શરીર પોતે જ એને નોર્મલ કરવાનો આપમેળે પ્રયત્ન કરે છે એટલે કે એ ફેરફારની આડ અસરોથી તમારું શરીર તમને બચાવે છે. ઉદાહરણ તરીકે તમને ખૂબ ઠંડી લાગતી હોય ત્યારે રૂંવાડા આપમેળે ઊભા એટલા માટે થઈ જાય છે કે શરીરનું તાપમાન ફટાફટ ઓછું ન થઈ જાય.

યથા પીંડે તથા બ્રહ્માંડે એટલે જેવું આપણું શરીરની અંદર છે એવું જ શરીરની બહાર સમગ્ર બ્રહ્માંડમાં પણ જોવા મળે છે. બ્રહ્માંડ પણ બહુ મોટા ફેરફારોને પોતાની રીતે નોર્મલાઇઝ કરવા માટે પ્રયાસ કરે છે. એ પણ એની રીતે કાળક્રમે આવતા ફેરફારોને સાત્મ્ય કરી લે છે અને એ પણ હોમિઓસ્ટેસિસ જાળવે છે. એ મોટી મોટી અસરોને ટાળી શકે છે. પૃથ્વી પર ઇકો સિસ્ટમ પણ આ રીતે ટકે છે. બધુ એકબીજાના સહારે ચાલે છે. જયારે હિંસક પ્રાણીઓની શિકાર કરવાની ક્ષમતા વધે ત્યારે શાકાહારી પ્રાણીઓની દોડવાની, ભાગવાની ક્ષમતા વધે. કોઈની તરવાની સ્પીડ વધે, કોઈની પાણીમાં શ્ર્વાસ રોકી રાખવાની, છુપાઈ શકવાની એવી અલગ અલગ શક્તિઓ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટનાં કારણે પ્રાપ્ત થતી જાય. આખરે બધું બેલેન્સ થતું રહે પણ કોઈ એક જીવ પાસે કોઈ બીજાનો સમૂળગો નાશ કરવાની તાકાત ક્યારેય ન આવે.
સ્ટીફન હોકિંગનાં ધ ગ્રાન્ડ ડીઝાઈનનું માનીએ તો જેમ એક રેન્ડમ ફિનોમીનાથી યુનિવર્સ ક્રીએટ થયું, એમ એક રેન્ડમ ફિનોમીનાથી જ પૃથ્વી પરની બધી જ સ્પિસિઝમાંથી એક પાસે અમાપ શક્તિ આવી ગઈ. એ શક્તિઓ કોઈએ આપી છે એવું માનીએ તો આપનારે એવી સિરીઝ ઓફ ઇવેન્ટ્સ ગોઠવી કે માણસ જાત પાસે એક સમયે એટલી બધી શક્તિ આવી ગઈ કે જે અગાઉ ક્યારેય નહોતું થઈ શક્યું એ હવે શક્યું બન્યું. માણસ ધારે તો પૃથ્વી પરથી હાથીઓને કાયમ માટે ટાટા બાય બાય કહી શકે છે. માણસ ધારે એને નાશ:પ્રાય કરી શકે છે. અગાઉ જે માણસો ડરી ડરીને, બચી બચીને જીવતા હતા એ હવે વિનાશ કરી શકે છે. ભોજન માટે રખડતાં, પિરામિડનાં બીજા બધા પ્રાણીઓ ખાઈ લે પછી વધ્યું ઘટ્યું ખાતા માણસો હવે સૌથી પહેલા, મારી કાપી, ઝૂંટવીને ખાવા સક્ષમ બન્યા. અને ત્યાંથી શરૂ થઈ બધી ફસાદ.

ઇકો સિસ્ટમને ત્યાર પછી બેલેન્સ કરતા નથી આવડ્યું. બીજી પ્રાણી સૃષ્ટિને માણસની આ અમાપ શક્તિને કંટ્રોલ કે પ્રતિકાર કરતા એવુ ન આવડ્યું. ત્યાર પછીથી જૈવ સૃષ્ટિની હજારો જાતિ પ્રજાતિ નષ્ટ થઈ ગઈ.

ટેકનોલોજીની દુનિયામાં હવે આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. જયાં ઇકો સિસ્ટમ ડોફરાઈ જશે. જ્યાં આપણને ખબર નહીં હોય કે હવે શું? જ્યાં ઘણુંબધું ઇન્દ્રપ્રસ્થનું ઇલ્યુઝન હશે. જ્યાં સાચા ખોટાનો ભેદ કરવો અશક્ય હશે. જે દેખાય છે એ વ્યક્તિ ખરેખર ત્યાં છે? જે સંભળાય છે એ એ જ વ્યક્તિ બોલે છે કે બીજું કોઈ? બહુ બધા ડીલ્યુઝન ઊભા થવાના છે અને થવા માંડ્યા છે. એન્ડ ધિસ ટાઇમ ડેલુલુ ઇઝ નોટ સોલુલું…

કેટલુંક વેરિફાય કરશો? સાચા ખોટાનો ભેદ ક્યાં સુધી કરશો? ઇન્ફર્મેશન ખૂબ ઠલવાય છે. એને ફિલ્ટર કેવી રીતે કરવી? એની સાથે ન ચાલો તો પાછળ રહી જાવ પણ જો એ તમારા કરતાં પણ ફાસ્ટ ચાલવા લાગે તો? બધાની લાઇફમાં ઍક્સેસ છે. બધાની સારી સારી વાતો જોઈને એના જેવું કરવા કોન્શિયસ કે સબકોન્શિયસ દિમાગ દોડવા માંડે છે. જે વર્ષો સુધી કોલેજોમાં ભણાવવામાં આવી એ થીયરિઝ રાતોરાત બદલાઈ જાય છે. આખું વર્ષ ભોગ આપીને શીખેલી કોઈ વસ્તુ કે સ્કીલ રાતોરાત આઉટડેટેડ થઈ જાય છે. સવારે ઉઠવા, રસ્તા યાદ રાખવા, ગણતરીઓ કરવા, જન્મદિવસ યાદ રાખવા, જમવાનું બનાવવા, માલ વેચવા, ખરીદવા ક્યાંય દિમાગ વાપરવાની જરૂર જ નથી પડતી. હજુ એ બધું સરળ અને સરળ બનતું જાય છે. બધું જ જાતે થવા લાગશે તો આપણે શું કરીશું?

હશે, આમાંથી ઘણા સવાલોનાં જવાબ હશે આપણી પાસે. પણ બધાનાં નથી. જેમ એક રેન્ડમ ઘટના કે પ્રકૃતિની મરજીથી આપણી પાસે અમાપ શક્તિઓ આવી ગઈ અને બાકીની ઇકો સિસ્ટમ એના સામે ખાસ કંઈ કરી ન શકી. એમ જ આપણી મરજીથી, ભૂલથી, બેદરકારીથી કે કોઈક રેન્ડમ ઘટનાથી ફરીથી એવી કોઈ એવી ઘટના બને કે જયાં માણસોની સુપિરિયારિટી કાયમ માટે નેસ્તનાબૂદ થઇ જાય તો? જ્યાં ફરીથી માત્ર એક જ ક્ષણ માટે સાત્મ્ય અને તાદાત્મ્ય જાળવવાનું ચૂકી જવાય તો?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ