શિક્ષણ-સાહિત્યને રાષ્ટ્રીય તખ્તે પહોંચાડનાર કચ્છી પ્રતિભાને વંદન
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
લઠ્ઠ્બત્તી બાર મૂંજો ઍરીંગ વિઞાણું
ઢોલરાંધ રમંધે મૂંજો ઍરીંગ વિઞાણું
ઍરીંગ જે ભધલે તોકે ઠોરિયા ધડાપ ડીંયા
આ કચ્છી પંક્તિઓમાં ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. પત્ની -પતિને ટ્યૂબલાઇટ ચાલુ કરીને અજવાશમાં એરિંગ શોધવાનું કહે છે પણ પતિને એરિંગ જડતું નથી એટલે પતિ પત્નીને બદલામાં ઠોરિયા, હાર, ટીલડી વગેરે આભૂષણો લઈ આપવા કહે છે.
આ પંક્તિઓ જ્યારે ઝોહરાબેને ગાઇ ત્યારે તેની મીઠાશ કઈક ઔર જ હતી. આવાં તો કેટલાય કચ્છી અને રાજસ્થાની લોકગીતોનો ખજાનો તેમની પાસે હતો. આ લોકગીતોને પામવા તેમને ૮ વર્ષ લાગ્યા અને આખરે આ ખજાનાની પ્રાપ્તિ બાદ ઝોહરાબેન ઓળખાયા, ‘ડૉ. ઝોહરાબેન’ તરીકે. એકવીસમી નવેમ્બરે તેમની વિદાય થઇ છે, સાહિત્યજગતમાં શોકની લાગણી વર્તાઇ રહી છે ત્યારે ગમગીન હૈયે સૂર નબળાં પડ્યા છે. છતાંય હિઁમત કરી કટાર સંગ સૌ સાથે મળી હ્રદયપુર્વકની શ્રદ્ધાંજલી પાઠવીએ. આ અનેરી પ્રતિભા આજથી અઢી-ત્રણ દાયકા પહેલાં જ્યારે માસ્ટર ડિગ્રી લેનારા લોકોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી તે સમયે મુંબઈની એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષામાં પીએચ.ડી. થનાર ડો. ઝોહરાબેન, કચ્છ અને ગુજરાતનાં પ્રથમ મહિલા પ્રાથમિક શિક્ષક હતાં.
ડૉ. ઝોહરાબેનના બાયોડેટા તો કોઈ પરીકથાની માફક લાગતા, જેમાં ઉચ્ચ ડિગ્રીઓની સાથે સમાજ સેવાર્થે કરેલા કાર્યોની કતાર ઘણી લાંબી છે. તેમણે પોતાના જીવનની ઉન્નત પળો સમાજની સેવા કરતાં કરતાં જ માણી અને એટલે જ પરિસ્થિતિઓને જોવાની અને તેને સમજવાની કોઠાસૂઝ તેમના વ્યક્તિત્વમાં સૌંદર્યતા પ્રદાન કરતી.
મૂળ તો એ શિક્ષક, વ્યવસાયને સમર્પિત હોવાના તેમના વલણને લીધે તેઓ બાળકોના અભ્યાસી વાતાવરણમાં ફરક લાવીને તેમની ભણતરની ગુણવત્તામાં સુધારો લાવવાનો નવીનતમ પ્રયાસ સફળતાપૂર્વક કરી શક્યા તેમના આવાં અનેક શૈક્ષણિક પ્રયોગોની ચર્ચા દેશભરમાં થઈ તેના પરિણામે યુનેસ્કો અને રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદના સંયુક્ત ઉપક્રમે ‘તીનમૂર્તિ ભવન’ ખાતે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય સેમિનાર માટે ગુજરાતભરના ૪૫૦ શિક્ષકોમાંથી પસંદ કરાયેલા પાંચ શિક્ષકો પૈકી સ્ત્રી શિક્ષિકા તરીકે પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર શિક્ષિકા ડૉ. ઝોહરાબેન હતા. આ પ્રતિભાવંત શિક્ષકોના અધિવેશનમાં તેમણે કરેલા શૈક્ષણિક પ્રયોગોનું દાર્શનિક નિદર્શન હિન્દી ભાષામાં વક્તવ્ય આપીને રજૂ કર્યું હતું. આટલું જ નહીં, ડૉ. ઝોહરાબેનને સાહિત્ય, કળા અને શિક્ષણમાં એ જમાનામાં મસમોટા પ્રદાન બદલ માન. રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માના વરદ હસ્તે ૧૯૯૨માં શ્રેષ્ઠ શિક્ષિકાનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થઇ ચૂક્યો છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી ભુજમાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. કચ્છનાં એક ખૂણામાં બેઠેલાં ડૉ. ઝોહરાબેને સંગીત અને કળામાં ઊંડો રસ લઇ ૪૫૦ જેટલા ગુજરાતી, હિન્દી તથા કચ્છી હાઇકુ, કચ્છના સાહિત્ય ખજાનાને અર્પણ કર્યા છે.
ડૉ. ઝોહરાબેનની વ્યક્તિત્વ પ્રતિભાની આછી ઝલક દિમાગમાં સાથે લઈને મારી પ્રથમ મુલાકાત થયેલી એટલે વિચારેલું કે, કચ્છનાં રજવાડાઓ સાથે તેમના પિતાનું સંગાથીપણું હતું, વિજય નગરમાં ૧૦થી વધુ સમાવેશી દુકાનો સાથેનો આલીશાન બંગલો હશે એટલે તેમની જાહોજલાલી જોવા પર બનશે, પરંતુ ડૉ. ઝોહરાબેનનું સરનામું બદલાયું છે- મળવું હોય તો જ્યેસ્ઠા નગર જાઓ, સાંભળીને નવાઈ લાગી પણ આખરે ઘરે પહોંચી શકાયું. અસ્તવ્યસ્ત સામાન ભરેલા બે રૂમોની હવે આદત પડી ગઇ છે. તેમની અજમાયશી આગતા સ્વાગતા ઠાઠ સાથે નિહાળતા સમજી ગઈ કે જીવન જીવવાની ઉચ્ચતમ રીત સાથે આર્થિક સંદર્ભ, જીવનની મુશ્કેલીઓમાં વધારો કરતાં તોય તેમનો આંતરમન અન્યનાં ચિત્તને પોતાની સીમામાં એવો જકડી લે કે બંધન બાદ અધકચરી મુક્તિ આપે તો જરાય ન ગમે.
જે સમાજમાં સ્ત્રી-પુરુષ ઝાઝું ભણતા નહીં અને જ્યારે મોબાઈલ, સોશ્યલ મીડિયા કે ટ્રાવેલિંગની પૂરતી સુવિધા ન હતી ત્યારે ડૉ. ઝોહરાબેન દાઉદ ઢોલિયાએ ચાલુ નોકરીએ મળતી રજાઓ અને વેકેશનનો લાભ લેતાં-લેતાં મુંબઈ સુધીનો પ્રવાસ ખેડ્યો, પોતાના ઘરેણાં વેંચીને પણ ધરખમ ખર્ચાઓના સંઘર્ષ સાથે તેમણે એમએ. એમ.એડ. અને ડૉક્ટરેટની પદવી મેળવી. તેમણે કરેલી ઉમદા કામગીરીની તો જેટલી વાતો થાય તેટલી ઓછી છે પણ લોકોના પ્રતિભાવોમાં એવું સાંભળવા મળ્યું કે, કબાટમાં રાખી મૂકવા માટેના એવોર્ડસ સિવાય સાક્ષાત જગતમાં તેમની યોગ્ય કદર પાંખી રીતે થઈ હશે.
ભાવાનુવાદ: હી કચ્છી લોકગીત જેર ઝોહરાભેણ ગાતોતે તેંજી મિઠાસ કીંક અલગ જ હુઇ. ઍડ઼ા કિતરાય કચ્છી નેં રાજસ્થાની લોકગીતેજો ખજાનું ઝોહરાભેણ વટ આય. હી લોકગીતે કે હાંસલ કેલા ઇનીકે અઠ વરે લગા, તેં આખર હી ખજાનું જુડ્યો તેં પોઆ ઝોહરાભેંણ ઓરખાણા ડૉ. ઝોહરાભેંણ તરીકે. એકવીસમી નવેમ્બરજો હિની ફાની ધુનિયા મિંજા રજા ગિને વ્યા ઇતરે સાહિત્યજગતમેં ભારે શોકજી લાગણી પ્રિસરઇ આય. મૂંજા પ ગમગીન હૈયેસેં સૂર ઢીલા થિઇ રયા ઐં. ત પ હિઁમત કરેંને કટારજે માધ્યમસે પાં ભેરા થિઇ ધિલસે ઇનીકે શ્રદ્ધાંજલી ડીંયું. અજનું અઢઇ ડાયકેં પેલા જડેં માસ્ટર ડિગ્રી ગ઼િનેજી સંખ્યા ગ઼ચ ઓછી વિઇ તેરજે સમોમેં મુંભઇજી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી મિંજા હિન્દી ભાષામેં પી.એચ.ડી. કરીંધલ ડો. ઝોહરાભેંણ કચ્છ નેં ગુજરાતજા પેલા પ્રાથમિક શિક્ષક વા.
ડૉ. ઝોહરાભેંણજા બાયોડેટા ત કોક પરીકથા જેડ઼ો વો, જે મેં ઉચ્ચ ડિગ્રીઉં ભેરા સમાજ સેવાલા કરલ કમજી કતાર પ ગ઼ચ લમી હુઇ. ભેંણ પિંઢજે જીવનજી ઉન્નત પલ સમાજજી સેવા કરંધે કરંધે જ માણ્યોં વો નેં ઇતરે જ પરિસ્થિતિએં કે ન્યારેજી ને તેંકે સમજેજી કોઠાસૂઝ ઇનીજે વ્યક્તિત્વમેં સૌંદર્યતા પ્રદાન કરંધી હુઇ.
મૂર ત ઇ શિક્ષક, પિંઢજે વ્યવસાયમેં સમર્પિત રેજા ઇનીજે વલણજે લીધે ઇની બારે જે અભ્યાસી વાતાવરણમેં ફરક ગ઼િની સગ઼્યા વા. ઍડ઼ા કિઇક શૈક્ષણિક પ્રયોગેજી ચર્ચા દેશભરમેં થિઈ તેંજે પરિણામે યુનેસ્કો ને રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદજે સંયુક્ત ઉપક્રમે ‘તીનમૂર્તિ ભવન’ ખાતે નવી દિલ્હીમેં યોજલ રાષ્ટ્રીય સેમિનારલા ગુજરાતભરાનું ૪૫૦ શિક્ષકે મિંજા પસંદ કરલ પંજ શિક્ષકેં મિંજા સ્ત્રી શિક્ષિકા તરીકે પ્રતિનિધિત્વ કરીંધલ હિકડ઼ા માત્ર શિક્ષિકા
ડૉ. ઝોહરાભેંણ વા. ઇતરો જ નં, ઝોહરાભેંણ કે સાહિત્ય, કલા ને શિક્ષણમેં ઉન જમાને મેં મસમોટા પ્રદાન બધલ માન. રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માજે હથે ૧૯૯૨ મેં ‘શ્રેષ્ઠ શિક્ષિકા’જો રાષ્ટ્રીય એવોર્ડ મિલ્યો આય. હિની ત્રે ડાયકેનું વધુ ટેમ ભુજમેં મદદનીશ શિક્ષિકા તરીકેં ફરજ બજાય નેં પોય સ્વૈચ્છિક નિવૃત્તિ ગ઼િની ગ઼િડ઼ો. ભેંણ સંગીતકલામેં ઊનું રસ ગિની ૪૫૦ જિતરા ગુજરાતી, હિન્દી, કચ્છી હાઇકુ, કચ્છજે સાહિત્ય ખજાનેકે અર્પણ ક્યાં અયાં.
મુંજે મનમેં ભેંણજે વ્યક્તિત્વ પ્રતિભાજી પેલવેલી છાપ ત કિંક અલગ જ઼ હુઇ, મુંકે ઇં વો ક કચ્છમેં રજવાડાએં ભેરો ઇનીજે પે જો વેણૂં – ઉથીણુ વો નેં વિજય નગરમેં ૧૦નું વધુ સમાવેશી ધુકાનુવારો આલીશાન બંગલો વો, ઇતરે ઇનીજો ઠાઠ ન્યારે જેડ઼ો હૂંધો પ, ડો. ઝોહરાબેનનું સરનામું બદલાયું છે- મળવું હોય તો જ્યેસ્ઠા નગર જાઓ; સુણી નેં નવાઈ લગી, નેં મડ મડ ઇનીજે ઘરે પુજી સગ઼ઇ વિસે. પ હાણે અસ્તવ્યસ્ત સમાન ભરલ રૂમેજી મુલાકાતું કરીંધે મૂંકે આધત પિઇ વિઇ આય. ઇનીજી અજમાયશી આગતા સ્વાગતા હંમેશ ઠાઠભેર હૂંધી વી ઇ ન્યારી ઇતરી ત સમજ પિઇ ક જીવન જીરેજી ઉચ્ચત્તમ રીત ભેરી આર્થિક બાબતું ઇનીજી મુસિબતું ભલે વધારીંધી હુઇયું પ ઇનીજો આંતરમન બે કે પિંઢજે ધિલ મેં ઍડો જકડ઼ે ગ઼િનંધો વો ક છૂટો થીણું જિરા પ નં પોસાજે.
જુકો સમાજમેં બાઈમાડૂ જિજો ભણંધા નં વા નેં જડેં મોબાઈલ, સોશ્યલ મીડિયા ટ્રાવેલિંગજી પૂરતી સુવિધા નં હુઇ તેર ઝોહરાભેણ દાઉદ ઢોલિયા ચાલુ નોકરીમેં રજાઊં નેં વેકેશનજો લાભ ગ઼િનંધે ગ઼િનંધે મુંબઈ સુધીજો પ્રવાસ ખેડ઼યો, પિંઢજા દાગીના વિકી નેં સંઘર્ષ કરે હિની એમ. એ, એમ.એડ નેં ડૉક્ટરેટજી પદવી ગિડ઼ોં. પાંજી બાઇ ઝોહરાભેંણ કે સત સત નમન.