ઉત્સવ

ગાયાં તો દૂધ બંકી, ચાલ બંકી ઘોડિયા, મરદ તો રણબંકા, લાજ બંકી ગોરિયાં!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કવિતામાં કહેવતના પ્રભાવી નિરૂપણના પથ પર આગળ વધી એના આગવા સૌંદર્યનો લ્હાવો લઈ ભાષા માધુર્યને માણીએ. કચ્છના ‘મેઘાણી’ તરીકે ઓળખ મેળવનાર અને લોકસાહિત્યના પરમ ઉપાસક શ્રી દુલેરાય કારાણીનો એક પ્રસંગ કોઈ પુસ્તકમાં વાંચ્યો હતો જે હૈયે જડાઈ ગયો છે. શ્રી કારાણીએ લખ્યું છે કે ‘એકવાર કચ્છના રાજવી ઘોડા પર સવાર થઈ વગડામાંથી પસાર થઈ રહ્યા હતા. મારગમાં ગાયો ચારતા ભરવાડે રાજવીને જોઈ રામ રામ કર્યા. રાજવીની સાથે રાજકવિ પણ હતા અને ભરવાડની સુંદર મજાની ગાયો જોઈ કવિએ દુહો લલકાર્યો: ગાયાં તો શીંગ બંકી, રંગ બંકી ઘોડિયા, મરદ તો મૂછ બાંકા, નૈના બંકી ગોરિયાં. મતલબ કે ગાયની શોભા તો એના શિંગથી હોય, ઘોડી એના રંગથી શોભે, મરદ તો મૂછાળા હોય તો વટ પડે અને આંખો ક્ધયાનું આભૂષણ કહેવાય. વગડામાં વસતા ભરવાડને આ દુહો કંઈ જચ્યો નહીં, પણ રાજકવિને કેવી રીતે કહેવાય? એટલે પોતાની બકરીને સંબોધી ભરવાડ બોલ્યો કે ‘હાલ્ય મારી ઠૂંઠી, આ ચારેય વાત જૂઠી.’ રાજવીએ એ સાંભળ્યું અને સવાલ કર્યો કે કઈ રીતે? એટલે ભરવાડે કહ્યું કે ગાયાં તો દૂધ બંકી, ચાલ બંકી ઘોડિયા, મરદ તો રણબંકા, લાજ બંકી ગોરિયાં. મતલબ કે ગાયની કિંમત તો એના દૂધથી અંકાય, ઘોડી એની ચાલથી શોભે, રણમાં પરાક્રમ કરે એ ખરો મરદ અને મલાજો ક્ધયાનું આભૂષણ કહેવાય. અભણ ભરવાડના મુખેથી આવી અદ્ભુત વાણી સાંભળી રાજી રાજી થઈ ગયેલા રાજવીએ પોતાનો સોનાનો હાર ભરવાડના ગળામાં પહેરાવી દીધો. રાજકવિ કરતા અભણ ભરવાડની વાણી કેટલી સત્વશીલ હતી. પદ્ય રચનાનો પમરાટ કેવો મઘમઘતો હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ છે.

કાવ્ય રચના અનેક વાર માનવ સ્વભાવના અરીસા જેવી હોય છે. ધન લોભ પર પ્રકાશ પાડતી બહુ પ્રભાવી પંક્તિઓ છે કે: થોભ નહીં જ્યાં લોભનો, શોભા સઘળી જાય, તૃષ્ણાથી તરસ્યો સદા, ધનથી નહીં ધરાય. ૧૦૦ મળ્યા પછી ૧૦૦૦ની ઈચ્છા જાગે, પછી લાખ, કરોડ, અબજ, ખર્વ, નિખર્વ… એનો અંત જ ન આવે. માનવીય સ્વભાવ પર બિલોરી કાચ મૂકી સર્જક સમજાવે છે કે લોભિયા કદી ન શોભિયા. ગમે એટલું ધન મળે તોય સંતોષ ન થાય એવા લોકો દુનિયામાં હોય છે. જોકે, તેમની સંપત્તિ શોભાનું પ્રતીક નથી બની શકતી. માનવી સ્વભાવની લાક્ષણિકતા દર્શાવતી આ પંક્તિઓ પણ કેટલી ધારદાર છે: દયો પૂછે મયાને, લાડુ કરવા કેવા? આપણા બેન લચપચતા, બાકી જેવા તેવા. સ્વાર્થી સ્વભાવનું પ્રભાવી ચિત્રણ આ પંક્તિઓમાં નજરે પડે છે. કનુ પૂછે મનુને કે આલિયો પૂછે માલિયાને કે લાડુ કેવા તૈયાર કરવાના છે? તો જવાબ મળે છે કે આપણા બે માટે ઘીથી લચપચતા, મતલબ કે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાના છે અને બાકીના લોકો માટે જેમતેમ એટલે ગમે તેવા, એમાં કોઈ ગુણવત્તાનું પ્રમાણ નથી જાળવવાનું. સ્વભાવનું જ પ્રતિબિંબ પાડી, માત્ર બે પંક્તિમાં સાનમાં ઘણું સમજાવી દેતી પંક્તિઓ જાણવા – સમજવા જેવી છે: તું કરજે તાડો અને હું રાખીશ ટેક, પરુણા ઊઠી ઘેર જશે અને આપણે એકનાં એક. તાડો કરવો એટલે આગ્રહ કરવો અને ટેક રાખવી એટલે સામેની વ્યક્તિની સાર સંભાળ લેવી. પરુણા એટલે મહેમાન. ઘરે અતિથિ આવ્યા હોય ત્યારે એક જાણ આગ્રહ કર્યા કરે અને બીજો સારસંભાળ રાખે પણ થાળી પીરસવાની કોઈ વાત ન કરે. અંતે મહેમાન કંટાળીને ઘરે જતા રહે અને તું ને હું જમીને જલસા કરે એવી વાત થઈ. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

अर्थपूर्ण म्हणी

म्हणीमध्ये जीवनातील विशिष्ट अनुभव, माहिती, सत्य व उपदेश साठवलेला असतो. म्हणीच्या विचारांत मार्मिकता असते. म्हणी समाजाचा आरसाच आहेत. मानवाच्या चांगल्या वाईट प्रवृत्ती, आचार -विचार, नानाविध चालीरीती, निरनिराळी नातीगोती इ.चे प्रतिबिंब त्यांत पडलेले असते. કહેવતોમાં જીવનના વિશિષ્ટ અનુભવ, માહિતી, સત્ય અને ઉપદેશ સમાયેલા હોય છે. કહેવતોના કથનમાં માર્મિકતા હોય છે. કહેવતો સમાજનો અરીસો હોય છે. મનુષ્યની સારી – નરસી પ્રવૃત્તિ, આચાર – વિચાર, વિશિષ્ટ સંબંધો વગેરેનું પ્રતિબિંબ એમાં જોવા મળે છે. આજે આપણે પ્રવૃત્તિ અને વિચારનું પ્રતિબિંબ ધરાવતી કેટલીક કહેવતોનો આસ્વાદ લઈએ. પહેલી કહેવત છે पडलेले शेण माती घेऊन उठते. શેણ એટલે ગોબર. નીચે પડ્યા પછી છાણને ઊંચકીએ ત્યારે એના પર જમીન પર પડેલી થોડી માટી ચોંટેલી હોય છે. હવે એનો ભાવાર્થ સમજીએ. કોઈ ગુણીજન પર દોષપૂર્ણ આંગળી ચીંધવામાં આવે તો એ દોષનું ગમે એટલું નિવારણ કરે તો પણ એના ચારિત્ર્ય પર થોડો ડાઘ તો રહી જ જાય છે. બીજી કહેવતનો અર્થ જાણ્યા પછી  તમને એવો જ અર્થ ધરાવતી ગુજરાતી કહેવત જરૂર યાદ આવી જશે. मऊ सापडले म्हणून कोपराने खणू नये. મઉ એટલે નરમ – મુલાયમ. કોઈ વસ્તુ નરમ દેખાય એટલે એને ખોદી ન કઢાય. કોઈની ઉદારતાનો લાભ લેવાય નહીં એ એનો ભાવાર્થ છે. મીઠા ઝાડના મૂળ ખોદાય નહીં એ કહેવત યાદ આવી ગઈ ને. હવે એક માર્મિક પણ મજેદાર કહેવત જાણીએ. बकरीचे शेपूट माशाही वारीना व लाजही राखीना કહેવતમાં શેપૂટ એટલે પૂંછડી. બકરીની પૂંછડી સાવ નાનકડી હોય છે જે કોઈ ઉપયોગમાં નથી આવતી. ન તો એનાથી શરીર પર બેસતી માખી ઉડાડી શકાય કે શરીરનું અંગ ઢાંકી લાજ પણ નથી રાખી શકતી. મતલબ કે નિરુપયોગી વસ્તુ કે બાબત.

भरमानेवाले शब्द

દિન એટલે દિવસ અને દીન એટલે ગરીબ. આ ફરક જો આપણે ન જાણતા હોઈએ તો આપણે ભાષા વૈભવમાં દીન કહેવાઈએ. હિન્દી ભાષાના મામૂલી ફરક ધરાવતી મજેદાર શબ્દ સફરને આજે આગળ વધારી ભાષાની સમૃદ્ધિ વધારવાનું નેક કામ કરીએ. આ શબ્દયુગ્મની રચનામાં મામૂલી, ક્યારેક તો અંત્યંત નજીવા ફેરફાર હોય છે, પણ એના અર્થમાં પહાડ જેટલો વિશાળ ફરક નજરે પડે છે. આજનું સર્વપ્રથમ યુગ્મ છે घुस और घूस. ફરક છે હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જેટલો. હવે એના અર્થમાં રહેલો તફાવત જાણીએ. ઘુસ એટલે પેસી જવું કે ઘૂસી જવું. हमने दुश्मन को उसके इलाके में घुसकर मार दिया. આપણે દુશ્મનને એના  વિસ્તારમાં ઘૂસીને ઠાર કર્યો. ઘૂસ એટલે લાંચ. कई सरकारी अफसर घूस लेते हुए रंगे हाथ पकडे गए हैं. અનેક સરકારી અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. घाटा और घाटी યુગ્મમાં પણ નજીવો ફરક છે., પણ અર્થમાં બેહિસાબ અંતર છે. ઘાટા એટલે ખોટ અથવા નુકસાન. धंधे में कभी घाटा भी हो जाता है. ઘાટી એટલે ખીણ. कश्मीर की घाटी का सौंदर्य लुभावना होता है. હવેના યુગ્મમાં ફરક માત્ર

અનુસ્વારનો છે, પણ અનુસ્વારની તાકાત જોઈ લો. चंपत और चपत ધ્યાનથી જુઓ. ચંપત એટલે ગાયબ થઈ જવું. सामान चुराकर चोर चंपत हो गया. સામાન ચોરી ચોર ગાયબ થઈ ગયો. ચપત એટલે ધોલ, લાફો કે તમાચો. मास्टरजी ने महेश के गाल पर एक चपत लगाई। માસ્તરે મહેશને ગાલ પર તમાચો માર્યો. અંતમાં એક મજેદાર જોડી જોઈએ. चप्पू और चाकू યુગ્મમાં પ્રથમ દ્રષ્ટિએ તો કોઈ ફરક નથી લાગતો ને. બંને સરખા શબ્દ લાગે છે ને. હા, ગુજરાતીમાં સરખા, પણ હિન્દીમાં એકબીજા સાથે કોઈ લેવાદેવા નહીં. હિન્દીમાં ચપ્પૂ એટલે હલેસું, બોલો. पतवार का काम देनेवाली डाँड़, किलवारी. નૌકાનું સુકાન સંભાળવાનું કામ કરતું હલેસું. ચાકૂ એટલે ચપ્પુ અથવા ચાકુ. મજા પડી ગઈ ને. આને જ તો કહેવાય જ્ઞાન સાથે ગમ્મત.

GREEK WORDS IN ENGLISH
દુનિયાની દરેક ભાષામાં અન્ય ભાષાના શબ્દોની હાજરી અચૂક જોવા મળે છે. હવે એ ઘૂસણખોરી છે કે આમંત્રણથી એ સમજવું કે શોધવું અત્યંત મુશ્કેલ કામ છે. અંગ્રેજીમાં પણ ગ્રીક અને લેટિન શબ્દોની ભરમાર જોવા મળે છે. દિવસ દરમિયાન તમે જે પણ અંગ્રેજી શબ્દો બોલતા હશો એમાં એક કે એકથી વધુ શબ્દ મૂળ ગ્રીક હોવાના જ. ગ્રીક ભાષાના શબ્દોએ જબરદસ્ત ઘૂસણખોરી કરી છે અંગ્રેજી ભાષામાં. એક અંદાજ મુજબ દોઢ લાખથી વધુ ગ્રીક શબ્દો અંગ્રેજીમાં સરસ મજાના ગોઠવાઈ ગયા છે. આપણે કેટલાક જાણીતા શબ્દો લઈએ અને તમને પણ નવાઈ લાગશે કે જે શબ્દ કે શબ્દોનો તમે બહોળો ઉપયોગ કરો છો એ તો મૂળમાં ગ્રીક શબ્દ છે. શરૂઆત વાંચવામાં અને ખાસ તો સાંભળવામાં કર્ણપ્રિય લાગે એવા શબ્દથી કરીએ: MUSIC. The word music comes from the Greek word (mousike), which means “(art) of the Muses”. In Ancient Greece the Muses included the goddesses of music, poetry, art, and dance. પ્રાચીન ગ્રીસમાં મ્યુઝીસમાં સંગીત, કલા અને નૃત્યની દેવીનો સમાવેશ હતો. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ અને વિશ્ર્વના મોટાભાગના દેશોમાં લોકશાહી જ છે. અંગ્રેજીમાંDEMOCRACY કહેવાય છે. ભલે યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન વ્યાખ્યા કરી ગયા હોય કે Democracy means Government of the people, by the people and for the people. Democracy has Greek roots. Combining demos (people) and kratos (power), the meaning of this quintessential Greek word used in English is simply put: power to the people! ટૂંકમાં લોકશાહી એટલે જનતા જનાર્દનની તાકાત, શક્તિ.
તમને યુરોપ ફરવા જવાની ઈચ્છા અનેક વાર થઈ હશે અને યુનાઈટેડ કિંગડમ યુરોપનો મહત્ત્વનો હિસ્સો છે અને ત્યાં તો શુદ્ધ અંગ્રેજીનું ચલણ છે. જોકે, મજેદાર વાત એ છે કે યુરોપ મૂળ ગ્રીક શબ્દ છે. ગ્રીસની પૌરાણિક કથામાં યુરોપ નામની સૌંદર્યવતી રાજકુમારી હતી. ગ્રીક દેવતા ઝિયસએ એની સામે જ્યારે જોયું ત્યારે પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો અને એ એને લઈને આજે આપણે જેને યુરોપ તરીકે ઓળખીએ છીએ એ વિસ્તારમાં રાજકુમારીને લઈને આવ્યો અને એટલે આ વિસ્તારને યુરોપ નામ મળ્યું છે. તમને ક્રિકેટ ઉપરાંત ઓલિમ્પિક્સમાં પણ જો રસ હશે તો તમે મેરેથોન દોડ વિશે તો જાણતા જ હશો. હવે તો મુંબઈમાં પણ મેરેથોન, હાફ મેરેથોન જેવી સ્પર્ધાનું આયોજન
થાય છે. Originally MARATHON is a Greek world. Officially, a marathon is 42.1 km (or 26.1 miles) long, in a nod to the actual distance between two Greek cities Athens and Marathon.
આમ મેરેથોન નામનું શહેર રેસના નામકરણમાં નિમિત્ત બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button