ઉત્સવ

મની ઓર્ડર !!માત્ર સો રૂપિયા

ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ

આજથી વીસ પચીસ વરસ પહેલાં સો રૂપિયા દસ હજારની ગરજ સારે! સો રૂપિયાની તાતી જરૂરત! જ્યાં હાથ નાંખુ ત્યાથી હાથ પાછો પડે. હું મરણિયો થયેલો. મને ચક્કર આવી ગયા. આંખે અંધારા છપાઇ ગયા. હું પડી ન જઉં એટલે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પકડી લીધો. પરસેવાના રેલા ઉતરે. પગ પાણી પાણી થાય! હું ધબ દઇને બેસી ગયો!

મારે કેવળ સો રૂપિયાની સખત જરૂર પડી. મેં રતન ખત્રીનું વરલી મટકું નોંધાવ્યું હોય અને સો રૂપિયા ચુકવવા પડે તેવું ન હતું. રાતે પોટલી પી ગયો હોઉં અને સ્ટેન્ડ એટલે કે બુટલેગરને પોટલીના ચુકવવાના હોય એવું પણ નહીં! ભાવનગર રોડ પર આટલા રૂપિયામાં એકાદ બજારુ રાત રંગીન થઇ જતી. મારે એવું પણ નહીં. તીનપત્તિમાં સો રૂપિયા હારી ગયો તેવું પણ ન હતું. હશીશ કે ગાંજાની પુડી પાછળ સો રૂપિયા ફૂંકી મારવાના તેવું પણ ન હતું!

એ સમય કેવળ અને કેવળ સંઘર્ષનો હતો. પાણીમાં પડીએ અને જીવતા રહેવા હાથ પગ ચલાવવા પડે જ. નહિતર ફોટા પર સુખડનો હાર અગર પ્લાસ્ટિકના પવિત્રા લાગી જાય! બાપુજીએ જિંદગીની બાજી વહેલી સમેટી લીધી. મારા લગ્ન થયેલા. બાકી આખો નિભાંડો કાચો. બે ભાઇ અને બે બેન.
ભણાવવા-પરણાવવાની જવાબદારી મોટા પુત્ર તરીકે મારી હતી. બાપુજી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતા. કલાસ થ્રીની નોકરી એટલે વાંધો ન આવ્યો. મને મોટા પુત્ર તરીકે રહેમ રાહે નોકરી મળી ગઇ. કદાચ એ જ મારા જીવનની કમબખ્તી હતી.

મને નોકરી મળી તેમાં ભાઈઓને લગીરે વાંધો ન હતો. મોટી તો સીધી લીટીની. દુનિયાદારીની ગતાગમ નહીં!! નાની બેન ટોમ બોય જેવી ભારાડી. એને મંથરા જેવી ફોઈએ ચડવણી કરી. ભનકી, ઘનશ્યામ આખું કોળું જમી ગયો. તારી ભાભી તેને ગુલામ બનાવી તમને રસ્તે રઝળતા કરી નાંખશે. ભનકી નોન મેટ્રિક. એને નોકરી મળે નહીં!! ભનકીએ તેની ભાભી નમિતાને હેરાન કરવામાં કસર ન રાખી. મારી મા એ પણ સમતા ન રાખી. વહુ અને દીકરી વચ્ચે ડાબી જમણીનો ફેર હોય. વહુ તો પારકી જણી હોય. જ્યારે દીકરી તો ખુદની જણી હોય. બંને વચ્ચે વેરો વંચો હોય! પરંતુ, ઓગણીસ-એકયાંશીનો ભેદ થોડો કરાય? આ બધી કમઠાણની અસર મારા અને નમિતાની જીવન પર પડી. નમિતા મારા પ્રત્યે શુષ્ક, બરછટ અને રુક્ષ થવા માંડી. મારે ત્રણ હજારનો પૂરો પગાર તેના હાથમાં મુકી દેવાનો. બાની હાથખર્ચી, બીજા વ્યવહાર માટે મને મારા પગારના રૂપિયા ન મળે!

મેં એસટીડી પીસીઓમાં નોકરી શરૂ કરી. મેથ્સના ટયુશન શરૂ કર્યા. ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ શરૂ કર્યું. જે પાંચ પચીસ રૂપિયા આવે તો મારૂ ગાડું ગબડે!
મને વાર્તા લખવાની ફાવટ હતી. હું કલા ખાતર કલાનો હિમાયતી હતો. વાર્તા એ વહેંચવાનો વિષય છે, કલદાર કમાવવાનો નહીં. કારમી આર્થિક ભીંસમાં મેં કલમને બદલે કોલમને ખોળે માથું મુકયું! રૂપિયા માટે દહાડી મજદૂરની જેમ પાંચ પાંચ પેપરમાં વાર્તાની કોલમ લખી. એક પેપર મહિનાના એક સો સિતેરનો દરમાયો આપે. દસ વરસે મહિનાના બસો કર્યા. આમ, સાડા પાંચ હજાર વાર્તા વીસ વરસમાં લખી!

પગારની તારીખ આવી. પગારમાં ત્રણ હજાર નમિતાના હાથમાં મુક્યા! એક હજાર મકાનનું ભાડું. બે ભાઇની કોલેજની ફી, ચોપડા, કરિયાણા, દૂધ, શાકપાંદડામાં પગાર ખાલી થઇ ગયો! દુકાળમાં અધિક માસ જેવું થયું! ગામડેથી કાકાએ હું ત્રણચાર દિવસ માટે બોટાદ આવું છું એવી પત્ર લખી મને જાણ કરી!
કાકાને મિષ્ટાન સાથે જમાડવા ઓછામા ઓછા સો રૂપિયા જોઇએ. પગાર થયો અને વપરાઇ ગયો. નમિતાની અંગત બચતમાંથી ફદિયું ન મળે. એ બિચારીએ કદી સિનેમા જોવા, હોટલમાં જમવા જવા, ફરવા જવા, ઘરેણા માટે રઢ કરેલી નહીં. નમિતા અંદરને અંદર કવચ કરી જીવતી રહી! તેના અભેદ દુર્ગમાં મે કદી ડોકિયું કર્યું નહીં!! અલબત, એણે પણ મારા માટે દુર્ગના દ્વાર ખોલ્યા નહીં!

નવા પગારની તારીખ સુધી સો રૂપિયા ઉછીના લેવા ઓફિસ, પાડોશી, મિત્રો , સગાના ઘરના દરવાજા ખખડાવ્યા! બે દિવસ ગાંડાની માફક ભટક્યો . સાલ્લુ કોઇ ભરોસો ન કરે! એમાં એનો પણ વાંક નહીં! મારા નસીબ જ ખરાબ. લોન અખંડ ચાલે. કોઇ મને ઉછીના પૈસા આપે પણ પૈસા પાછા મળવાની ગેરંટી દેખાય નહીં! સો રૂપિયા ન મળે તો કાકા કાકીને શું ખવડાવવું? સો રૂપિયા ઉછીના ન મળે તો જીવીને શું કાંદા કાઢવાના? નબળી મનોસ્થિતિ. માથું ફાટફાટ થાય!

મારા પગ અવશપણે સમસુદાન લાતીવાળાને ત્યા વળી ગયા! મેં તેને પેટછૂટી વાત કરી. વીસ દિવસ માટે સો રૂપિયા ઉછીના આપવા વિનંતી કરી. સમસુદીન સાવ નામક્કર ગયો. માળો છૂટી પડ્યો.
કવિરાજ, મારી પાસે સો રૂપિયા નથી! ચાર ટકાના વ્યાજે આપવા પાંચ હજાર છે! સમસુદીને શિકાર કરવા જાળ બિછાવી. હું ધબ દઇને દુકાન બહાર બાંકડે બેસી ગયો! આંખમાંથી આંસુ ધારા વહે. સબસે બડા રૂપિયાનો ક્રૂર ખેલ મને હંફાવી ગયો! હું હાર્યો! હું કયાં સુધી આંખ મીંચીને બાંકડે બેસેલો તેની ખબર નહીં! માનો સુધબુધ ગઇ! નારણ પોસ્ટમેને ખભો હલાવી મને જગાડયો.
ઘનશ્યામ સાહેબ કયાં ખોવાઇ ગયેલા? બે દિવસથી તમને ખોળું છું. તમે તો ઘાસની ગંજીમાં સોય બની ખોવાઇ ગયા હતા કે શું? સાહેબ ઓફિસે ન મળો, ઘરે ન મળો.
હમણા ટપાલનો લોડ વધારે રહે છે. એટલે થાકી જઉં છું સારું થયું કે મળી ગયા! નારણે કહ્યું.

નારણકાકા, મારા નામનું કોઇ મેગેઝિન આવ્યું છે? એ તો ઘરે આપી દેવાય! મેં કહ્યું.

સાહેબ મેગેઝિન હોય તો તમને કીધા સિવાય ઘરે આપી દઉં. મને ખબર છે કે તમારે ઘરે ચાંદની, રંગતરંગ, રમકડું , બુદ્ધિપ્રકાશ, નવચેતન, કુમાર મેગેઝિન આવે છે. મેગેઝિન તો સમજ્યા! મની ઓર્ડર થોડો તમારી સહી વિના ઘરે આપી દેવાય? નારણે કહ્યું.

કેટલા રૂપિયાનો મની ઓર્ડર છે? મેં નારણને પૂછયું.

સાહેબ અઢીસો રૂપિયાનો છે. નારણે કહ્યું.

હેં હેં શું કહ્યું? હુ અવાચક થઇ ગયો!

હું સો રૂપિયા માટે દરબદરની ઠોકર ખાતો હતો અને મારા વ્હાલાએ અઢીસેં રૂપિયા મોકલી મારી ભીડ ભાંગી! અમારી લેઉવા પટેલ જ્ઞાતિના મુખપત્રમાં મારી વાર્તા છપાઇ તેના પુરસ્કારના અઢીસે રૂપિયા મની ઓર્ડરથી મળ્યા. મે આંખો લૂંછતા દસ રૂપિયા બક્ષિસ તરીકે નારણના હાથમાં પકડાવ્યા! નારણને અથ થી ઇતિ વાત કહી.

અરે, મારા સાહેબ, આટલા રૂપિયા માટે બે દિવસ લોદર તોડયા! મને પારકો કરી નાંખ્યો ને? આટલા રૂપિયા તો હું તમને આપી શકું. ફરીવાર જરૂર પડે તો બીજે ક્યાંય જતા પહેલાં મારા પાસે આવી જજો. નહિતર જોવા જેવી થશે! નારણે મને ભીની આંખે ધમકી આપી! (સત્ય ઘટના પર આધારિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button