મહુઆ મોઇત્રાની વધી મુશ્કેલીઓ, લાંચના કેસમાં CBI કરશે તપાસ
‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ મોઇત્રા સામે હવે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા સામે CBI તપાસ શરૂ થઇ છે. લોકપાલના નિર્દેશને અનુસરીને સીબીઆઇએ આ તપાસ શરૂ કરી છે.
હવે આ તપાસને અંતે નક્કી કરવામાં આવશે કે સાંસદ વિરુદ્ધ ગુનો નોંધાશે કે નહિ. પ્રારંભિક તપાસમાં મહુઆ મોઇત્રાની ધરપકડ તો નહિ થાય, પરંતુ કેસની તપાસને લઇને માહિતી માગવી, દસ્તાવેજોની તપાસ કરવી તથા સાંસદને બોલાવીને તેની પૂછપરછ કરવી વગેરે જેવી પ્રવૃત્તિઓ થઇ શકે છે. એ પછી તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇએ આ મામલે સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લીધી હતી. દેહાદ્રાઈએ ભાજપ સાંસદ નિશિકાંત દુબેને પણ પત્ર લખ્યો હતો અને દુબેની ફરિયાદના આધારે સ્પીકર ઓમ બિરલાએ આ મામલો એથિક્સ કમિટીને મોકલ્યો હતો. દુબેએ લોકપાલમાં ફરિયાદ પણ કરી હતી.
પેનલને મોકલવામાં આવેલા સોગંદનામામાં હિરાનંદાનીએ આરોપ મૂક્યો હતો કે તૃણમૂલ સાંસદે તેમના સાંસડ પદનું ઈમેલ આઈડી તેમની સાથે શેર કર્યું હતું. જેથી કરીને તેઓ સંસદમાં પ્રશ્નો ઉઠાવી શકે. હિરાનંદાનીએ તેના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો હતો કે, “મહુઆ મોઇત્રા ઝડપથી રાષ્ટ્રીય સ્તરે નામ કમાવા માંગતી હતી. તેના મિત્રો અને સલાહકારોએ તેમને સલાહ આપી હતી કે પ્રસિદ્ધિનો સૌથી ટૂંકો રસ્તો પીએમ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત રીતે હુમલો કરવાનો છે, અને એ માટે તેમના ઉદ્યોગપતિ મિત્ર ગૌતમ અદાણી પર તેણે હુમલો કરવાનું વિચાર્યું હતું.” હિરાનંદાનીએ જણાવ્યું.