ચંદ્રયાન-3ની સફળતાથી અબજોપતિ બની ગયો મૈસુરનો આ બિઝનેસમેન…

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે એક એવી સફળતા હાંસિલ કરી છે કે જે અત્યાર સુધી દુનિયાના કોઈ પણ દેશને નથી મળી. જી હા, ભારતે ચંદ્રયાન-3ને સફળ કરીને ચંદ્રના એવા ખૂણા પર પગ મૂક્યો છે કે જ્યાં પગ મૂકવાની હિંમત અમેરિકા, રશિયા અને ચીન જેવા ચંદ્ર પર પહોંચનારા દેશોએ પણ નથી.
પરંતુ શું તમને ખબર છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરીને સ્પેસની દુનિયામાં તો મહત્ત્વનું પગલું હતું જ પણ એની સાથે સાથે ભારતની આ ઉપલબ્ધીએ મૈસુરના એક માણસને અબજોપતિ બનાવી દીધો છે. હવે તમને થશે કે ભાઈ આ તે વળી શું કનેક્શન છે તો આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરને વીજળી પૂરી પાડનારા ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પૂરી પાડનાર કંપની કાયન્સ ટેક્નોલોજી ઈન્ડિયાના ફાઉન્ડર રમેશ કુન્હિકન્નન છે.
ફોર્બ્સના એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો મૈસુરમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને કાયન્સ ટેક્નોલોજી ઈન્ડિયાના ફાઉન્ડર એવા 60 વર્ષીય રમેશ કુન્હિકન્નને સફળ મિશન દરમિયાન ચંદ્રયાન-3ના રોવર અને લેન્ડર બંનેને વીજપૂરવઠો કરવા માટે ઉપયોગ લેવામાં આવેલી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પૂરી પાડી હતી. ચંદ્રયાન-3ની સફળતા બાદ રમેશની કંપનીના શેરની કિંમતમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે અને તેમની કંપનીના શેર હવે 40 ટકા ઉપર પહોંચી ગયા છે.
કુન્હિકન્નનની કંપનીમાં 64 ટકા ભાગીદારી છે અને હવે તેમની નેટવર્થ વધીને 1.1 અબજ ડોલરની થઈ ગઈ છે. એટલું જ નહીં પણ તેમની કંપની સર્કિટ બોર્ડસના નિર્માણ અને એસેમ્બલિંગનું કામ કરે છે. ફોર્બ્સની યાદીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે 2024 સુધી કંપનીની વાર્ષિક આવક 208 મિલિયન ડોલર જેટલી થઈ જશે.