એક મહિનાની અંદર મજૂરો આવશે ટનલમાંથી બહાર… ઓસ્ટ્રેલિયન એક્સપર્ટે કેમ ઉચ્ચારી કાળવાણી?
ઉત્તરાખંડઃ ઉત્તરકાશી ખાતે આવેલી સિલક્યારા ટનલમાં છેલ્લાં 14-14 દિવસથી ફસાયેલા 41 મજૂકો ક્યારે બહાર આવે એની દેશવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા એક ઓસ્ટ્રેલિયન નિષ્ણાતે કાળવાણી ઉચ્ચારતા એવી માહિતી આપી હતી કે આ મજૂરોને બહાર આવવા માટે હજી એક મહિનાનો સમય લાગી શકે છે. ઓસ્ટ્રેલિયન નિષ્ણાતની આ વાત સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે.
રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જેણે બધાના પગ નીચેથી જમીન ખસકાવી દીધી છે. ડિક્સે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે અંદર મજૂરો સુરક્ષિત છે અને અમે આ બધ મજૂરોને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર બહાર લાવવા માંગીએ છીએ.
આગળ ડિક્સે પોતાના સ્ટેટમેન્ટ એવું પણ જણાવ્યું હતું કે ઓગર મશીન તૂટીને પર્વતમાં ફસાઈ ગયું છે અને ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશન ખોટકાઈ પડ્યું છે. પણ અમે ખાતરીપૂર્વક તમને કહેવા માંગીએ છીએ કે નાતાલ સુધીમાં એટલે કે 25મી ડિસેમ્બર સુધી આ 41-41 મજૂરોને સુરક્ષિત બહાર લાવીશું. અમે લોકો મજૂરો સુધી પહોંચવાના બીજા પર્યાયો વિશે વિચાર કરી રહ્યા છીએ.
ડિક્સની વાતને સરળ શબ્દોમાં રહીએ તો મજૂરોને બહાર આવવામાં એકાદ મહિના જેટલો સમય લાગી શકે છે. અહીંયા તમારી જાણ માટે કે ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 14મો દિવસ છે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જો બધું બરાબર રહ્યું તો આજે તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે પરંતુ ફરી એક વખત આશાના આ મિનારાઓ કડડભૂસ થઈને તૂટી પડ્યા છે.
જોકે, ડિક્સના આ દાવાને સરકાર કે સીએમઓ તરફથી કોઈ પણ પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું નથી. આજે સવારે શરૂ કરવામાં આવેલા ડ્રિલિંગના કામ દરમિયાન ઓગર મશીન ખરાબ થઈ ગયું હતું અને એ સમયે એવી માહિતી સામે આવી હતી કે ઓપરેશન પૂરું થવામાં હજી વધુ 2-3 દિવસનો સમય લાગી શકે છે.