આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં જંક શોપમાં જોરદાર બ્લાસ્ટ, 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ

ઈમારત ખાલી કરાવવામાં આવી

થાણેઃ મહારાષ્ટ્રના થાણે શહેરના મુંબ્રા વિસ્તારમાં શનિવારે સવારે એક જંક શોપમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાથી થયેલા વિસ્ફોટમાં 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાની પાલિકાના અધિકારીએ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, ચાર માળની રહેણાંક ઇમારત ‘મુધલ પાર્ક’ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં સવારે 6 વાગ્યે બનેલી ઘટના બાદ ત્યાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અધિકારીના જણાવ્યા અનુસાર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તપાસ માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC)ના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું કે, “ચાંદ નગર વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ભંગારની દુકાનમાં સાંજે લગભગ 6 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકની ઈમારતો તેમજ ઘણી દુકાનોને નુકસાન પહોંચ્યું હતું.તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ ઈમારતને ખાલી કરાવવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહે છે, જેમાંથી ઘણા લોકો વિસ્ફોટ પછી ભાગી ગયા હતા અને 70 અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી હતી. તડવીએ કહ્યું હતું કે, ‘એવું જાણવા મળ્યું છે કે ભંગારની દુકાનમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. જોકે, સિલિન્ડર વિસ્ફોટ થયો ન હતો, કારણ કે તે હજુ પણ અકબંધ હતો, એવી શંકા છે કે વિસ્ફોટ ગેસ લીકને કારણે થયો હતો. પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે શોધવાના પ્રયાસો ચાલુ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી છે.”

તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે ભંગારની દુકાનની દિવાલ પડી ગઈ હતી અને પડોશમાં આવેલી બે દુકાનોને નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું કે નજીકમાં પાર્ક કરેલી એક કાર અને રિક્ષાને પણ ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ઘટના બાદ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે અને તે ખતરનાક સ્થિતિમાં છે. આ ઘટનામાં બિલ્ડિંગમાં રહેતા ત્રણ લોકો, અઝહર શેખ (40), અર્શુ સૈયદ (10) અને ઝીનત મુલાની (50) તરીકે ઓળખાય છે, તેઓને આ ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button