રાજસ્થાન મતદાનઃ કનૈયાલાલના બન્ને પુત્રએ કર્યું મતદાન અને કરી આ અપીલ
રાજ્સ્થાનમાં આજે મતદાન થી રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં લગભગ 40 ટકાથી વધારે મતદાન નોંધાયું છે, જે સારું કહી શકાય. આ મતદાન કરવા માટે બે યુવાન આવ્યા હતા જેના પર સૌનું ધ્યાન ગયુ અને તે હતા યશ અને તરૂણ આ યુવાનો દરજી કામ કરીને પરિવાર ચલાવતા કનૈયાલાલના પુત્રો છે. તેમના પિતા કનૈયાલાલ ચૂંટણી સમયે પ્રચારનો મુદ્દો બની ગયા હતા. તમને યાદ હશે કે ભાજપના પ્રવક્તા નૂપૂર શર્માએ ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પૈગમ્બર વિશે અસ્વીકાર્ય ટીપ્પણી કરી હતી અને તેનો વિવાદ ખૂબ ચગ્યો હતો અને શર્માની ભારે ટીકા થઈ હતી. આ સમયે એક વર્ગ હતો જે શર્માને સમર્થન આપી રહ્યો હતો. કનૈયાલાલે વૉટ્સ એપના સ્ટેટ્સમાં નૂપૂરને સમર્થન આપતો સંદેશ અપડેટ કર્યો હતો જેને લીધે રોષે ભરાયેલા બે મુસ્લિમ યુવાનોએ તેમની દુકાનમાં જઈ તેમનું ગળું ચીરી નાખ્યું હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના ભારે ચર્ચાના ચકડોળે ચડી હતી, સમય જતા ભાજપે શર્માને સસ્પેન્ડ કરી હતી. ત્યારે ફરી ચૂંટણી સમયે સૌને કનૈયાલાલ યાદ આવ્યા હતા અને તેમની હત્યા ચર્ચાનો મુદ્દો બની હતી. જોકે તેમના પિતાની હત્યા રાજકીય મુદ્દો બની તે વાતથી તેઓ નારાજ છે.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમને હજુ પણ ન્યાયની આશા છે. રાજસ્થાનમાં જે પણ સરકાર બને તે અમારા પિતાને ન્યાય આપવો જોઈએ. દોઢ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓને સજા થઈ નથી.. વિધાનસભાની ચૂંટણીમાં જોયું કે રાજકીય પક્ષોએ તેમના નામે પ્રચાર કર્યો. આ હત્યાને મુદ્દો બનાવવાને બદલે આરોપીઓને સજા અપાવવામાં અમને મદદ કરી હોત તો અમારા માટે સારું થાત.
રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. મતદાન પહેલા સીએમ ગેહલોતે કહ્યું હતું કે અમારી સરકારે લોકોને જે ગેરંટી આપી છે અને છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ કર્યો છે તેને ધ્યાનમાં લઈને જનતા અમારી સરકારને ફરીથી ચૂંટશે.
દરમિયાન અહીં ઉદયપુરમાં મતદાન દરમિયાન એક વૃદ્ધનું મોત થયું હતું. સેક્ટર 4 સેન્ટ એન્થોની સ્કૂલમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હાર્ટ એટેકનો ભોગ બનેલા 70 વર્ષના વૃદ્ધ બપોરે મતદાન કરવા આવ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા.
જોકે બપોરે એક વાગ્યા સુધી 40 ટકા કરતા વધારે લોકોએ મતદાનની ફરજ પૂરી કરી છે ત્યારે 70 ટકાથી વધારે મતદાન થવાની આશા છે. રાજસ્થાન સહિત પાંચ રાજયના ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.