વિકરાબાદ: આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેલંગાણામાં કોંગ્રેસ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે વિકરાબાદમાં કહ્યું હતું કે, ‘ભલે તે BRS હોય કે કોંગ્રેસ કે AIMIM, તેમને અમારી (હિંદુઓ) સાથે કોઈ સંબંધ નથી. તેઓ હંમેશા બાબર અને ઔરંગઝેબની ભાષા બોલે છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
એક તરફ, આસામના સીએમએ તેલંગાણામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવશે. અહીં એલબી નગર ખાતે ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ મતદારોને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) સરકારને હટાવવા માટે પણ વિનંતી કરી હતી.
ખડગેએ ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અમે જીતી રહ્યા છીએ. અમે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં પણ જીતી રહ્યા છીએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ સચિવાલય કે વિધાનસભાથી નહીં પરંતુ “ફાર્મહાઉસમાં બેસીને” સરકાર ચલાવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, “કેસીઆર ગરીબ લોકો અથવા ચૂંટાયેલા વિધાન સભ્યોને મળતા નથી.”
તેમણે કેસીઆર પર તેલંગણાને લૂંટવાનો પણ આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણીમાં જીતી નહી ંશકાય એવું લાગતા કેસીઆર હવે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ અપશબ્દો બોલી રહ્યા છે. ભાજપ પર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓને કલંકિત હોવાની વાત કરે છે. જો કે આવા ભ્રષ્ટ નેતાઓ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે તેઓ સ્વચ્છ થઈ જાય છે.