દુનિયામાં મેક ઇન ઇન્ડિયાની ધૂમ
માત્ર એક પ્રોડક્ટ વેચીને ભારતે 5 લાખ કરોડ કમાઇ લીધા
નવી દિલ્હીઃ વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી મહત્વનું કામ સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને એના વેચાણને વેગ આપવાનું કર્યું હતું અને હવે એના સારા ફળ ચાખવા પણ મળી રહ્યા છે. હવે મોબાઈલ એક્સપોર્ટ મોરચે સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં (એપ્રિલથી ઓક્ટોબર) $8 બિલિયનની નિકાસ થઈ છે. આમાંનો મોટા ભાગનો આઇફોન છે. એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં, Apple Inc. એ ભારતમાંથી $5 બિલિયન કરતાં વધુ મૂલ્યના iPhonesની નિકાસ કરી છે. દેશમાંથી iPhoneની નિકાસ ગયા વર્ષના એપ્રિલ-ઓક્ટોબરની સરખામણીએ 177% વધી છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના 7 મહિનામાં $8 બિલિયનના મોબાઈલની નિકાસ કરવામાં આવી છે. વાર્ષિક ધોરણે 60 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન કુલ નિકાસ $4.97 બિલિયનની હતી. દર મહિને સરેરાશ એક અબજ ડોલરના મોબાઈલ ફોનની નિકાસ થઈ રહી છે.
ઉદ્યોગ અને સરકારી ડેટા અનુસાર, આઇફોન નિર્માતા એપલે એપ્રિલ-ઓક્ટોબર 2022માં ત્રણ કોન્ટ્રાક્ટ આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા દેશમાંથી $1.8 બિલિયનના હેન્ડસેટની નિકાસ કરી હતી.