લોકલ ટ્રેનોની રફતાર ઘટી, પ્રવાસીઓ બેહાલ
ચેન પુલિંગ, અકસ્માતોને કારણે ટ્રેનસેવાને લાગી બ્રેક: રેલવે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈન (કલ્યાણ-સીએસએમટી)માં લોકલ ટ્રેનો નિયમિત દોડતી નહીં હોવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં હાલાકી વધી રહી છે. છેલ્લા અઠવાડિયાથી ટ્રેનો ટાઈમટેબલ પ્રમાણે દોડતી નથી, તેથી પ્રવાસીઓને ગીચ ટ્રેનોમાં મુસાફરી કરવાની નોબત આવે છે, જ્યારે આ મુદ્દે રેલવે પણ આંખ આડા કાન કરે છે એ ગંભીર બાબત છે, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું.
રેગ્યુલર ટ્રેનો મોડી દોડતી નથી, પરંતુ ત્રણેય કોરિડોરમાં કામકાજ ચાલી રહ્યું છે. ઉપરાંત, નાના મોટા અકસ્માતની સાથે ક્યારેક ચેન પુલિંગ વગેરે કિસ્સાને કારણે સિંગલ ટ્રેન ખોટકાવવાને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે. આ ઉપરાંત, સિઝનમાં થનારા ફેરફારને કારણે ટ્રેક, સિગ્નલને અસર થાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી પી. ડી. પાટીલે કહ્યું હતું કે લોકલ ટ્રેનો રેગ્યુલર મોડી પડતી નથી. આજે સેન્ડહર્સ્ટ રોડ અને મસ્જિદ સ્ટેશનની વચ્ચે સવારે આઠ વાગ્યે લાંબા અંતરની ટ્રેનમાં ચેન પુલિંગ થયું હતું, પરિણામે અડધો કલાકથી વધુ ટ્રેનસેવા પર અસર પડી હતી. મોર્નિંગ પીક અવર્સમાં દસથી પંદર મિનિટ ટ્રેનો મોડી દોડવાને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ અન્ય કોરિડોરમાં ટ્રેનો નિયમિત ચાલુ હતી.
આ અંગે કલ્યાણના રહેવાસી સુશીલ પાંડેએ કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી મોર્નિંગ પીક અવર્સ અપ લાઈનમાં કે રાતના ડાઉન લાઈનમાં લોકલ ટ્રેનો દસ મિનિટથી લઈને ક્યારેક ૩૦થી ૪૦ મિનિટ મોડી દોડતી રહે છે. ટ્રેનો મોડી દોડવા અંગે રેલવે તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવે નહીં એ સૌથી મોટી બેદરકારી છે.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મધ્ય રેલવેમાં રોજના ૧,૮૧૦ ટ્રેનની સર્વિસ દોડાવાય છે, જ્યારે ૪૦ લાખથી વધુ લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે. ૨૦૦ મેલ-એક્સપ્રેસ ટ્રેન સાથે ૧૦૦થી વધુ ગૂડ્સ ટ્રેનનો પણ ટ્રાફિક રહે છે. સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરમાં મધ્ય રેલવેના ઝોનની ગણતરી કરવામાં આવે છે, તેથી ક્યારેક અકસ્માત થવાને કારણે ટ્રેનસેવા પર અસર પડે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
લોકલ ટ્રેનોના ધાંધિયાથી પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ પણ પરેશાન
પશ્ચિમ રેલવેમાં ગોરેગાંવ અને સાંતાક્રુઝ વચ્ચે નવી આઠ કિલોમીટરની લિંકનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી પણ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો નિયમિત દોડતી નથી. નોન-એસીના બદલે એસી લોકલની સર્વિસ વધાર્યા પછી ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે, તેનાથી પ્રવાસીઓને હાલાકી વધી છે, એમ બોરીવલીના પ્રવાસીએ જણાવ્યું હતું.
એસી લોકલ દોડાવવાને કારણે તેનો સીધો ફટકો નોન-એસી લોકલના પ્રવાસીઓને પડ્યો છે. વિરાર-દહાણુ ચર્ચગેટનો કોરિડોર મોટો હોવા છતાં ટ્રેનો રોજ અડધો કલાકથી વધુ મોડી પડે છે, જ્યારે એસી લોકલમાં પણ નોન-એસી લોકલના પ્રવાસીઓ પ્રવાસ કરે છે, પણ તેમને કોઈ પૂછતું નથી. આ મુદ્દે વારંવાર ફરિયાદ કર્યા પછી પણ રેલવે આંખ આડા કાન કરે છે. છાશવારે દર અઠવાડિયે બ્લોક લેતા હોય તો પછી ટ્રેનો શા માટે મોડી પડે એ સમજાતું નથી, એમ વસઈના મેહુલ વૈદ્યે જણાવ્યું હતું.