એકસ્ટ્રા અફેર

ઉત્તરાખંડની ટનલ દુર્ઘટના, આપણી તાકાત મપાઈ ગઈ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ઉત્તરાખંડની ટનલ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ કામદારોને અંતે બહાર કાઢી લેવાશે એવી આશા જાગી છે. ભારત વર્લ્ડ કપ જીતશે કે નહીં તેની સૌને ચિંતા હતી પણ છેલ્લા ૧૪ દિવસથી ફસાયેલા આ કામદારોનું શું થશે તેની આમ તો કોઈને ચિંતા નહોતી. તેમના પરિવારો સિવાય બીજા કોઈએ તેમના બચાવ માટે પ્રાર્થના કરી હોય એવું પણ સાંભળ્યું નથી.
ખેર, એ બધી વાતો કરવાનો હવે મતલબ નથી ને અંતે ૪૧ કામદારોના પરિવારોને રાહત મળશે એ મહત્ત્વનું છે. તેમના પરિવારના મોભી કે કમાઉ સભ્ય પાછા આવશે એ તેમના માટે મોટી વાત છે પણ આ ઘટનાએ આપણી નબળાઈઓને છતી કરી દીધી. આપણે વિશ્ર્વગુરુ હોવાનો દાવો કરીએ છીએ પણ એક ટનલમાં ફસાયેલા મજૂરોને કાઢવા માટે આપણે વિદેશથી મશીનો મંગાવવાં પડે, વિદેશી નિષ્ણાતોને બોલાવીને તેમની મદદ લેવી પડે તો આપણે કેવા વિશ્ર્વગુરુ એ સવાલ થાય છે.
સાલુ, ૧૪૦ કરોડની વસતીના દેશ પાસે પોતાના કામદારોને બહાર કાઢવા માટેની ક્ષમતા ના હોય ને તેના માટે પણ વિદેશની મદદ લેવી પડે તેના કરતાં વધારે શરમજનક બીજું કંઈ ના કહેવાય. કોઈ નાનો દેશ આવું કરે તો સમજી શકાય પણ દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશમાં આ હાલત હોય એ આપણે દુનિયામાં ક્યાં ઊભા છીએ તેનો પુરાવો છે.
દુનિયામાં અમેરિકા કે બીજા ઘણા વિકસિત દેશોમાં આવી ઘટનાઓ બને છે પણ કોઈ દેશે આપણે ત્યાંથી મશીનરી કે ઈક્વિપમેન્ટ મગાવ્યાં હોય કે આપણા નિષ્ણાતોને બોલાવ્યા હોય એવું સાંભળ્યું નથી જ્યારે આપણે તો ડ્રિલિંગ માટેનું મશીન પણ હોલેન્ડથી મંગાવવું પડ્યું ને મદદ માટે થાઈલેન્ડ ને નોર્વે જેવા દેશમાંથી નિષ્ણાતોને બોલાવવા પડ્યા. થાઈલેન્ડ ને નોર્વે જેવા આપણાં શહેરો જેટલી વસતી ધરાવતા દેશો પાસેથી આપણે મદદ લેવી પડી કેમ કે આપણી પાસે કામદારોને પોતાની રીતે બચાવવાની ક્ષમતા નથી.
તમે વિચાર તો કરો કે, ૧૨ નવેમ્બરે ટનલ તૂટી પડી ને છેક હજુ શનિવારે આપણને કામદારોને બહાર કાઢવામાં સફળતા મળશે. ખાલી ૬૦ મીટરની ટનલનો કાટમાળ કાઢવામાં આપણને ૧૫ દિવસ લાગી જાય તેના પરથી જ આપણામાં કેટલો દમ છે એ સમજી જવાની જરૂર છે. આ કાટમાળ પણ વિદેશી મદદ મળી પછી દૂર કરી શકાયો, બાકી આપણું તંત્ર તો કશું કરી શક્યું નહોતું. ૧૨ નવેમ્બરે સવારે ચાર વાગ્યે કાટમાળ પડવાનું શરૂ થયું અને ૨૦૦ મીટર સુધી કાટમાળનો ખડકલો થઈ ગયો ત્યારે જ આપણે તો બઘવાઈ ગયેલા.
ટનલમાંથી પાણી કાઢવા માટે નંખાયેલી પાઈપોમાં ઓક્સિજન, દવા, ખોરાક અને પાણી મોકલાયું પણ પછી શું કરવું એ ખબર નહોતી. સાઈટ પરના લોકો ઓગર મશીન વડે કાટમાળ દૂર કરતા હતા. તેમણે ૧૫ મીટર સુધીનો કાટમાળ દૂર કર્યો પણ કેન્દ્ર સરકાર કે ઉત્તરાખંડ સરકાર પાસે તો કોઈ યોજના નહોતી. એ લોકો મીટિંગો કર્યા કરતા હતા પણ પાઈપ દ્વારા મજૂરોને ઓક્સિજન, ખોરાક- પાણી આપવા સિવાય વાત આગળ વધતી નહોતી. આ મીટિંગો પછી લાગ્યું કે, આપણાથી કંઈ નહીં થાય એટલે છેવટે વિદેશના શરણે જવું પડ્યું. ટનલમાં સતત માટી ધસી રહી હતી તેને રોકવા શું કરવું એ માટે નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની સલાહ લેવામાં આવી.
આ નિષ્ણાતોની સલાહ પછી ઓગર ડ્રિલિંગ મશીન અને હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ નિષ્ણાતોએ લગભગ ૩૫ ઈંચની પાઈપ અંદર ઉતારીને મજૂરોને બહાર કાઢવાનો પ્લાન આપેલો પણ તેનો યોગ્ય રીતે અમલ ના થયો. ઓગર ડ્રિલિંગ મશીન અને હાઇડ્રોલિક જેકનો યોગ્ય ઉપયોગ ના કરાયો તેમાં આ મશીનો પણ નિષ્ફળ ગયાં એટલે છેવટે દિલ્હીથી હેવી ઓગર મશીન મંગાવવું પડ્યું.
એરફોર્સનું હર્ક્યુલસ એરક્રાફ્ટ વિમાન આ મશીનો લઈને ચિલ્યાનસોર હેલિપેડ પહોંચ્યું ત્યારે મશીન પ્લેનમાં જ ફસાઈ ગયેલું અને ત્રણ કલાક પછી તો બહાર કાઢી શકાયું. ૨૦૦ હોર્સ પાવરના આ હેવી અમેરિકન ડ્રિલિંગ મશીન ઓગરનું ઇન્સ્ટોલેશન કરવામાં જ ૨૪ કલાક થઈ ગયા. એ દરમિયાન કાટમાળ પડ્યા કરતો હતો તેથી આ મશીન પણ બંધ થઈ ગયું ને નવું ઓગર મશીન ઈન્દોરથી મંગાવવું પડ્યું.
આ બધી મથામણ છતાં કોઈ પરિણામ નહોતું મળતું. હોરિઝોન્ટલ ડ્રિલિંગ માટે હોલેન્ડથી મશીન મંગાવેલું પણ તેનુંય પરિણામ નહોતું મળ્યું. છેવટે સોમવારે આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ ઉત્તરકાશી પહોંચ્યા અને સર્વે કરીને વર્ટિકલ ડ્રિલિંગ માટે બે પોઈન્ટ નક્કી કર્યા પછી કશુંક નક્કર કામ શરૂ થયું. આર્નોલ્ડ ડિક્સે એન્ડોસ્કોપી દ્વારા કેમેરાને અંદર મોકલીને ફસાયેલા મજૂરો સાથે વાત કરાવી અને ઓગર મશીનથી નવેસરથી ડ્રિલિંગ શરૂ કરાવ્યું પછી કામ ઝડપભેર આગળ વધ્યું ને છેવટે સુખાંત આવ્યો.
આપણે આ સ્થિતિ કેમ પેદા થઈ એ વિચારવાની જરૂર છે. તેનું કારણ એ છે કે, આપણે ત્યાં જેમની પાસે સત્તા છે એ બધા સૂંઠના ગાંગડે ગાંધી થયેલા છે. તેમનામાં કોઈ વિઝન નથી ને દેશને આગળ લઈ જવાની ક્ષમતા નથી. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી ઉત્તરકાશી પહોંચીને મીટિંગો કર્યા કરતા હતા ને તેનાથી આગળ કશું કરી ના શક્યા એ તેનો પુરાવો છે.
આ ઘટનાનો બોધપાઠ એ છે કે, ભારતે વિશ્ર્વમાં મહાસત્તા બનવું હોય તો ટૅકનોલૉજીમાં સુપર પાવર બનવું પડે. ખાલી વાતોનાં વડાં કરવાથી ને ભૂતકાળમાં આપણી પાસે આ હતું ને પેલું હતું એવી વાતો કરવાથી કંઈ ના થાય. ભૂતકાળના આધારે વર્તમાનમાં જીવી શકાતું નથી ને આખી દુનિયા હવે આપણને પૂછે છે એવી વાતો કરવાથી પણ કશું વળતું નથી. મિથ્યાભામિનમાં રાચવાથી સુખ મળતું હશે કે નહીં એ ખબર નથી પણ આ મિથ્યાભિમાનથી લોકોની જીંદગી સારી બનાવી શકાતી નથી એ હકીકત છે.
દુનિયામાં તાકાત ચાલે છે ને અત્યારે અસલી તાકાત ટૅકનોલૉજીની છે કે જેમાં આપણે વામણા છીએ એ વાત આ ઘટનાએ ફરી સાબિત કરી છે. આ વામણાપણું દૂર કરવા માટે શું કરવું એ વિચારવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…