વીક એન્ડ

સ્થાપત્ય અને પ્રકાશ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

પ્રકાશ એ જીવનનું પ્રતીક છે. પૃથ્વી પર જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન હોવાની સંભાવના વધુ હોય. જંગલમાં ભૂલા પડેલ માનવીને રાત્રે ક્યાંક દૂર પ્રકાશ દેખાઈ જાય તો ત્યાં તેને જીવન – માણસો હોવાની સંભાવના દેખાય. પ્રકાશ જીવન માટે જરૂરી હોવાથી જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન હશે એમ વ્યક્તિ માની શકે. પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ ગણાતું હોવાથી તે રીતે પણ તે જીવનની સંભાવના વ્યક્ત કરે છે. આત્માને પ્રકાશ તરીકે જોવામાં આવે છે-જ્ઞાનને પણ પ્રકાશ ગણવામાં આવે છે. અર્થાત પ્રકાશ છે એટલે માત્ર જીવન નથી પણ જીવન સાથે ચોક્કસ પ્રકારની ગુણવત્તા પણ છે.

જે તે સ્થાન કે પદાર્થના ઉપયોગ માટે પ્રકાશની હાજરી જરૂરી છે. પ્રકાશને કારણે જ ઉપયોગિતા શક્ય બને છે. અંધારામાં પરિસ્થિતિને યોગ્ય પ્રતિભાવ આપવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. વિજ્ઞાન પણ એમ જણાવે છે કે ૮૦ પ્રતિશત જેટલી માહિતી આપણને નજર દ્વારા પ્રાપ્ત થાય છે. આંખ ત્યારે જ કામ કરે જ્યારે પ્રકાશ હોય. પ્રકાશની ગેરહાજરીમાં વ્યક્તિ લગભગ નિષ્ક્રિય બની જાય. જે વ્યક્તિ જન્મથી અંધ છે તેની માટે આ નિયમ લાગુ ન પડે – આ સામાન્ય માનવીની વાત છે.

સ્થાપત્ય એ જે તે પૂર્વ નિર્ધારિત કાર્ય-હેતુ માટેના સ્થાન નિર્ધારણનું ક્ષેત્ર છે. માનવીની જુદી જુદી પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે તેની માટે મકાનનું નિર્માણ કરવામાં આવે છે. આ કાર્ય-હેતુ માટે પ્રકાશની હાજરી જરૂરી છે. આમ તો મકાનના મોટાભાગના વિસ્તારમાં પ્રકાશનું સામાન્ય સ્તર જળવાઈ રહે તે પૂરતું છે, પરંતુ ચોક્કસ ક્ષેત્રમાં વિશેષ પ્રકારની પ્રકાશ વ્યવસ્થા ઇચ્છનીય છે. જ્યાં જિણવટ ભરેલું કામ કરવાનું હોય ત્યાં પ્રકાશની માત્રા વધુ હોવી જોઈએ. અમુક સ્થાનોએ નાટકીય પ્રકાશની વ્યવસ્થા પણ કરાતી હોય છે. ક્યાંક માનસિક ઠંડક આપે એવો આછો અંધકાર પણ ચાલી જાય. પ્રકાશને રંગીન બનાવી તેમાં કળાત્મકતા પણ ઉમેરી શકાય. પ્રકાશની દિશા તથા માત્રા પ્રમાણે વિવિધ સપાટીઓની બરછટતાની અનુભૂતિને પણ અસર કરી શકાય. પ્રકાશની માત્રા તથા પ્રકાશથી રંગની અનુભૂતિ પણ બદલાઈ શકે. પ્રકાશ મનોવૈજ્ઞાનિક રીતે પણ માનવીની સંવેદનાઓને અસર કરી શકે. એટલા માટે જ કેન્ડલ લાઈટ ડિનર માટે વધુ ખર્ચ કરવા લોકો તૈયાર રહે છે.

સ્થાપત્યમાં કુદરતી પ્રકાશ માટે બારીની વ્યવસ્થા કરાઇ છે. બારીનું માપ, તેનું સ્થાન તથા તેની દિશા પ્રમાણે મકાનમાં પ્રકાશ તથા તડકો પ્રવેશે છે. દીવાલ પર રખાયેલ બારીમાંથી અમુક પ્રકારનો પ્રકાશ આવે જ્યારે છતમાં રખાયેલ બારીમાંથી આવતો પ્રકાશ વધુ તીવ્ર હોય. બારીમાંથી પ્રવેશતો પ્રકાશ મકાનની અંદરની વિવિધ સપાટીઓ પરથી પરાવર્તિત થઈ સમગ્ર મકાનને પ્રકાશિત કરી દે. આ પ્રકાશને અનુરૂપ મકાનની અંદર જે તે સ્થાન નિર્ધારણ કરવામાં આવે છે, જેથી ઉપયોગિતામાં સરળતા રહે. જોકે બારીમાંથી આવતો કુદરતી પ્રકાશ દિવસના સમય તથા ઋતુ પ્રમાણે બદલાયા કરે છે, પણ આ બદલાવ જીવનની કેટલીક બાબતોને માણવા માટે જરૂરી છે.

કુદરતી પ્રકાશ થકી જ સમયની ઓળખ થાય છે. સમયની પ્રતીતિ થતા, સમય દર્શાવે કે હવે કયા પ્રકારના કાર્યમાં સંમેલિત થવાનું છે. પ્રકાશ થકી જ સ્થાનની પણ ઓળખ બંધાય. જે તે સ્થાનમાં કયા પ્રકારની પરિસ્થિતિ હયાત છે અને તેની ઉપયોગિતાની સંભાવના કેવી છે તે પ્રકાશને કારણે જ ખબર પડે. એક રીતે જોતા માનવી અને મકાન વચ્ચેનું સમીકરણ પ્રકાશના કારણે જ શક્ય બને. જે તે સ્થાનની પ્રતિકૂળતા કે અનુકૂળતા પ્રકાશ થકી જ પ્રતીત થાય. એક પરીકલ્પના પ્રમાણે તો પ્રકાશની ગેરહાજરીમાં સમગ્ર રચના ધ્વંસ થઈ જાય છે-પ્રકાશ છે તો મકાન છે અને પ્રકાશ છે તો જ તેની ઉપયોગિતા છે.

સ્થાપત્યમાં કૃત્રિમ પ્રકાશ માટે વીજળીનાં ઉપકરણોની વ્યવસ્થા કરાય છે. સ્વાભાવિક છે કે આ માટે બલ્બ કે ટ્યૂબલાઈટ કે અન્ય નવા વીજકીય ઉપકરણો પ્રયોજાય. આમાં પણ કેટલાંક ઉપકરણો સામાન્ય પ્રકાશ વ્યવસ્થા માટે હોય તો કેટલાક વિશેષ પ્રકારના પ્રકાશની જરૂરિયાત મુજબના હોય. અહીં પણ નાટકિયતા લાવવાનો પ્રયત્ન થઈ શકે. કુદરતી પ્રકાશની તુલનામાં કૃત્રિમ પ્રકાશ પર નિયંત્રણ વધુ અસરકારક રહી શકે. આધુનિક મકાનોમાં ફરસમાંથી પણ કૃત્રિમ પ્રકાશ મેળવવાની વ્યવસ્થા કરાતી હોય છે.

સ્થાપત્યમાં પ્રકાશની મજા વધુ ત્યારે આવે તે જ્યારે પ્રકાશ અને પડછાયા સાથે એક નવીન ભાત ઉપસાવવાનો પ્રયત્ન થાય. મકાનનું જે વિગતિકરણ થાય તે ચોક્કસ પ્રકારની પ્રકાશ વ્યવસ્થામાં-તેનાથી પડતા પડછાયાને કારણે વધુ સ્પષ્ટ અને કલાત્મક જણાય. પરગોલા જેવી રચનામાં પ્રકાશ અને છાયાથી રસપ્રદ પેટર્ન ઊભરે. દીવાલ પર કરાયેલ કલાત્મક ઉભારને પણ પ્રકાશની હાજરીમાં વધુ માણી શકાય.

સ્થાપત્યમાં પ્રકાશ ઉપયોગિતા, નાટકિયતા તથા પ્રતીકાત્મક રજૂઆત માટે વાપરી શકાય. પ્રકાશ થકી આકાર -રંગ-બરછટતા-પ્રમાણમાપની અનુભૂતિ થાય છે. પ્રકાશની હાજરીથી જ જે તે બાબતનું સ્થાન અને તેની ગોઠવણ સમજાય છે. એક રીતે પ્રકાશ ઉપયોગિતાની ઢબ પણ નિર્ધારિત કરી દે છે. સામે ખુરશી હોવાની પ્રતીતિ પ્રકાશને કારણે જ થાય છે, અને પછી જ નક્કી થઈ શકે કે તેના ઉપર બેસી શકાય તેવી સ્થિતિ છે કે નહીં. આ રીતે સ્થાપત્યનાં આંતરિક સ્થાનો સાથેનો વ્યવહાર પ્રકાશ દ્વારા નિર્ધારિત થાય છે.

પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે. તેની સાથે ગરમી પણ જોડાઈ-સંકળાય જાય છે. એમ બની શકે કે વધુ પ્રકાશ એટલે વધુ ગરમી. સ્થાપત્યમાં બારી-બારણાના આયોજન માટે જો પ્રકાશની જ ગણના કરવામાં આવે તો ક્યાંક મકાનની અંદર વધુ ગરમી પ્રવેશી શકે. આવા સમયે બારી-બારણાની રચનામાં વિશેષ ધ્યાન રાખવું પડે.

મકાનની ઉપયોગિતા પ્રમાણે પણ તેમાં કેવા પ્રકાશની જરૂર છે તે નિર્ધારિત થતું હોય છે. આવાસમાં જે પ્રકારનો પ્રકાશ જોઈએ તેના કરતાં વિશેષ પ્રકાશ આર્ટ ગેલેરીમાં ઇચ્છનીય ગણાય. મંદિરમાં પ્રકાશનું જે પ્રતીકાત્મક મહત્ત્વ છે એવું મહત્ત્વ શોપિંગ સેન્ટરમાં ન જ હોય. પ્રકાશ અને સ્થાપત્ય વચ્ચેનું સમીકરણ અનેરું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?