મિશેલ માર્શ અંગે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર શમીએ શું આપી પ્રતિક્રિયા, જાણો
લખનઉઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની તસવીરને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ તસવીરમાં મિશેલ માર્શ વર્લ્ડકપની ટ્રોફી પર પગ મુકીને ફોટો ક્લિક કરાવી રહ્યો છે. આ અંગે સવાલ કરાતા મોહમ્મદ શમીએ કહ્યું કે તે આ તસવીર જોઈને ખૂબ જ દુઃખી થયો હતો.
વાસ્તવમાં વર્લ્ડ કપ 2023 ચેમ્પિયન બન્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઉજવણીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. એક તસવીરમાં મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો. આ તસવીરના કારણે વિવાદ પેદા થયો હતો. ભારતીય પ્રશંસકોએ પણ મિશેલ માર્શને આ અંગે ખૂબ ટ્રોલ કર્યો હતો.
પત્રકારોએ મોહમ્મદ શમી સાથે વાતચીત દરમિયાન આ તસવીર પર તેની પ્રતિક્રિયા પૂછી તો ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું હતું કે મને આ વાતથી ઠેસ પહોંચી છે, જે ટ્રોફી માટે આખી દુનિયાની ટીમો લડી રહી હતી, જે ટ્રોફી તમે તમારા માથા પર ઉંચકવા માંગો છો તેના પર પગ મૂકવો ખરેખર દુઃખદ હતો. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.