4 મહિના ટ્રેનિંગ, ગળપણનો ત્યાગ, આ રીતે બોબી દેઓલે ‘એનિમલ’ માટે બનાવ્યું ખૂંખાર બોડી

2023ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક એવી ‘એનિમલ’નું ટ્રેલર ગઇકાલે જ રિલીઝ થયું. ટ્રેલરમાં રણબીર કપૂર તો તેની દમદાર એક્ટિંગથી ભુક્કા બોલાવી જ રહ્યો છે, પરંતુ બોબી દેઓલની ભૂમિકા એક રહસ્ય સમાન લાગી રહી છે. બોબી દેઓલનો તો જે રોલ હશે તે તો ફિલ્મ રિલીઝ થાય એટલે ખ્યાલ આવી જ જશે, પણ ટ્રેલરમાં તેના રોલ કરતા પણ બોડીની ચર્ચા વધુ થઇ રહી છે.
ટ્રેલરમાં રણબીર કપૂર સાથે શર્ટલેસ ફાઇટ સિકવન્સમાં બોબીનું અદ્ભૂત બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. બોલીવુડના જાણીતા ફિટનેસ ટ્રેનર પ્રજ્જવલ શેટ્ટી પાસેથી લગભગ 4 મહિનાની ટ્રેનિંગ બાદ બોબીએ આવો લુક મેળવ્યો છે.
એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ફિટનેસ ટ્રેનર પ્રજ્જવલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેમને બોબીની બોડીની જે પ્રકારે ચર્ચા થઇ રહી છે તેનો આનંદ છે. તેમને ફિલ્મમેકર્સે 4 મહિનાનો સમય આપ્યો હતો. તેઓ રેસ-3ના સમયથી બોબીને ટ્રેઇન કરી રહ્યા છે.
ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા દ્વારા મળેલી સૂચનાઓ અંગે જણાવતા પ્રજ્જવલ શેટ્ટીએ કહ્યું, “સંદીપે સૂચના આપી હતી કે ફિલ્મમાં રણબીરના લુક કરતા પણ બોબીનો દેખાવ વધારે મેસ્ક્યુલીન(પૌરૂષી) દેખાવો જોઇએ. તે ફ્રેમમાં રણબીર કરતા વધારે વિશાળ દેખાવા જોઇએ. બોબીનો બોડી માસ ઇન્ટેક સારું હોવાથી આશરે 85થી 90 કિલો જેટલું તેમનું વજન વધ્યું હતું. બોબીની બોડી જોઇને સંદીપ ખૂબ જ ખુશ થયા હતા. ફિલ્મના અંતિમ દ્રશ્યના શૂટ વખતે તેમણે મને બોલાવીને કહ્યું કે તેઓ ખૂબ પ્રસન્ન થયા છે, બોબીનો આવો જ લુક અપેક્ષિત હતો.” તેમ પ્રજ્જવલ શેટ્ટીએ જણાવ્યું.
પ્રજ્જવલ શેટ્ટીએ બોબીના ડાયટ વિશે જણાવતા કહ્યું, “શરૂઆતમાં બોબીનું વજન ઘણું ઓછું હતું. તેના બોડી માસ અને મસલ્સ વધારવાના હતા, કાર્બ્સ, ફેટ અને પ્રોટીન તમામ પદાર્થો અમે ડાયટમાં સામેલ કર્યા હતા. એની સાથે સાથે હાઇ ઇન્ટેન્સ ટ્રેનિંગ સેશન પણ ચાલતું હતું. દરરોજ એક કલાકની વેઇટ ટ્રેનિંગની સાથે બોબી સવાર-સાંજ 40 મિનિટ કાર્ડિયો પણ કરતા. સવારમાં ઉઠીને સૌથી પહેલા એગ્સ, પછી ઓટમીલ, લંચમાં ચિકન અને રાઇસ, સાંજે તેઓ થોડુ સલાડ ખાતા અને રાત્રે ચિકન અથવા ફિશ લેતા. નવાઇની વાત છે કે બોબી પંજાબી હોવા છતાં ખાવાના શોખીન નથી. તેમને ગળપણ ઘણું ભાવે છે, પણ 4 મહિનામાં એકપણ વાર તેમણે મીઠાઇ લીધી ન હતી.”
એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.