MPના 90 ટકા ધારાસભ્યો પાંચ વર્ષમાં થયા માલામાલ, એફિડેવિટમાં દેખાયો સંપત્તિનો વધારો
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં કુલ 2533 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. એક જ તબક્કામાં થયેલા મતદાનમાં કુલ 76 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. કુલ 180 ધારાસભ્યોએ એફિડેવિટમાં 2018-23 સુધી પોતાની સંપત્તિમાં ઘણી વૃદ્ધિ થઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી રતલામ શહેરનું પ્રતિનિધિત્વ કરતા ચેતન્ય કશ્યપ રાજ્યના સૌથી ધનિક ધારાસભ્ય છે. તેમની સંપત્તિ વર્ષ 2018માં રૂ. 204 કરોડથી વધીને 2023માં રૂ. 296 કરોડ થઈ હતી, જેમાં રૂ. 91.4 કરોડનો વધારો થયો હતો. કોંગ્રેસની વાત કરીએ તો રાયગાંવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કલ્પના વર્મા પાસે સૌથી ઓછી સંપત્તિ છે. વર્ષ 2023માં તેમની કુલ સંપત્તિ 33.65 લાખ રૂપિયા હતી. જ્યારે વર્ષ 2018માં તે 14 લાખ હતી. તેમની સંપત્તિમાં 139 ટકાનો વધારો જોવા મળ્યો છે.
મધ્યપ્રદેશમાં ચોંકાવનારી રીતે ધારાસભ્યો વચ્ચે સંપત્તિની અસમાનતા જોવા મળી રહી છે. એફિડેવિટ અનુસાર, ટોચના 10 સૌથી ધનિક ધારાસભ્યોની સંયુક્ત સંપત્તિ 1,728.52 કરોડ રૂપિયા છે, જે લગભગ અન્ય 182 ધારાસભ્યોની સંયુક્ત સંપત્તિની બરાબર છે. અન્ય તમામ ધારાસભ્યોની સંપત્તિ 1,692 કરોડ રૂપિયા છે.
બીજીવાર ચૂંટણી લડી રહેલા તમામ 192 ધારાસભ્યોની સંપત્તિનો કુલ સરવાળો 3,507.34 કરોડ રૂપિયા છે. કુલ રકમમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો હિસ્સો 52.81 ટકા છે. તે પછી ભાજપનો નંબર આવે છે જેના ઉમેદવારો પાસે 46.05 ટકા સંપત્તિ છે. આ સિવાયના અન્ય પક્ષના ઉમેદવારો પાસે 3.58 ટકા મિલકત છે. આ માહિતી પરથી મધ્યપ્રદેશના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસનું કેટલું વર્ચસ્વ છે તે જાણી શકાય છે.