ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કતાર: 8 ભારતીયોને બચાવી લેવાશે? અદાલતે મૃત્યુદંડ વિરુદ્ધ ભારતની અપીલ સ્વીકારી

દોહા: કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓને ગયા મહિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, આ સજા સામે ભારતે કરેલી આપીલ કતારની અદાલતે સ્વીકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કતારની કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી કરશે.

અહેવાલો અનુસાર, કતારની ગુપ્તચર સંસ્થા દ્વારા જાસૂસીના આરોપમાં આઠ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કતારે હજુ સુધી તેમના પર લાગેલા આરોપો જાહેર કર્યા નથી. તેમની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગયા મહિને કતારની અદાલતે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

ઓગસ્ટ 2022 માં ધરપકડ કરાયેલ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓમાં પૂર્ણેન્દુ તિવારી, સુગુણાકર પાકલા, અમિત નાગપાલ, સંજીવ ગુપ્તા, નવતેજ સિંહ ગિલ, બિરેન્દ્ર કુમાર વર્મા, સૌરભ વશિષ્ઠ અને રાગેશ ગોપકુમારનો સમાવેશ થાય છે.

અગાઉ ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ પ્રક્રિયા ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.

કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારત સરકારે આ નિર્ણયને આઘાતજનક ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની ખાતરી આપી હતી. થોડા દિવસો બાદ ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી.

અરિંદમ બાગચીએ કહ્યું, “આ મામલો હાલમાં ત્યાં ક્યાદાકીય પ્રક્રિયામાં છે. અમે કહ્યું તેમ, અપીલ કતારની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ બાબતે કતારના પ્રસાશન સાથે સંપર્કમાં છીએ અને અમે તેમને નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓને તમામ કાનૂની અને રાજદ્વારી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવા જણાવ્યું છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button