ઇન્ટરનેશનલ

ઈઝરાયેલે UNની સ્કૂલ પર હુમલો કર્યો, 30ના મોત, 93 ઘાયલ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 49 દિવસ વીતી ચુક્યા છે. આ સમય દરમિયાન, ઇઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલાઓ કરી રહી છે, જેના કારણે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરીકોની સંખ્યા 14532 પર પહોંચી ગઈ છે, મૃતકોના મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. દરમિયાન, પેલેસ્ટિનિયન ડૉક્ટરે ગુરુવારે દાવો કર્યો હતો કે ઇઝરાયલે ગાઝામાં યુનાઇટેડ નેશન્સ રીલીફ એન્ડ વર્ક એજન્સી (UNRWA) દ્વારા સંચાલિત અબુ હુસૈન સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 30થી વધુ  લોકો માર્યા ગયા અને 93 લોકો ઘાયલ થયા.

ગાઝા પટ્ટીના એક ડોક્ટરે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પને ઈઝરાયેલી સેનાએ નિશાન બનાવ્યું છે. આ ગાઝા પટ્ટીના સૌથી મોટા શરણાર્થી શિબિરોમાંથી એક છે. આની અંદર અબુ હુસૈન સ્કૂલ હતી, જ્યાં ઈઝરાયેલી સેનાએ હુમલો કર્યો હતો.

એક અહેવાલ મુજબ હજારો પેલેસ્ટિનિયન નાગરીકો યુદ્ધ અને બોમ્બ ધડાકાથી બચવા માટે જબાલિયા શરણાર્થી શિબિરમાં રહેવા આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયલી સેનાએ શરણાર્થી શિબિરની અંદર ચલાવવામાં આવી રહેલી સ્કૂલને નિશાન બનાવી હતી. આ સિવાય ઈઝરાયલી સેનાએ ઉત્તરી ગાઝામાં ઈન્ડોનેશિયાની હોસ્પિટલ પર પણ હુમલા કર્યા હતા, જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર અને વીજળી જનરેટરને નિશાન બનાવવામાં આવ્યા.

હાલમાં, ગાઝા પટ્ટીમાં બીટ લાહિયાની હોસ્પિટલમાં તબીબી સ્ટાફ અને આંતરિક રીતે વિસ્થાપિત લોકો સહિત 200 થી વધુ દર્દીઓ હાજર છે. તેમના પર પણ હુમલાનો ખતરો છે.

પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયલના સતત બોમ્બમારામાં 14,532થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની સત્તાવાર સંખ્યા લગભગ 1,200 છે. દરમિયાન, કતારની મધ્યસ્થીથી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, જે શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે (05:00 GMT) શરૂ થવાનું છે.

જો કે, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગુરુવારે જણાવ્યું હતું કે વિરામ પછી હુમલા ચાલુ રહેશે. અમે વધુ બંધકોને પરત લાવવા દબાણ લાવીશું. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા બે મહિના સુધી લડાઈ ચાલુ રહેવાની અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button