મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બિટકોઈનમાં ખંડણીની માંગ
મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ગુરુવારે એક ઈમેલ દ્વારા ધમકી આપી 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ ડોલર આપવાની માંગ કરવામાં આવી હતી. ધમકી મળતા એરપોર્ટ ઓથોરીટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સહારા પોલીસે આ મામલે એક અજાણ્યા શખ્સ સામે એફઆઇઆર નોંધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઇમેલ મળતાં એરપોર્ટ ઓથોરીટીએ મુંબઇ પોલીસને આ અંગે જાણ કરી હતી. મુંબઈ પોલીસે ધમકીને ગંભીરતાથી લેતા તુરંત કાર્યવાહી શરુ કરી હતી. મુંબઇ પોલીસે આપેલી જાણાકરી મુજબ આ ઇમેલ ગુરુવારે સવારે 11 વાગીને 6 મિનીટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફિડબેક ઇનબોક્સમાં આવ્યો હતો.
આરોપીએ ધમકીભર્યા ઇમેલમાં લખ્યું છે કે, તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો અમે કહીએ છીએ એમ નહી થાય તો અમે એરપોર્ટના ટર્મિનલ 2 પર 48 કલાકમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું. અમને બિટકોઇનમાં 1 મિલિયન ડોલર આપો, જો એવું નહીં થાય તો 24 કલાક બાદ તમને બીજી ચેતવણી આપવામાં આવશે.
પોલીસએ આ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે આઇપી એડ્રેસ પરથી આ ઇમેલ મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ મુંબઈ પોલીસને ઘણા ધમકીભર્યા કોલ આવ્યા હતા.