આપણું ગુજરાત
અમદાવાદમાં પોલીસની ઓળખ આપી સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લીધા
અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં રહેતા સિનિયર સિટીઝનને થોડા દિવસ પહેલા બે યુવકોએ પોલીસની ઓળખ આપીને તેમના ઘર નજીક રોકીને અહીંયા બે દિવસ પહેલા મર્ડર થયું છે. તેમ કહીને હાથમાંથી બે સોનાની વીંટીઓને કઢાવીને તેમના ખિસ્સામાં મુકવાના બહાને સેરવી લઈ ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા વ્રજવિહાર વિભાગ-૨માં રહેતા અરવિંદ ઠક્કર (ઉ.વ.૭૨) ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની સોસાયટીના ગેટ પાસે બે વ્યક્તિઓ ઊભા હતા. તેમણે અરવિંદને બોલાવીને કહ્યું હતું કે દો દીન પહેલા યહા પે ખૂન હો ગયા થા ફીર ભી તુમ હાથ મેં સોને કી રીંગ પહેન કે ફીરતે હો તો આપકા ભી ખુન હો જાયેગા હમ પોલીસ હૈ.. તેમ કહીને અરવિંદભાઇને હાથમાંથી વીંટી કઢાવીને કાગળના પડીકામાં મુકવાના નામે પોતાના ખિસ્સામાં મુકીને બંને નાસી ગયા હતા.