રાહુલ ગાંધીને ચૂંટણી પંચની કારણદર્શક નોટિસ
મોદીની વિરુદ્ધ અપશબ્દો વાપરવાનો કેસ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી’, ‘ખીસાકાતરુ’ અને ‘શ્રીમંત લોકોનું કરજ માફ કરનાર’ જેવા અપશબ્દો વાપરનારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ પાઠવી હતી અને પચીસમી નવેમ્બર, શનિવારના સાંજે છ વાગ્યા સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રાહુલ ગાંધીની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજકીય હરીફો સામે પુરાવા વિનાના આરોપ મૂકવા પર આચારસંહિતામાં પ્રતિબંધ મુકાયો છે. કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે મોદી માટે અપશબ્દો વાપર્યા હતા.
ભાજપે આક્ષેપ કર્યો હતો કે મોદીએ ઉદ્યોગપતિઓનું રૂપિયા ૧૪,૦૦,૦૦૦ કરોડથી વધુનું કરજ માફ કર્યું હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ પાયાવિહોણો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વિશ્ર્વ કપની ફાઇનલ મેચના સંબંધમાં રાહુલ ગાંધીએ મોદી માટે ‘પનોતી’ શબ્દ વાપર્યો હતો.
ચૂંટણી પંચે કારણદર્શક નોટિસમાં રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે અમારી આ નોટિસનો જવાબ તમારે પચીસ નવેમ્બરના સાંજે છ વાગ્યા સુધીમાં આપવો પડશે. પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આ સૌપ્રથમ કારણદર્શક નોટિસ આપી છે, જ્યારે તેમની બહેન પ્રિયંકા ગાંધી વડરાને બે નોટિસ અપાઇ છે.