નેશનલ

કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ: પીએમ મોદી

મથુરા: ”મથુરાના કણકણમાં ભગવાન શ્રીકૃષ્ણ છે. અહીં એ લોકો જ આવે છે જેમને શ્રીજી બોલાવે છે, કૃષ્ણ અને મીરાબાઇનો ગુજરાત સાથે ખાસ સંબંધ છે. કાન્હા મથુરાથી દ્વારકા આવીને દ્વારકાધીશ બન્યા હતા.” આવું પીએમ મોદીએ ભગવાન શ્રીકૃષ્ણની 525મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત ‘મીરાબાઈ જન્મોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું હતું.

પીએમ મોદીએ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મથુરાના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને તેમને મીરાબાઈની પ્રતિમા અર્પણ કરી હતી. હેમા માલિનીએ આ કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ મીરાબાઇની 525મી જન્મજયંતિ નિમિત્તે તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને રૂ. 525નો સિક્કો પણ બહાર પાડ્યો હતો. મીરાબાઇ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ માટે પ્રખ્યાત થયા હતા. તેમણે રચેલા ભજનો, છંદ આજે પણ ભગવાનની સ્તુતિમાં ગવાય છે.

PM મોદીની જાહેરસભામાં હાજરી આપવા માટે મથુરામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. એક ભક્ત હનુમાનજીના રૂપમાં પહોંચ્યો હતો. અનેક લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર કાર્યક્રમ વિશે એક ખાસ પોસ્ટ મુકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે “ભગવાન શ્રી કૃષ્ણના પ્રખર ભક્ત સંત મીરાબાઈનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. મથુરાની પવિત્ર ભૂમિ પર સંત મીરાબાઈની 525મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવો એ મારા માટે સૌભાગ્યની વાત છે!” પીએમ મોદીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button