ડીપફેક લોકશાહી માટે ખતરોઃ આગામી દિવસોમાં સરકાર લઈ શકે આ પગલાં?
નવી દિલ્હીઃ ડીપફેક પર મુદ્દે કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા કંપની સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. એની સાથે ઝડપથી કાયદો બનાવવાની પણ વાત કરીને દસ દિવસમાં વધુ કડક કાયદા બનાવવાનું જણાવ્યું હતું. થોડા સમય પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
ડીપફેક વીડિયો અને ઓડિયાના વધતા ફેલાવાને કારણે સરકારે સતર્ક રહેવાનું જરુર છે. આ મુદ્દે આજે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયાની અનેક કંપની સાથે બેઠક કરી હતી, જ્યારે તેના ઉકેલ માટે અમુક નિર્ણય લીધા છે. ડીપફેક અંગે મહત્ત્વની માહિતી પ્રાપ્ત કરી હતી, જ્યારે લોકશાહી માટે જોખમ હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાને ચાર મુખ્ય બાબત પર કામ કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓએ સ્વીકાર્યું છે કે ડીપફેક એક સામાજિક જોખમ છે. એનાથી બચવા માટે જે મુદ્દે સરકાર કામ કરશે તેનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલી બાબત ડીપફેકની તપાસ કઈ રીતે કરવી? ત્રીજી, કોઈ યૂઝર કઈ રીતે કામ કરે અને તાત્કાલિક કઈ રીતે કાર્યવાહી કરી શકાય? અને ચોથી આ જોખમ અંગે લોકોમાં જાગૃકતા વધારવા માટે બધા કઈ રીતે સાથે મળીને કામ કરી શકે?
તાજેતરમાં જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેકનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ બિગ બીએ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બિગ બી પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરીને તેની સામે પગલાં ભરવાની અપીલ કરી હતી. દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે તપાસ માટે અમુક પ્લેટફોર્મ તૈયાર છે, પરંતુ તેના માટે વધુ જરુરિયાત છે. આવા વીડિયોની સામે ઝડપથી કાયદા બનાવવામાં આવશે તેમ જ ટેક્નિકલ પગલાં ભરવામાં આવશે.