ઝુબિન નૌટિયાલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત,
કહ્યું ગુજરાતમાં ખૂબ પ્રેમ અને સન્માન મળ્યા
બોલીવુડના ફેમસ સિંગર ઝુબિન નૌટિયાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની 182 ફૂટ ઉચી પ્રતિમાની મુલાકાત લઇને પોતે મંત્રમુગ્ધ થઇ ગયો હોવાનું મીડિયાને તેણે જણાવ્યું હતું.
ઝુબિને જણાવ્યું હતું કે લોખંડી પુરૂષની આ પ્રતિમા સમગ્ર દેશનુ ગૌરવ છે અને મને ગર્વ છે કે આ પ્રતિમાને પ્રણામ કરવાનો મને અવસર મળ્યો. મને ગુજરાતના લોકો પાસેથી ખૂબ જ પ્રેમ અને સન્માન મળ્યા છે. એ બદલ હું ગુજરાતના લોકોનો આભાર માનવા માગુ છું.
ઝુબિને સ્ટેચ્યુ ઓફ યુનિટીના તેના પ્રવાસ દરમિયાન એક ફેનની ઇચ્છા પૂરી કરી હતી. તેઓ તેમની કારમાં બેસવા જઇ રહ્યા હતા એ સમયે એક બાળક તેમની પાસે ઓટોગ્રાફ માગવા આવ્યો હતો આથી ઝુબિને તેને ઓટોગ્રાફ પણ આપ્યો હતો અને કારમાંથી ઉતરીને તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર શિવમ બારીયાએ ઝુબિન નોટિયાલને કોફી ટેબલ બુક અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કર્યું હતું. બોલીવુડની અનેક હસ્તીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અવારનવાર મુલાકાત લેતી હોય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક પ્રવાસન સ્થળ તરીકે માત્ર ગુજરાત પૂરતી જ નહિ, વિશ્વભરમાં તેની ઓળખ ઉભી કરી રહ્યું છે.