પુણેમાં 300 મીટર ઊંડી ટનલમાં પડી ગયા બે ખેડૂતો અને…
પુણેઃ પુણે એક તરફ ઉત્તરકાશીના ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજું મહારાષ્ટ્રના પુણેમાં પણ બે ખેડૂતો ટનલમાં પડી ગયા છે. આ બંને ખેડૂતો નીરા અને ભીમા નદીના જોડવા માટે બનાવવામાં આવી રહેલી ટનલમાંથી સિંચાઈનું પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે આ બંને ખેડૂતો 300 મીટરના ઉંડાણમાં પડી ગયા છે અને આને કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ બંને ખેડૂતોની ભાળ કાઢવા માટે મોટી મોટી ક્રેન મશીનો મંગાવવામાં આવી છે. જોકે, અત્યાર સુધી આ ખેડૂતોની કોઈ ભાળ મળી નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના પુણેના ઈંદાપુર તાલુકામાં કાઝડ ગામમાં બની છે. અહીં ભાદલવાડી અને તાવશી વચ્ચે ભીમા અને નીરા નદીને જોડવા માટે એક ટનલ બનાવવામાં આવી છે આ ટનલમાં કામ ચાલી રહ્યું હતું અને આ ટનલમાં આવેલા પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરતાં હતા.
આ વચ્ચે બે ખેડૂતો સિંચાઈ માટે પાઈપ લગાવવા માટે આ ટનલમાં ઉતર્યા હતા અને દરમિયાન બંનેનો હાથ સરકી જતાં સંતુલન ખોરવાઈ ગયું અને તેઓ 300 મીટરની ટનલમાં નીચે પડી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ટનલનું કામકાજ હજી પૂરું નથી થયું. પરંતુ ખેડુતોને આ ટનલ પાસે નહીં આવવા માટેની ચેતવણી અનેક વખત આપવામાં આવી હોવા છતાં ટનલમાંથી પાણી કાઢીને ખેડુતો પોતાની સિંચાઈની જરૂરિયાતો પૂરી કરે છે.
ટનલમાં પડી ગયેલાં ખેડૂતોની ઓળખ અનિલ નરુટે રતિલાલ નરુટે તરીકે કરવામાં આવી છે. બંને જણ ખેતરમાં સિંચાઈ કરવા માટે ટનલની અંદર ઈલેક્ટ્રિક પંપ લગાવવાના હતા. આ માટે પાઈપ તો ટનલમાં નાખી દીધો હતો. પણ જ્યારે પાણી પાઈપમાં ઉપર નહીં ચડ્યું તો બંને જણ શું થયું જોવા ટનલમાં ઉતર્યા હતા અને આ દુર્ઘટના બની હતી. તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને કરવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.