રાહુલ ગાંધી પછી દિગ્વિજય સિંહે ‘પનૌતી’ શબ્દ પર આપી પ્રતિક્રિયા
કહ્યું- 'PM મોદી વિશ્વગુરુ છે…'
ભોપાલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ભાજપ એટેક મોડમાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે હવે આ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ મોદીજીને ‘પનૌતી’ કેમ માને છે? તેમની નજરમાં તો તેઓ ‘વિશ્વગુરુ’ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘પનૌતી’ કહ્યા હતા. જેને લઈને ભાજપના નેતાઓ ગુસ્સે ભરાયા છે. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની ભાષાને અભદ્ર ગણાવી હતી અને માફી માંગવાની પણ માંગ કરી હતી. હવે આ અંગે પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને પનૌતી શબ્દની વ્યાખ્યા કરી છે.
ટ્વિટમાં દિગ્વિજય સિંહે કટાક્ષ કરતા લખ્યું છે કે, ‘પનૌતી’નો અર્થ શું છે? મેં એના વિશે સંશોધન કરીને જાણકારી મેળવી છે. જ્યારે કોઈ કામ અધૂરું રહી જાય તો તે વ્યક્તિ ‘પનૌતી’ કહેવાય છે. પનૌતી શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે જે તેની આસપાસના લોકો માટે દુર્ભાગ્ય અથવા ખરાબ સમાચાર લાવે છે, તેથી જ તેને નકારાત્મક શબ્દ કહેવામાં આવે છે. વર્લ્ડ કપ ફાઇનલ સમયે સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
આ કોને કહ્યું હતું? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને ‘પનૌતી’ કેમ માની લીધા? લોકોની નજરમાં તો તેઓ ‘વિશ્વગુરુ’ છે. તાજેતરમાં એક મીટિંગ દરમિયાન, રાહુલ ગાંધીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના સંદર્ભમાં ‘પનૌતી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આ અંગે ભાજપે રાહુલ ગાંધી પર પીએમ મોદી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની પાસેથી માફીની માંગ કરી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે હારની હતાશાથી રાહુલ ગાંધી એટલા પરેશાન થઈ ગયા છે કે હવે તેઓ પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે.
રવિશંકર પ્રસાદ કહ્યું હતું કે, “પીએમ મોદી ખેલાડીઓ પાસે જાય છે અને તેમને મદદ કરે છે, તેમને પ્રેમ કરે છે અને તેમનું મનોબળ વધારે છે. આજે એશિયાડ, ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આપણા ક્રિકેટ ખેલાડીઓએ પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.
ઠીક છે, વિજય અને હાર તો થતી રહે છે. રાહુલ ગાંધી તેમના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદી માટે આવા શબ્દોનો ઉપયોગ કરે છે. તે નિંદનીય છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાને આ શબ્દને પીડાદાયક ગણાવ્યો હતો અને રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ એમ જણાવ્યું હતું.